અપચો કેવી રીતે દૂર થાય?  

અપચો એટલે જે ન પચેલું હોય તે. અપચો અન્નનો હોઈ શકે, પાણીનો હોઈ શકે અને અપચો વિચારોનો પણ હોઈ શકે. શરીરમાં થયેલ અપચાની કદાચ દવા મળી જશે, પણ મનમાં થયેલ અપચાની દવા ક્યાંથી મળશે?

એના જવાબમાં કહીશ કે એની દવા યોગ કરવાથી મળશે. જેમ શરીરનો કચરો શરીરને detox કરવાથી બહાર નીકળે છે એમ મનનો કચરો યોગ કરવાથી બહાર નીકળે છે. શુધ્ધિકરણની જુદી જુદી ક્રિયાઓ છે. અહીં તમને હું શરીરનો અપચો દૂર કરવાના આસનો કહેવાની છું અને મનના કચરાને દૂર કરવાની શુધ્ધિકરણની ક્રિયા પણ કહેવાની છું.

પરંતુ પહેલાં તો અપચો થાય કેમ એનું કારણ સમજી લઈએ. રસોડામાં મિક્સર હોય એમાં મેં પલાળેલી મગની દાળ વાટવા માટે એ જાર ભર્યો. મિક્સર ચાલુ કર્યું. આખો જાર ભરવાથી નીચેના ભાગે જે મગની  દાળ છે તે સરસ વટાઇ ગઈ, પરંતુ ઉપરની બાકી રહી તો આપણે શું કરીશું? જાર ખોલી એને ચમચીથી હલાવીશું અથવા પાણી નાખીશું ને ફરી મિક્સર ચાલુ કરીશું. પછી બધું વટાશે, પણ જાર આખી ભરેલી હશે તો વટાતા તકલીફ તો પડશે જ. પરંતુ એને બદલે જો પહેલેથી જ જાર ઓછી ભરીએ તો દાળ તરત જ સરસ વટાઇ જાય.

(અર્ધ શિર્ષાસન)

બસ, આવું જ કાંઈક આપણા પેટ અને આંતરડા સાથે થઈ રહયું છે. સવારે નાસ્તો કર્યો હોય એ પચ્યો નથી ત્યાં લંચનો સમય થઈ ગયો અને એ ખોરાક હજુ પચ્યો નથી ને બપોરે ૪ કે ૫ વાગે નાસ્તો કયો અને એ ય પચ્યું નથી ને ડીનરનો સમય આવી ગયો.

અહીં પેટ અને આંતરડા મશીન છે. એમાં આટલું બધું ભર ભર કરીશું તો કઇ રીતે પાચન થશે? જે વિજ્ઞાન એવું કહે છે કે સવારે બ્રેકફાસ્ટ લેવો જ જોઈએ તે વિજ્ઞાન એવું નથી કહેતું કે હેવી બ્રેકફાસ્ટ લઇએ તો લંચ નહીં લેવાનું. યોગશાસ્ત્રમાં કહયું છે કે એક ખોરાક ન પચે ત્યાં સુધી કે સાચી ભૂખ ન લાગે ત્યાં સુધી બીજો ખોરાક લેવો ન જોઈએ. યોગશાસ્ત્ર કહે છે કે વધારે પડતી ઊંઘ, વધારે પડતો ખોરાક, વધારે પડતો શ્રમ પણ સારાં નથી. આહાર અને વિહાર- બધું જ સપ્રમાણ હોવું જોઈએ. બે ભોજન વચ્ચે છ કલાકનું અંતર હોવું જોઈએ અને મશીનને ચલાવીએ નહીં ને બગડી જાય એમ આપણા શરીરને પણ યોગ દ્વારા અંગમરોડ ટવનિંગ ટ્વિસ્ટીંગ એ બધું ન કરીએ તો એ પણ બગડી જાય.

(પરિપૂર્ણ નાવાસન)

ચાલો, હવે કયા આસનો કરવા જોઈએ કે જેનાથી શરીરના અપચાની સમસ્યા દૂર થાય એના માટે વિગતે વાત કરીએ. આયંગર યોગ પધ્ધતિ દ્વારા જ પરિવર્તન, બેલ્ટ સાથે પરિપૂર્ણ નાવાસન, તકિયા સાથે શલભાસન, અપાન સંતુલન જેવા આસનોથી ઘણા લોકો વાયુના આવરણો દૂર કરી શક્યા છે અને પાચન સુધારી શક્યા છે. અપાનવાયુના ઇમ્બૅલૅન્સના એટલા બધા કેસ મારી પાસે આવ્યા હતા કે બહુ વિચાર કર્યા પછી આ આસનનું નામ આપી એના દ્વારા ઘણાં સારા પરિણામ મેળવ્યા છે.

અપાન સતુંલન આસનની બીજી ખૂબી એ છે કે જમ્યા પછી તરત પણ આ આસન કરી શકો અને ઓછામાં ઓછી 10 થી 15 મિનીટ આ આસનમાં રોકાઈ પણ શકો. વચ્ચે એક-બે વાર બ્રેક લઇ શકો, પરંતુ નિયમિત આ આસન કરવાથી તમને જરૂરથી ફરક જણાશે.

(અપાન સંતુલન)

હવે કરીએ મનના અપચાની વાત. મનનો અપચો શું છે એ સમજીએ અને એના ગેરફાયદા શું છે, એની સાઇડ ઇફેક્ટ શું છે એ પણ સમજીએ. મનમાં કાંઈ ભરી રાખીએ, કોઈના પ્રત્યેનો દ્વેષ, કોઈના પ્રત્યેની ઇર્ષા, કોઈના પ્રત્યેનો ગુસ્સો અને કોઈએ આપણી સાથે ખરાબ કર્યું હોય તેમાં આપણો દોષ બિલકુલ ન હોય અને જો આપણે આપણી જાતને દયામણી બનાવી રાખતા હોઈએ તો આ પણ મનનો અપચો જ કહેવાય. આ મનનો અપચો વધારે દિવસ સુધી રાખી મૂક્યો હોય, એને બહાર ન કર્યો હોય તો એની સીધી અસર શરીર પર પડે છે.

જે રીતે કોઇપણ કચરો વધારે દિવસો સુધી રાખી મકૂીએ તો એ દુર્ગંધ મારે એમ મનના કચરાને પણ જો બહાર ન કાઢીએ અને મનમાં ને મનમાં જ રાખીએ તો એની અસર શરીર ઉપર પડે છે. ત્વચાનો રંગ બદલાઈ જાય છે. શરીરમાં ક્યાંકને ક્યાંક દુખાવો થાય છે. શરીર કાળુ પડતું હોય છે. એસિડીટી થાય છે. અહીંયા મનની તકલીફો ઘણી જુદી જુદી હોય છે. જેમ કે, અનિદ્રા પણ થાય છે, વગેરે વગેરે…

હવે આમાંથી બહાર નીકળવા માટે બે વસ્તુ કરવી પડે. પહેલાં તો બધાને માફ કરો. મનોમન જે ઘટનામાં આપણો વાંક હોય કે ન હોય એમને માફ કરો એટલે મનમાંથી એ બધું નીકળી જશે. બીજું, અમુક આસન, પ્રાણાયામ અને ધ્યાન કરો.

માનસિક રીતે પણ મજબૂત થઇ જાવ. આપણે મનને મેનેજ કરતા શીખી જઈએ એના માટે કુંભક, ભ્રસ્તિકા ઉતાનપાદાસન સપોર્ટ સાથે ઉત્તાનાસન સપોર્ટ સાથે નાડી શોધન રિલેક્સેશન કરવું.

ધ્યાનથી મન શાંત થાય છે. જેમ શાંત પાણીમાં પથ્થર નાખીએ અને તરંગો ઉત્પન્ન થાય પછી પોતાની જાતે જ એ તરંગો શાંત થઈ જાય એમ મન આપોઆપ શાંત થઈ જાય છે. જેટલા પ્રયત્નો વધારે કરીશું એટલા પાછા પડીશું એટલે કશું જ ન કરવું, એક ચિત્તે સ્થિરતા જાળવી બેસવું એટલે બેઝીક ધ્યાન થયું કહેવાય. એનાથી મનોબળ મજબૂત થાય છે. વિચારો પર કાબ મેળવી શકાય છે. વિચારોના વંટોળને મેનેજ કરી શકાય છે. મગજમાંથી-મનમાંથી નેગેટિવીટી દૂર થાય છે. મનનો અપચો થતો નથી. મન સ્વસ્થ રહે છે અને શાંત-પ્રફુલ્લિત રહે છે. શરીરશુધ્ધિ અને મનની શુધ્ધિ યોગાભ્યાસથી થઈ શકે છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]