સેન્ડવિચ ખમણ

સાદા ખમણને ચટણી તો આપણે અવારનવાર ખાઈએ છીએ. જરા હટકે, સેન્ડવિચ ખમણ બનાવી જુઓ. આખા પરિવારને જલસો થઈ જશે!

 

સામગ્રીઃ

 • ચણાનો લોટ 1¼ કપ
 • મીઠું સ્વાદ મુજબ
 • દળેલી ખાંડ 1 ટી.સ્પૂન (optional)
 • હીંગ  ¼ ટી.સ્પૂન
 • હળદર  ¼ ટી.સ્પૂન
 • લીંબુનો રસ 2-3 ટે.સ્પૂન
 • ઈનો પાવડર 1 ટી.સ્પૂન
 • તેલ 2 ટી.સ્પૂન
 • ટમેટો કેચઅપ 2 ટે.સ્પૂન
 • કોથમીરના પાન ધોઈને ઝીણા સમારેલાં 1 ટે.સ્પૂન
 • દાડમના દાણાં 2 ટે.સ્પૂન (optional)
 • ખમણેલું નાળિયેર 1 ટે.સ્પૂન

વઘાર માટેઃ

 • તેલ 1 ટે.સ્પૂન
 • રાઈ 2 ટી.સ્પૂન
 • હીંગ ¼ ટી.સ્પૂન
 • પાણી ½ કપ
 • ખાંડ 1 ટી.સ્પૂન (optional)

ચટણી માટેઃ

 • કોથમીર ધોઈને સુધારેલી 1 કપ
 • આદુનો ટુકડો 1 ઈંચ
 • લીલા મરચાં 3-4
 • જીરુ 1 ટી.સ્પૂન
 • શીંગદાણા 2 ટે.સ્પૂન
 • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
 • સ્વાદ મુજબ મીઠું
 • પાણી 1 ટે.સ્પૂન

રીતઃ એક બાઉલમાં ચણાનો લોટ, ખાંડ, હીંગ, હળદર પાવડર, લીંબુનો રસ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. હવે તેમાં  ¼ કપ જેટલું પાણી થોડું થોડું કરીને ઉમેરો તેમજ ગઠ્ઠા ના રહે એ રીતે મિક્સ કરવું. આ ખીરું બટેટા વડાના ખીરા જેવું પાતળું થવું જોઈએ. હવે આ ખીરાને 5 મિનિટ માટે ઢાંકીને  રાખી મૂકો.

ઢોકળા બાફીએ તે વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. 2 થાળીમાં તેલ ચોપડી લો.

5 મિનિટ બાદ ખીરામાં 1 ટી.સ્પૂન તેલ મેળવી લો. એમાંથી 2 ડોયા જેટલું ખીરું બીજા એક નાના બાઉલમાં લઈ તેમાં ½ ટી.સ્પૂન ઈનો પાવડર મેળવીને ચમચા વડે એક જ દિશામાં હલાવો, જ્યાં સુધી ખીરું જરા ફુલીને તેમાં ફીણ જામવા માંડે. હવે આ ખીરાને ઢોકળાની એક થાળીમાં પાથરીને આ થાળી ગેસ પર ગરમ કરવા મૂકેલા વાસણમાં મૂકીને વાસણ ઢાંકી દો. થાળીને 15 મિનિટ સુધી થવા દો.

આ જ રીતે ઢોકળાની બીજી થાળી પણ બાફી લો.

ચટણીની સામગ્રી ભેગી કરીને મિક્સીમાં વાટી લો. ચટણી ઘટ્ટ રહેવી જોઈએ.

ઢોકળાની થાળી ઠંડી થાય એટલે હળવેથી ઢોકળાની ચારેકોર ચપ્પૂ ફેરવીને એક તવેથા વડે ઢોકળાની લેયરને નીચેથી ઘસીને થાળીથી અલગ કરી એક મોટી પ્લેટમાં ગોઠવી દો.

એક પેનમાં તેલ ગરમ કરીને રાઈ તેમાં નાખો, રાઈ ફુટે એટલે હીંગ નાખીને તરત અડધો કપ પાણી મિક્સ કરી દો. ત્યારબાદ ખાંડ નાખીને પાણી ઉકળે એટલે ગેસ બંધ કરીને પેનને નીચે ઉતારી લો.

તેલના વઘારને ઢોકળાની એક આખી લેયર પર ચમચી વડે નાખી દો તેમજ ચટણી પણ આ લેયર પર લગાડી દો. ઢોકળાની બીજી લેયર તેની ઉપર ગોઠવી દો. આ બીજી લેયર પર ટમેટો કેચઅપ ચોપડીને તેને કોથમીર, દાડમના દાણા, નાળિયેરની છીણ વડે સજાવી દો. ત્યારબાદ તેના ચોરસ કટકા કરીને લીલી ચટણી સાથે આ સેન્ડવીચ ખમણ પીરસો. લીલી ચટણીને બદલે કઢી પણ પીરસી શકાય છે.