કેળાની મીઠાઈ

પાકા કેળાની આ મીઠાઈ પૌષ્ટિક તેમજ નવીન છે. ગણપતિ બાપાને ધરાવવા માટે બનાવી લો આ મીઠાઈ!

સામગ્રીઃ

  • ગોળ 1 કપ
  • ઘઉંનો લોટ 1 કપ
  • રવો 2 ટે.સ્પૂન
  • પાકાં કેળા 4-5
  • ઘી 5 ટે.સ્પૂન
  • કાજુ 3-4
  • બદામ 3-4
  • પિસ્તા 2-3
  • એલચી પાવડર ½ ટી.સ્પૂન
  • ખાવાનો રંગ પીળો અથવા કેસરી ¼ ટી.સ્પૂન (optional)

રીતઃ ગોળને એક નાના બાઉલમાં લઈ તેમાં ½ કપ પાણી ઉમેરીને ચમચી વડે હલાવીને ઓગાળી દો. આ મિશ્રણને ચાની ગળણી વડે ગાળી લો. કેળાને છોલીને તેના ગોળ નાના ટુકડા કરી લેવા. કેળાને કાંટા ચમચી વડે છૂંદો કરી લો. (મિક્સીમાં ક્રશ ન કરવા કારણ કે, કેળામાંથી પાણી છૂટશે અને મીઠાઈ માટે જોઈએ તેવો માવો નહીં બને).

એક કઢાઈમાં ઘી નાખીને ગેસ પર ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ તળીને કાઢી લેવા. હવે આ જ ઘીમાં ઘઉંનો લોટ હલકો સોનેરી રંગનો શેકી લો. હવે તેમાં રવો ઉમેરો અને લોટ સાથે 5-6 મિનિટ માટે શેકો. ત્યારબાદ તેમાં કેળાનો છૂંદો નાખીને ફરીથી શેકો. એમાં 2 ટે.સ્પૂન ઘી ઉમેરીને 2 મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં ગોળનું પાણી મેળવીને ડ્રાયફ્રુટની કાતરીમાંથી થોડી અલગ રાખીને બાકીની ભેળવી દો. મિશ્રણને એકસરખું હલાવતા રહો, જ્યાં સુધી તે ઘટ્ટ થઈને કઢાઈના કિનારા છોડવા ના લાગે. હવે તેમાં તમે ઈચ્છો તે ખાવાનો રંગ ભેળવી શકો છો. ફરીથી તેમાં 1 ટી.સ્પૂન ઘી ઉમેરી દો.

એક થાળીમાં ઘી ચોપડીને આ મિશ્રણને તેમાં ફેલાવી દો અને ઉપર ડ્રાયફ્રુટ ભભરાવી દો. 1 કલાક બાદ તેમાંથી ચોરસ ચોસલા પાડીને ખાવાના ઉપયોગમાં લો.