પૌઆના ઈન્સ્ટન્ટ દહીં વડા

ના દાળ પલાળવાની કે દળવાની પળોજણ અને બની જાય ઈન્સ્ટન્ટ! તો બનાવી લ્યો ઈન્સ્ટન્ટ દહીં વડા પૌઆના!

સામગ્રીઃ

  • પૌઆ 1 કપ
  • રવો 2 ટે.સ્પૂન
  • ચણાનો લોટ 1 ટે.સ્પૂન
  • બાફેલા બટેટા 2
  • ફેટેલું દહીં 2 કપ
  • મરચાં પાવડર 1 ટે.સ્પૂન
  • હળદર પાવડર 1 ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • 3-4 લીલા મરચાં સુધારેલા
  • કોથમીર ધોઈને સુધારેલી 2 ટે.સ્પૂન
  • 1 કાંદો ઝીણો સમારેલો
  • ચણાના લોટની બારીક સેવ ½ કપ
  • કોથમીરની તીખી ચટણી
  • ચપટી હીંગ
  • ખજૂરની ગળી ચટણી
  • શેકેલા જીરાનો પાવડર 2 ટે.સ્પૂન
  • સિંધવ મીઠું ½ ટી.સ્પૂન
  • વડા તળવા માટે તેલ
  • બ્રેડ ક્રમ્સ જરૂર મુજબ

રીતઃ પૌઆ એક પાણીએથી ધોઈને પાણી નિતારીને એક વાસણમાં કાઢી લો. તેમાં બાફેલા બટેટાને ખમણીને નાખો. તેમજ રવો, ચણાનો લોટ, હળદર પાવડર, મરચાં પાવડર, સ્વાદ મુજબ મીઠું, ચપટી હીંગ, સુધારેલા લીલા મરચાં, થોડી કોથમીર મિક્સ કરી દો અને આ મિશ્રણમાંથી ગોલા વાળી તેને થોડા ચપટા કરીને તેલમાં તળવા માટે નાખો. ગેસની આંચ મધ્યમ રાખવી. (વડાના ગોલા ના વળે તો બ્રેડ ક્રમ્સ ઉમેરીને વાળવા.)

સોનેરી રંગના વડા તળીને બહાર કાઢો એટલે એક વાસણમાં પાણી તેમજ થોડો જીરા પાવડર નાખીને તેમાં વડાને 5 મિનિટ માટે ડૂબતા રાખો. ત્યારબાદ બહાર કાઢીને સહેજ હાથેથી દાબીને પાણી કાઢી નાખવું. આ વડાને પીરસતી વખતે 5-6 વડા એક પ્લેટમાં કાઢો. દહીંમાં સ્વાદ મુજબ થોડું મીઠું તેમજ સાકર (Optional) ઉમેરીને વડા પર એક ચમચા વડે નાખીને ઉપર લીલી તેમજ ગળી ચટણી, થોડો ચાટ મસાલો, મરચાં પાવડર, જીરા પાવડર ભભરાવીને દહીં વડા પીરસો.