વિકાસ માટે નહીં ચડે વૃક્ષોની બલી..

અમદાવાદમાં પાંજરાપોળ જંકશન પર ફ્લાયઓવર બનાવવા માટેનો પ્રોજેક્ટ AMCએ હાથ ધર્યો હતો. આ પ્રોજેક્ટમાં આડે આવતા પાંજળા પોળ વિસ્તારના 91 વૃક્ષને કાપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ સ્થાનિકોનો વિરોધ થયા બાદ કામગીરી અટકાવવામાં આવી હતી.

પાંજરાપોળ જંકશન પર ફ્લાયઓવર બનાવવા માટે 91 વૃક્ષ કાપવાની યોજના બનતા સાથે જ સ્થાનિકો અને AMC વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. સ્થાનિકોમાં ઉગ્ર આંદોલનના સુર છેડાયા હતા. આ આંદોલન સામે AMCને હાથ ઉચ્ચા કરવા પડ્યા. AMCએ જાહેરાત કરી છે. હવે ત્યાં કોઈ પણ વૃક્ષનું છેદન થશે નહીં. આ ઉપરાંત 30થી 35 વર્ષના 19 વૃક્ષ રિપ્લાન્ટ કરવામાં આવશે. મ્યુનિ.એ સર્વિસ રોડની ડિઝાઈનમાં કેટલાક ફેરફાર કરતાં આ વૃક્ષો બચી જશે.

વૃક્ષો કાપવા આવેલી મ્યુનિ.ની ટીમને સ્થાનિકોએ ભગાડી મૂકી હતી. એ પછી આંદોલન ચાલુ રહેતા આખરે મ્યુનિ.એ નિર્ણય બદલવો પડ્યો હતો. હવે નવી ડિઝાઈનને કારણે વૃક્ષ કાપવાની જરૂર ઊભી નહીં થાય. જો કે, બ્રિજની પહોળાઈ 17 મીટર રાખવામાં આવી છે. અર્થાત્ તેની પહોળાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અહીં 30 મીટરનો ટીપી રોડ છે. બ્રિજ બન્યા પછી બંને તરફ 6.5 મીટરની જગ્યા રહેતી હતી. જેમાં સર્વિસ રોડ ઉપરાંત ફૂટપાથની પહોળાઈ પણ 2થી 2.5 મીટર રાખવાની હતી.

સામાન્ય રીતે મોટી ઉંમરના વૃક્ષોને રિપ્લાન્ટ કરી શકાતા નથી. રિપ્લાન્ટ કર્યા બાદ પણ તેમનો સર્વાઇવલ રેશિયો ખૂબ ઓછો રહે છે. જોકે મ્યુનિ.એ ઇન્ડિયન નર્સરી એસોસિએશન સાથે બેઠક યોજી હતી. તેમજ આ 19 વૃક્ષો જે 30 વર્ષથી 50 વર્ષની ઉંમરના છે તેને રિપ્લાન્ટ કરવા માટે નવી ટેક્નિકનો ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં ખૂબ જ ઉંડા સુધી બોરિંગ કરીને આ વૃક્ષના મૂળ બચાવીને વૃક્ષને ઉંચકી રિપ્લાન્ટ કરાશે.