સ્વરૂપ લગભગ અઠ્ઠાવીસનો હતો અને તેના લગ્નને હજુ એક વર્ષ જ થયું હતું. નોકરી તો છેલ્લા ત્રણેક વર્ષથી લાગી ગયેલી અને પગાર પણ સારો હતો. લગ્ન પછી પણ તેની પત્ની વિનિતા સાથે તે પોતાના મમ્મી પપ્પા સાથે જ રહેતો. તેની નાની બહેન પણ હવે ચોવીસની થવા આવી હતી અને તે માસ્ટર્સના છેલ્લા વર્ષમાં ભણી રહી હતી.
સ્વરૂપના ઘરે આજે તેના સગાવહાલા એકઠા થયા હતા અને ભોજનની તૈયારી થઇ રહી હતી. દૂરના ગામમાંથી પણ લોકો આવેલા અને તેઓ તો છેલ્લા એક બે દિવસથી તેના ઘરે જ રોકાયા હતા. તેમના રહેવા અને ભોજનની વ્યવસ્થા પણ સ્વરૂપના પપ્પાએ કરવી પડી હતી.
સ્વરૂપે સારી નોકરી લાગી અને એક વર્ષ બાદ તેનું પ્રોબેશન પૂરું થઈને કાયમી થયો એટલે તેના પપ્પાને સ્વૈચ્છીક નિવૃત્તિ અપાવી દીધી અને તેમને આરામ કરવા ઘરે જ રાખેલા. તેના પપ્પાની તબિયત આમેય સારી રહેતી નહોતી અને તેમને વારેવારે મેડિકલ રજાઓ લેવી પડતી. ઓફિસમાં કાર્યવાહી પતતા લગભગ છએક મહિના લાગ્યા અને ત્યારબાદ તેમના પ્રોફાઇડેન્ટ ફંડના પૈસા આવ્યા તેમાંથી જ ડાઉન પેમેન્ટ કરીને નવું મકાન ખરીદ્યું હતું અને તેની લોન સ્વરૂપે પોતાની નોકરીના પગારના આધારે મેળવી હતી. તેના પગારમાંથી જ દર મહિને હપ્તો કપાઈ જતો.
ઘરમાં લગભગ બધું સારું ચાલતું હતું અને હવે તેના મમ્મી-પપ્પા બાળક માટે વિચારવા કહેતા રહેતા. જો કે વિનિતા તો તૈયાર હતી પણ સ્વરૂપને લાગતું કે એકાદ વર્ષ વધારે રાહ જોઈને જ બાળક વિશે વિચારવું જોઈએ. વિનીતાએ કોલેજ કરીને પછી ભણવાનું છોડી દીધેલું એટલે સ્વરૂપ ક્યારેક તેને કહેતો કે તે માસ્ટર્સ કરી લે. યુનિવર્સિટીમાં જશે તો તેનો ટાઈમપાસ પણ થશે અને આગળ જતા કઈંક કામ પણ લાગશે. પરંતુ વિનિતા એ બધી વાતોને ઉડાવી દેતી અને પોતે મમ્મી, પપ્પા અને નણંદ સાથે ઘરમાં સારી રીતે પોતાનો સમય પસાર કરતી.
સ્વરૂપની મમ્મી તો સ્વરૂપને તેની બહેનના લગ્ન વિશે વિચારવાનું પણ કહેવા લાગી હતી. હવે તે પણ લગ્ન માટે ઉંમરલાયક થઇ ગઈ હતી. ઘરમાં માત્ર વિનિતા જ જાણતી હતી કે તેની નણંદનો એક બોયફ્રેન્ડ પણ હતો અને તે તેની સાથે જ લગ્ન કરવાનું વિચારી રહી હતી. જો કે તેણે ઘરમાં હજુ કોઈને વાત કરી નહોતી.
‘જો મારુ આ કામ નહિ કરે તો ઘરમાં બધાને તારા બોયફ્રેન્ડ વિશે કહી દઈશ!’ વિનિતા હંમેશા પોતાની નણંદને છેડતી રહેતી. જો કે આખરે તો તે પોતે જ ઘરના બધા કામ હોંશે હોંશે કરતી અને તેમાં તેને ખુશી પણ થતી.
‘આપણે પાંચ વર્ષ પછી અમેરિકા શિફ્ટ થઇ જઈશું.’ સ્વરૂપ બેડરૂમમાં વાતો કરતા કરતા વિનીતાને કહેતો.
‘અને મમ્મી પપ્પાનું શું?’ વિનિતા પૂછતી.
‘પછી તેમને પણ અમેરિકા જ બોલાવી લઈશું ને. બે-ત્રણ વર્ષમાં આપણે ત્યાં સેટલ થઈએ એટલે પછી તેમની વ્યવસ્થા કરી દઈશું.’ સ્વરૂપની આંખોમાં સપનાઓ ભરેલા હતા. ‘મારી કંપનીમાંથી જ મને મોકલી શકે છે. ચારેક વર્ષમાં મારુ બીજું પ્રમોશન આવે પછી ક્યારેય પણ મોકલી શકે.’ સ્વરૂપ પોતાના આયોજનો વિનીતાને કહેતો અને વિનિતા તેના સપનાઓને રંગ આપવા બેડરૂમની લાઈટ ઓફ કરીને તેને પોતાની પાસે ખેંચી લેતી.
આજે મહેમાનોને ઘરના પ્રાંગણમાં બાંધેલા મંડપમાં બેઠેલા જોઈને વિનિતા થોડી વિહ્વળ બની અને તેણે પોતાના રૂમની બારીનો પડદો બંધ કરીને સાડીનો છેળો માથે ચઢાવી લીધો. તેની આંખમાંથી એક આંશુ ટપક્યું અને તે ડ્રેસિંગ ટેબલ પાસે રાખેલા તેના અને સ્વરૂપના રોમેન્ટિક ફોટોને હાથમાં ઉઠાવી તેને જોતી ઉભી રહી. થોડીવારમાં તેની આંખો ભરાઈ આવી અને મનાલીમાં હનીમૂન વખતે ખેંચેલો તે ફોટા તેની નજરમાં ઝાંખો થવા લાગ્યો.
તેના દરવાજે ટકોર થઇ એટલે તેણે આંખ લૂછીને દરવાજો ખોલ્યો. સ્વરૂપની બહેન તેને કોઈ કામ માટે બોલાવવા આવી હતી. તેઓ બંને દાદરો ઉતરીને નીચેના ડ્રોઈંગ રૂમમાં આવ્યા અને ત્યાં લગભગ પંદરેક મહિલાઓ સફેદ વસ્ત્રોમાં બેઠી હતી અને દીવાલ પાસે સ્વરૂપનો મોટો ફોટો રાખેલો હતો. ફોટા પર સુખડની માળા ચડાવેલી હતી અને સામે અગરબત્તી સળગતી હતી.
‘બેટા, પંડિતજી ને પૂજા માટે તારી જરૂર પડી એટલે બોલાવી.’ સ્વરૂપની મમ્મીએ વિનીતાને સંબોધતા દુઃખદ અવાજે કહ્યું અને ફોટો પાસે જવા સૂચન કર્યું. ત્યાં એક પંડિતજી હાથમાં પૂજાની પોથી લઈને ઉભા હતા.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)