આલાપ,
રંગ બદલતા કાચીંડા જેવી જિંદગી ક્યારેક સમરંગ વાતાવરણમાં એવી તો અટવાઈ જાય છે કે એને શોધી ય નથી જડતી હોતી. આમેય, જીવનમાં બધું જ ધારીએ કે ઇચ્છીએ એ પ્રમાણે ક્યાં થતું હોય છે?
આજે મહિનાઓ પછી બાલ્કનીમાં બેસીને ચા પીવાની ઇચ્છાએ જોર પકડ્યું. હું ચા નો કપ લઈને બાલ્કનીમાં આવીને બેઠી પરંતુ ચાની ધુમ્રસેરમાં સામે વીતી ચૂકેલી યુવાનીના રંગીન દિવસો તરી રહ્યા. મન વિચારોની ગલીઓમાં ફરવા લાગ્યું. નાનપણથી એક જ સૂત્રનું ઘરમાં સામ્રાજ્ય હતું “ચા પીવાથી કાળા થઈ જવાય” આ ન્યાયે મેં કદી ચા ચાખી પણ નહોતી. ઘરમાં બધાં જ ચા પીતા. મને થોડી મોટી થયા પછી કહેતા પણ ખરા કે, ‘ તારો પતિ ચાનો ચાહક હશે તો તું શું કરીશ?’ ને હું ગુસ્સો કરતાં કહેતી, ‘તો એ ચા પીશે. પરંતુ હું કોઈ માટે મારી પસંદ શા માટે બદલું?’
પણ…સોળમા વર્ષ પછી સાચવી સાચવીને ચાલવા છતાં જિંદગીનું 19મું ચોમાસું મને ભીંજવી ગયું. પહેલો વરસાદ જે રીતે જિંદગીને તરબતર કરી દે એમ જ તેં મારા જીવનને પ્રેમથી તરબતર કરી દીધેલું. હું તો તારામય બની ગયેલી રાત-દિવસ, જાગતા-સૂતાં બસ તું જ છવાયેલો રહેતો મારી મનોસૃષ્ટિમાં. તારો પ્રેમ અને તારી લાગણીએ મને સમૃદ્ધ બનાવી હતી. હું સતત તારા ઢાળમાં જાતને ઢાળવા મથતી. સતત તારી પસંદને મારી પસંદ બનાવવા મથ્યા કરતી. રેસ્ટોરન્ટની એ પહેલી મુલાકાતમાં તે ચા ઓર્ડર કરેલી અને મેં કોફી. એ દિવસે મને પહેલી વખત ચાની ખાસિયત સમજાઈ. બીજા જ દિવસથી કડવી કોફીના સ્થાને ચાહતની ચૂસ્કી જેવી ચા શરૂ થઈ ગઈ. એક સમયે જાતને કે પસંદગીને નહિ બદલવાના મક્કમ ઈરાદા કરનાર હું ક્યારે ચાની ચાહક બની ગઈ એ જ ન સમજાયું. એ પછી તો તારી પસંદ એ મારી પસંદ બની ગઈ અને હું ‘તું’ બનીને જીવવા લાગી.
કહેવાય છે કે જ્યારે બે વ્યક્તિ એકરૂપ બને છે ત્યારે એકનું અસ્તિત્વ બીજી વ્યક્તિમાં ઓગળી જાય છે. આ ન્યાયે હું ઓગળી ગઈ તારામાં, પરંતુ આલાપ, આ શું? તેં તો મને ઓગળેલી સમજીને મારા અસ્તિત્વનો જ નાશ કરી નાખ્યો. તારા ઢાળમાં ઢળી તો ખરી પરંતુ તું ઢાળ મળતા વહી ગયો અને હું વહી ન શકી. તું આગળ નીકળી ગયો, ખૂબ ખૂબ આગળ અને હું ત્યાં જ બેસી રહી. જાતને તારામાં ઢાળી નાખ્યા પછી તો હું મારું હોવાપણું જ વિસરી ગઈ. આજે આટલા વર્ષો પછી પણ ચા મારી ચાહત રહી છે. તારા એ તમામ શોખ હું જીવું છું એવું સમજીને કે હું તારી સાથે જીવી રહી છું.
ધારો કે તારા શોખને – તારી પસંદને આપણે સાથે જીવતા હોત તો બધું આમ જ હોત? જેમ આજે છે? હા, કદાચ તું મારા કપમાંથી ચાની ચુસ્કી ભરતો હોત. હું તારી ખાંડ વગરની દાળ હોંશે હોંશે પીતી હોત. ને કદાચ એવું પણ બનત કે સમય સાથે તારી પસંદ બદલાઈ હોત જેમ એકવાર મારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિની પસંદગી થઈ એમ જ. તો સાથે જીવી શકાયું હોત? આ તો માત્ર કલ્પના છે પણ હકીકત એ છે કે તને પામવા માટે, તારા રંગે રંગાવા માટે અને તારામાં ઓગળવા માટે મારી જાતને – મારી પસંદને સમૂળગી બદલ્યા પછી પણ આજે હું ત્યાં જ છું, જ્યાંથી આપણે છૂટા પડી ગયેલા. મનનો એક ખૂણો રોશન કરવા આખી જાત સળગાવી નાખી હોય એવો અહેસાસ આજે થઈ રહ્યો છે. ભાવિન ગોપાણી લખે છે એમ….
એવી ઘણાંને આગ સાથે લેણદેણ હોય,
ભડકે બળે સઘળું અને દીવો બળે નહી.
આ જિંદગી પ્હોંચી ગઈ છે ક્યાંથી ક્યાં અને,
વર્ષોથી અટકેલી ગઝલ આગળ વધે નહી.
-સારંગી.
(નીતા સોજીત્રા)