આલાપ,
ક્યારેક મન- હ્ર્દયનું આકાશ અચાનક ગોરંભાય. જૂની પુરાણી યાદોનો અસહ્ય ઉકળાટ ભળે અને પછી આંખોનું વાદળ વરસું વરસું થાય ત્યારે એ ચોમાસું તરસ તૃપ્ત કરવાને બદલે કેટલીય તરસ જગાડે. આ સંસ્મરણોનું પણ કેવું? છત્રી માફક ખોલીને એમાં ઢબુરાઈ જવા મન સતત તરસ્યા કરે. ખુલ્લી છત્રી કાયાનું રક્ષણ કરે પરંતુ યાદોની છત્રી ખુલે એટલે જાણે આસપાસનું વાતાવરણ પણ ભીનાશ અનુભવે.
આજે વહેલી સવારે સામે આવેલા ગાર્ડનમાં વોકિંગ કરતાં બાંકડે બેઠેલી એક યુવતી જોઈ. ઉદાસ,નિરાશ અને શૂન્યમાં તાકી રહેલી એ યુવતીની આંખો કહેતી હતી કે જાણે આખી સિઝનનો વરસાદ આ આંખોથી હમણાંજ વરસ્યો હોય. મેં સહજભાવે એની નીચી નજરને ઉંચી કરી ઈશારા વડે પૂછ્યું,”શુ થયું બેટા? કોઈ તને છોડી ગયું?” અને એ યુવતીની આંખોમાં ચમક આવી ગઈ, “આંટી, આટલું પરફેક્ટ પ્રીડીકશન?”
એ પછી તો એણે મને એના પ્રેમ વિશે ઘણી વાતો કરી પરંતુ મારો તો એ વખતે ત્યાં માત્ર દેહ જ હતો, મન તો ક્યાંક બીજી જ દુનિયામાં ભ્રમણ કરી રહ્યું હતું. એ તો થોડીવારમાં જતી રહી પણ મારા મનમાં એક પ્રશ્નબીજ વાવતી ગઈ. શું છૂટા પડેલા બધા જ સંબંધો વર્ષો પછી ક્યાંક મળે ત્યારે એ જ ઉષ્મા બરકરાર રહેતી હશે? ને મેં તને આજે સવારથી સોશિયલ મીડિયાના તમામ માધ્યમો પર શોધવાનો પ્રયાસ કર્યો. તારા નામ સાથે અનેક વિશેષણો ઉમેરી જોયા પણ તું ક્યાંય ન મળ્યો. ઉદાસ,નિરાશ સવારે પેલી યુવતી મળેલી અદ્દલ એવી જ શકલ લઈને અત્યારે હું તને આ લખી રહી છું. મને સવારથી એક જ દિશામાં વિચારી રહ્યું છે, ધારોકે તું મને સોશિયલ મીડિયાના કોઈ માધ્યમ પર મળી જાય તો…
… તો મારા શહેરથી તારા શહેર, મારા ઘરથી તારા ઘર અને મારા મનથી તારા મન વચ્ચે એક પુલ રચાય જેના પર સતત મેસેજ અને કોલની- દ્રશ્ય અને શ્રાવ્યની ગાડી પુરપાટ દોડતી રહે. એકલતામાં વીતેલા આટલા વર્ષોની લાગણીઓ આ તમામ માધ્યમ પર ચક્કાજામ કરી બેસીએ. લાગણીઓ,દુઃખ, મુશ્કેલી, આંસુ, નિરાશા અને ઉદાસી આ પૂલ પર સતત અવરજવર કરતા દેખાય અને… તારું ‘હોવું’ એ તારા હ્ર્દયમાં ક્યાંક મારો વસવાટ હોવાની આશા જગાવતું હોય… મનમાં ઉછળતા લાગણીના મોજાં આમ જ સમયના પ્રખર તાપમાં તપીને બાષ્પીભવન થાય અને ફરી યાદોનો ઉકળાટ ભળે ને પછી ફરી આંખોનું વાદળ….
આલાપ, વંટોળ માફક આવેલી એ એક યુવતી થોડીક ક્ષણોમાં આંધી ફેલાવીને મુશ્કેલીથી ગોઠવાયેલા જિંદગીના બધા જ પત્તા વેરવિખેર કરી ગઈ. અને આવું થાય ત્યારે એમ લાગે કે આ યાદશક્તિ પણ અભિશાપ નથી?
-સારંગી.
(નીતા સોજીત્રા)
