આલાપ,
ક્યારેક વિચાર આવે કે દુનિયામાં કોઈ એટલું પ્રિય હોતું હશે કે જેને વ્હાલી દરેક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ તમને અત્યંત વ્હાલી લાગે? ને એનો જવાબ પણ જાત ખુદ આપે. આજે સવારથી વાતાવરણ ખુશનુમાં હતું. અને અત્યારે સાંજ થતામાં તો વરસાદ પણ પડી ગયો. મસ્ત એકધારો વરસાદ બહાર અને ભીતર બધું જ તરબતર કરી ગયો. દરરોજની માફક આજે પણ ચા નો કપ લઈને હું પોર્ચમાં આવી અને ખુલ્લા સ્વચ્છ આકાશ તરફ નજર ગઈ બસ, પછીતો નજર ત્યાં જ ચોંટી ગઈ અને મન પહોંચી ગયું વીતેલા દિવસોમાં
ભીડથી દૂર એકાંતમાં બેસીને એક આંખ વડે પ્રકૃતિનો નઝારો અને બીજી આંખ વડે એકમેકના સૌંદર્યને પી રહેલા આપણે એકસાથે બોલી પડેલા, “જો પેલું મેઘધનુષ્ય” અને પછી બન્ને હસી પડેલા. હા, મેઘધનુષ્ય કઈ જીવનમાં પહેલી વખત નહિ જોયેલું પરંતુ એ દિવસે એના રંગો મને પહેલીવાર અલગ લાગ્યા. ને મેં તને કહેલું, “આ સાત રંગોને આજીવન આપણે આપણી જિંદગીમાં ભરી રાખવાનું મેઘધનુષ્યની સાક્ષીએ આપણે પ્રણ લઈએ.” ને તેં કહેલું, “સારું, એકમેક તરફ પ્રેમ, વિશ્વાસ, સન્માન, મિત્રતા, સમાનતા, નિખાલસતા અને સહારો આ સાત રંગોના મેઘધનુષ્ય દ્વારા આપણે આ સંબંધના આકાશને અલગ સૌંદર્ય આપીશું”સમય વીતતો ગયો અને ધીમે ધીમે રંગો ઝાંખા પડવા લાગ્યા. ‘ક્યાંક કશુંક એવું તો ખૂટયું કે એક આખું શમણું તૂટ્યું‘ ને આપણે મેઘધનુષ્યના વિખરાયેલા રંગો માફક અલગ અલગ આકાશમાં ગોઠવાઈ ગયા. આજે આ સપ્તરંગી લિસોટો આકાશમાં નહિ, મારા અંતરમાં પડ્યો. પણ વિચાર આવે કે, ધારોકે એ વખતનું પ્રણ આપણે નિભાવી શક્યા હોત તો…!!
….તો કદાચ આ મેઘધનુષ્ય એકસાથે બે પ્રકારની લાગણીઓના મોજાંમાં ન ઝબોળાતું હોત. એક તરફ વીતેલા સમયની યાદોનું માધુર્ય અને બીજી તરફ નહિ જીવી શકાયેલી જિંદગી માટે કડવાશ…
ક્યારેક મન પણ જાતને સવાલ કરે છે, “શું આલાપ પણ આમ જ ક્યારેય બે લાગણીઓ વચ્ચે લોલક માફક ઝૂલ્યો હશે ખરો? આ મેઘધનુષી સાંજ તને પણ મુબારક.
-સારંગી.
(નીતા સોજીત્રા)