એ વુહાનથી ફેલાયો કે વિમાનથી?

અમારા રણઝણસિંહ લોકડાઉન થઈને ઘરમાં બેઠા છે. આજે ભરબપોરે અમને ફોન કરીને અચાનક એમ જ બોલ્યા કે :
“અલ્યા મન્નુડા, આ તો પાડાને વાંકે પખાલીને ડામ દીધા જેવું છે !”
અમે ગુંચવાયા.

“રણઝણસિંહ, અહીં શાંતિથી ઘરમાં ભરાઈને બેઠા છીએ ત્યાં તમે પાડા અને પખાલી ક્યાંથી લાવો છો ?”
મને કહે, “મન્નુડા, ઓલ્યા બચાડા જે રોજનું કમાઈને રોજ ખાનારા શ્રમજીવીઓ છે ને, ઈ બચાડા પખાલીઓ છે અને આ પાડા હંધાય વિમાનથી આયવા છે !”
“હેં ?” અમે ગડથોલું ખાઈ ગયા.

“પાડા વિમાનમાં ? આવી હવાઈ ગુડ્ઝ-વિમાનોની સર્વિસ ક્યારે સ્ટાર્ટ થઈ ?”
“મન્નુડા, કહેવાનો મતલબ એમ છે કે આ કોરોના વાયરસનો ચેપ આયવો છે આ વિમાનું વડે! અને વિમાનમાં બેસીને જે આ ચેપને આંયા લઈ આયવા છે ઈ હંધાય છે પાડા !”
અમે માથું ખંજવાળવા લાગ્યા.

રણઝણસિંહે અમને આખી થિયરી સમજાવવા માંડી.
“જો ભાઈ, આ વાયરસ કાંઈ પવનમાં, વાવાઝોડામાં કે વરસાદી વાદળ વડે તો ફેલાણો નથી ! ઈ ફેલાયો છે માણસને માણસના સ્પર્શથી… બરોબર ?”
“હા બરોબર.”


“તો ઈ ચીનાઓ કાંઈ વુહાનથી અમેરિકા, ઈટાલી કે સ્પેનની સરહદ લગી માનવીઓની ચેઈન બનાવીને તો નહોતા ઊભા રહ્યા ? વાયરસ તો વિમાનમાં ઉડાઉડ કરનારા મુસાફરોને લીધે જ ફેલાણો ને ?”
“વાત તો સાચી.” અમે હોંકારો ભણ્યો.
“તો ઈ વિમાનમાં ઉડાઉડ કરનારા પાડાવને પકડોને ? એમને લોકડાઉન કરીને નજરબંધ કરી દ્યો ને ? બચાડા ચાલીવાસીઓ અને ઝુંપડપટ્ટીવાળાને કાં ઘાંઘા કરો છો ?”
રણઝણસિંહની વાત તો એક રીતે સાચી છે પણ હવે પાણી વહી ગયાં પછી પાળ બાંધવી શક્ય નથી. એ કહેવાતા ‘પાડા’ઓએ બીજી મામુલી માનવીઓના સંપર્કમાં આવીને ચેપ લગાડી જ દીધો છે.
આ કંઈ બોલીવૂડની ‘2.0’ જેવી હિન્દી ફિલમ થોડી છે કે વાયરસની સામે રજનીકાંત ‘યેન્ના રાસ્કલા’ કરીને લડાઈ લડશે ? આ કંઈ ‘ચાંદની ચોક ટુ ચાઈના’ થોડું છે કે અક્ષયકુમાર વારાણસીથી વુહાન જઈને વિલનને મારશે ?
રણઝણસિંહે બીજી એક સાવ નવી જ વાત કીધી. મને કહે “મન્નુડા, આ ગટરનાં ભૂંગળાં જેવાં આકારનાં વિમાનુંમાં કોઈ દિ’ સૂરજનો તડકો જાતો નથી, કોઈ રીતે બહારની તાજી હવા અંદર ગરી શકતી નથી, તો ઈ વિમાનુંને હવે ચોખ્ખાં શી રીતે કરશો ?”
અમે કંઈ જવાબ આપવા જતા હતા ત્યાં એ બોલ્યા “અલ્યા મન્નુડા, વરસે એકવાર આપણે ય ઘરનાં ગાદલાં-ગોદડાં તડકે નાંખીએ છીએ. તેં કદી વિમાનની સીટોને તડકે નાંખેલી જોઈ ખરી ?”
– અમે હજી માથું ખંજવાળી રહ્યા છીએ. લાગે છે કે આ લોકડાઉનમાં ધાબે જઈને અમારા દિમાગને થોડો તડકો લગાડવો પડશે.

(મન્નુ શેખચલ્લી)