લોકડાઉનમાં આટલા દિવસો ઘરમાં પસાર કર્યા પછી ઘરની જરા નવી ‘ઓળખાણ’ થાય છે…
આપણી સ્લીપરની જગાએ સ્લીપર હોય અને બૂટની જગાએ બૂટ હોય પણ રૂમાલની જગાએ રૂમાલ તથા મોજાંને ઠેકાણે મોજાં ન હોય તેવું ‘ઘર’માં જ બનતું હતું…
આજે રાત્રે અઢી વાગે જો લાઈટ જાય તો જાગી ગયા પછી ટોયલેટ જવા માટે પુરેપુરી આંખ ઉઘાડ્યા વિના માત્ર પગલાંના ‘ઓટો-મેઝરમેન્ટ’ વડે જઈ શકાય તેનું નામ ‘ઘર’ છે!
દાઢી કર્યા વિના અડધી ચડ્ડી પહેરીને લઘરવઘર ફરી શકાય, નાહ્યા વિના બાર વાગ્યા લગી આળસી શકાય, બપોરથી લઈને સાંજ સુધી ઊંઘી શકાય અને છતાં ટાબરિયાંની ટોળી શાંતિથી ઊંઘવા ન દે એ પણ ઘર. કંઈ પણ બોલ્યા વિના પ્રિયજન સાથે, જીવનસાથી સાથે, આખા દિવસનો વ્યવહાર કરી શકાય એ ઘર…. અને એ જ જીવનસાથી સાથે બે જ વાક્યના સંવાદમાં ઝગડી પડાય એ પણ ઘર!
પતંગના પેચ ક્યાંથી લડાવવા અને દિવાળીમાં કોઠી ક્યાં ફોડવી તેની જગાઓ નક્કી થઈ જાય એનું નામ ઘર. બાળકોની માંદગીમાં જ્યાં બેસીને ઉજાગરા કરી શકાય એ ઘર. વહેલી સવારે ઊઠી જઈએ ત્યારે પથારીઓમાં ઘસઘસાટ ઊંઘતા નિર્દોષ ચહેરાઓ જોવા મળે તે ઘર…
ગઈકાલ સાંજના વધેલાં થેપલાં કે આજ સવારનું વધેલું ભાવતું શાક શોધવા માટે ખાંખાખોળા કરવાનું મન થાય એ ઘર. અરે, જરાય ન ભાવતા શાકની અવેજીમાં છૂંદો કે અથાણું ખાવાથી પેટ ભરાઈ જાય એ ઘર… કિચનમાં વિના કારણે આંટો મારવાનું મન થાય એ ઘર અને ફ્રીજમાંથી, નાસ્તાના ડબ્બાઓમાંથી દર અડધી કલાકે કંઈ કંઈ ખાતા રહીએ છતાં કોઈ ન ટોકે એની જગ્યાનું નામ ઘર.
આપણને ભાવતી વાનગી પૂરેપૂરી ઝાપટી જઈને કોઈના માટે રાખીએ પણ નહીં, તે ય ઘર, અને ભાવતી વાનગી બીજાને પણ બહુ ભાવે છે એ વિચારે સાવ ઓછી ખાઈએ, તે ય ઘર…
પસ્તીના બંડલો બાંધવાની જગ્યા ઘર, ચોપડીઓના ખડકલા કરવાની જગ્યા ઘર, વરસે એકાદવાર પહેરવાનો વારો આવે એવી સાડીઓ અને ચણિયા-ચોળી સંઘરવાની જગ્યા ય ઘર અને આપણું ફેવરીટ ટી-શર્ટ ઘસાઈને ફાટવા આવે ત્યાં લગી પહેર્યે રાખવાની જગા પણ ઘર!
ઘરના ‘ઈન્ટિરીયર’ માટે સ્વજનો સાથે સત્તર જાતની લમણાફોડ થઈ હોય, છેવટે સોફાની જગા, પ્લાન્ટ્સની પોઝીશન અને ટિપોઇની ગોઠવણ ફાઈનલ થઈ ગયા પછી અચાનક, વિધાઉટ નોટિસ, બધું અહીંથી ત્યાં કરી નાંખવાની ગેરશિસ્ત કરી શકાય એ પણ ઘર.
કથા કે પાર્ટી માટે આખા ડ્રોઈંગરૂમનું ફર્નિચર ખસેડી નાંખ્યા પછી સાવ જુદુ જ લાગે… તે ઘર, અને વેકેશનમાં જ્યારે ઘરમાં સાવ એકલા હોઈએ ત્યારે ઘરમાં દીવાલો જ દીવાલો છે એવી ખબર પડે એ પણ ઘર…
નવા જમાનામાં હવે સંતાનોના રૂમ અલગ હોય છે. ક્યારેક પોતાના ટીન-એજર સંતાનના રૂમમાં ઘણા દિવસે જઈ ચડીએ ત્યારે કોઈ બીજા દેશમાં આવી ચડ્યા હોય તેવી ફીલિંગ કરાવે તે પણ ઘર… અને એ જ સંતાનો આજકાલ આખા ઘરને રફેદફે કરીને મમ્મીને સરખી રીતે કચરો પણ વાળવા દેતાં ના હોય…
એનું નામ પણ ઘર!
-મન્નુ શેખચલ્લી