|| प्रशमः परमम् पथ्यानाम् ||
(શાંતિ એ સ્વાથ્યવર્ધક પરિબળ છે)
|| Prashmaha Pramam Pathyanam ||
કેમ છો? શું ચાલે છે? શાંતિ છે ને? જવા દો ને આજકાલ શાંતિ જ નથી-આ શાંતિ એટલે શું? શું શાંતિ એટલે બધા આજુબાજુ આપણું ગમતું કરે, આપણા ધાર્યા પ્રમાણે થાય, કોઈને સાથે મતભેદ ન થાય એને શાંતિથી કહીશું? ગુસ્સાથી બધાને ચૂપ કરી દઈએ, કોઈને બોલવાના દઈએ, બધાને દબાવીને, આપણાથી ગભરાઈને રહે તો શાંતિ છે એમ કહેવાય? શાંતિ એ બાહ્ય અંગ નથી, શાંતિ એ અંતરંગ છે. એ આપણી અંદર હોવી જોઈએ. શાંતિ કોઈ બીજું ન આપી શકે, શાંતિ તમારી અંદર કેળવવાની હોય છે. તમારે પોતાને તમારા પોતાના માટે તમારી અંદર ઉદભવ કરવાની હોય છે.
દવાની દુકાને જઇને પૂછો શાંતિ મળે એના માટે દવા આપો, તો એ શું આપશે? શાંતિ માટેની કોઇ દવા નથી, પરંતુ હા, તમારા મગજ ચાલતો સેરોટોનિન અને ડુપામાઈનનો સ્ત્રાવ સમાન (balance) થાય તો વિચારોના વમળને ઓછો કરી શકો એવી દવા આપે. પરંતુ બે કલાક ચાર કલાક રહીને ફરી પાછું એવું ને એવું! પરંતુ એક રસ્તો છે.
જો તમે યોગ કરતા હો-આસન-પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કરતા હો-સાતત્યતા જાળવીને રોજ- રોજ યોગાસન કરતા હો તો ચોક્કસ તમે તમારી અંદર શાંતિ પામી શકો. આજુબાજુ ગમે તેટલો ઘોંઘાટ હોય, કકળાટ હોય, કોલાહલ હોય, પરંતુ તમે તમારી અંદર શાંતિ રાખીને મુશ્કેલીનો હલ લાવી શકો. માત્ર રોજ આસન પ્રાણાયામ કરવાથી જ આપણે આપણી જાતને સંભાળી શકીએ છીએ. હવે સવાલ એ થાય છે કે આસનો કયા કરવાના?
પ્રાણાયામ કયા કરવાના?
સૂર્ય નાડી વધારે પડતી active હોય ત્યારે મન શાંત ન રહે, વિચારોના વંટોળ ઉભરાય તો સૌથી પહેલા ચંદ્રનાડી active કરવાની. ચંદ્ર ભેદન પ્રાણાયામ રોજ 5 મિનિટ કરવું. પ્રાણાયામમાં અનુલોમ-વિલોમ પણ એટલું જ અગત્યનું છે. શરીર અને મન બંને પર અસર કરે છે. સાથે બને તો જમણા પડખે સૂવું (બપોરે ન સૂવું). હવે આસનોમાં સુપ્ત બદ્ધકોણાસન, અધોમુખ વીરાસન, આયંગર પદ્ધતિમાં વજન સાથે શવાસન કરવાથી પણ મન શાંત થાય છે. શરીર રિલેકસ થાય છે.
આયંગર પદ્ધતિના યોગનો ફાયદો શું છે? સાધનોની મદદથી આસન કરવાથી શરીરના અંગોને વ્યવસ્થિત આસનમાં રાખી શકાય છે. અને એટલે એ આસનના બધા ફાયદા મળી શકે છે. ખભા અને ડોકની મુવમેન્ટ અને એની સંભાળથી પણ મન શાંત થઈ શકે છે.
રાત્રે સૂવા માટે ઓશીકું કેવું અને કયાં હોવું જોઈએ?
અહીં ઓશીકું પણ અગત્યનું છે. ઘણા લોકો આખી રાત સુતા હોય પણ તો ય ગાઢ ઊંઘ (sound sleep) નથી આવી એવી ફરિયાદ કરે છે કારણ કે એમણે જે રીતે માથા નીચે ઓશીકું રાખ્યું હશે એ બરાબર જ નહિ હોય. તો હવે સાચી રીત કહું. ઓશીકું ખભાને અડી ડોક અને માથું બરાબર ઓશીકા પર આવે એવી રીતે શરીર ગોઠવવું.
જો ઓશીકા અને ખભા વચ્ચે અંતર રહેશે તો ઊંઘ ડીસ્ટર્બ રહેશે એટલે દિવસ દરમિયાન નાની નાની વાત પર અકળાઈ જવાશે. આખો દિવસ શાંતિથી પસાર નહીં થાય માટે ઊઠવા બેસવાની રીત અને નિયમિત યોગ કરવાથી જીવનમાં શાંતિ મેળવી શકાય. મન શાંત હશે તો સુખને માણી શકાશે. મન શાંત હશે તો ખડખડાટ હસી શકાશે. મન શાંત હશે તો સંબંધો સાચવી શકાશે. મન શાંત હશે તો જીવનમાં કંઈક નવા અને સારા કામ પણ કરી શકાશે.
- હેતલ દેસાઇ
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગ લેક્ચર્સ આપી ચૂક્યા છે.)