આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- 2025, ગુજરાતની વૈશ્વિક ઊડાન

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -૨૦૨૫ની વિગતવાર માહિતી આપતા પ્રવાસન મંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષે તારીખ ૧૧ જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 12 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નું આયોજન કરાયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- 2025નો શુભારંભ આજે કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે જનતાને કહ્યું કે,“વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાયણના આ તહેવારને ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે. એટલું જ નહિ પતંગોના આ પર્વને આધુનિક આયામો આપ્યા અને સાથો સાથ પ્રવાસન સાથે આ ઉત્સવને પણ જોડ્યો છે. આમ, આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે.”

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ 11 જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર વોકલ અભિયાન પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી ખુબ મોટો વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. એટલું જ નહિ, ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે સાડા પાંચ લાખથી વધુ લોકો જોડાયાં હતા. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઈટ મેન્યુફેક્ચરીંગના હબ બન્યા છે.એટલું જ નહિ, આજે દેશના પતંગ માર્કેટમાં ૬૫ ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુ.કે., કેનેડા જેવા દેશોમાં એકસપોર્ટ પણ થાય છે.