નવી દિલ્હીઃ નાણાપ્રધાને બજેટમાં આગામી નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ થકી રૂ. 65,000 કરોડની આવકનું લક્ષ્ય રાખ્યું છે. જોકે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં શેરવેચાણ થકી થનારી આવકના અંદાજમાં ભારે કપાત કરતાં રૂ. 1.75 કરોડથી ઘટાડીને 78,000 કરોડ કર્યો છે.
ચાલુ નાણાકીય વર્ષને પૂરું થવામાં બે મહિનોનો સમય રહ્યો છે, ત્યારે સરકાર અત્યાર સુધી માત્ર રૂ. 12,030 કરોડના શેરવેચાણની આવક ઊભી કરી શકી છે, જેમાં રૂ. 2700 કરોડ એર ઇન્ડિયાના વેચાણ થકી મળ્યા છે, કારણ કે રૂ. 9330 કરોડ વિવિધ કેન્દ્રીય જાહેર સાહસોમાં સરકારને નાનો હિસ્સો વેચવા થકી મળ્યા છે.
જોકે સરકારને અપેક્ષા છે કે LICમાંથી સરકારી હિસ્સો વેચીને શેરવેચાણનો લક્ષ્યાંક હાંસલ કરી લેશે. LICનો IPO માર્ચમાં આવવાની આશા છે. આ સિવાય સરકાર BPCL, શિપિંગ કોર્પોરેશન, કન્ટેનર કોર્પોરેશન, RINL અને પવનહંસ લિ.ના વ્યૂહાત્મક વેચાણના પ્રયાસમાં લાગી છે. સરકાર આ પહેલાં પણ કેટલીય વાર ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક હાંસલ કરવામાં ચૂકી ગઈ છે. વર્ષ 2020-21માં રૂ. 2.10 લાખ કરોડના ડિસેઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, પણ સરકારે માત્ર રૂ. 37,897 કરોડ જ એકત્ર કરી શકી છે.
વર્ષ 2019-20માં શેરવેચાણની આવક રૂ. 50,298 કરોડ રહી હતી, જ્યારે બજેટ અંદાજ રૂ. 1.05 લાખ કરોડ હતી, જે પછી સંશોધિત કર રૂ. 65,000 કરોડ કરવામાં આવી હતી.
જોકે વર્ષ 2017-18 અને 2018-19માં સતત બે વર્ષ સરકારે શેરવેચાણના લક્ષ્યથી આગળ નીકળી ગઈ હતી. વર્ષ 2018-19માં શેરવેચાણનું બજેટ લક્ષ્ય રૂ. 80,000 કરોડ હતું, પણ સરકાર રૂ. 84,972 કરોડ એકઠા કરવામાં સફળ રહી હતી.