દેશમાં ડિજિટલ રૂપિયો આવશે: ડિજિટલ એસેટ્સ એટલે શું?

નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે બજેટ-2022-23 ભાષણમાં જાહેર કર્યા મુજબ વર્ષ 2022-23માં બ્લોકચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને રિઝર્વ બૅન્ક ડિજિટલ રૂપિયો લૉન્ચ કરશે.

તેમણે જાહેર કર્યું છે કે વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટની ટ્રાન્સફરથી થનારી આવક પર 30 ટકા કરવેરો લાગુ કરવામાં આવશે. ઍસેટ હસ્તગત કરવા માટે થયેલા ખર્ચ સિવાયનો કોઈ ખર્ચ તેમાંથી બાદ લઈ નહીં શકાય. આવી ટ્રાન્સફરમાં થયેલા નુકસાનને પણ તેમાંથી સેટ ઓફ નહીં લઈ શકાય.

નોંધનીય છે કે ડિજિટલ ઍસેટ્સમાં ક્રીપ્ટોકરન્સી, નોન-ફંજિબલ ટોકન્સ (એનએફટી) અને ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ (ડિફાઇ)નો સમાવેશ થાય છે.

ડિજિટલ ઍસેટ્સની ટ્રાન્સફર માટે કરાતા અમુક રકમથી વધુના પૅમેન્ટ પર ૧ ટકો ટીડીએસ લાગુ પડશે. ક્રીપ્ટો ઍસેટ્સની ગિફ્ટ જેને મળશે એના હાથમાં કરપાત્ર બનશે, એમ જણાવવામાં આવ્યું છે.

આ ફેરફારો આકારણી વર્ષ ૨૦૨૩-૨૪ અને તેના પછીનાં આકારણી વર્ષો માટે લાગુ થશે, અર્થાત્ તેનો અમલ ૧ એપ્રિલ, ૨૦૨૩થી થશે.

ડિજિટલ ઍસેટ્સની જાહેરાતને આવકાર

– ગૌરવ મશરૂવાળા, ફાઇનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થના લેખક

બ્લોકચેઇન ટેક્નૉલૉજીથી લવાનારી ડિજિટલ કરન્સી રિઝર્વ બૅન્કના નિયંત્રણ હેઠળ રહેશે. કેન્દ્રીય બૅન્કના નિયંત્રણ હેઠળની ડિજિટલ કરન્સીની આપણને જરૂર હતી. આ પગલું ખરેખર પ્રશંસનીય અને આવકાર્ય છે.

– નિશ્ચલ શેટ્ટી, વઝીરેક્સના સ્થાપક અને સીઈઓ

સરકારે કરવેરા બાબતે કરેલી સ્પષ્ટતા આવકાર્ય છે. એકંદરે સરકારે નવસર્જનની દિશામાં આગળ વધવાનું પ્રગતિશીલ પગલું ભર્યું છે. કરવેરો લાગુ કરીને સરકારે એક રીતે આ ઉદ્યોગને કાનૂની સ્વરૂપ આપી દીધું છે. મોટાભાગના લોકો, ખાસ કરીને કૉર્પોરેટ્સને આવી સ્પષ્ટતાની જરૂર હતી.

– અવિનાશ શેખર, ઝેબપેના સીઈઓ

આ પગલાથી ડિજિટલ ઍસેટના રોકાણકારો તથા એક્સચેન્જોને સ્પષ્ટતા મળી છે. વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટ્સ પરનો ૩૦ ટકા કરવેરો લાગુ કરવામાં આવ્યો એ દર વધારે છે, પરંતુ સકારાત્મક પગલું છે. તેને લીધે ક્રીપ્ટોને કાનૂની સ્વરૂપ મળે છે. આગામી સમયમાં ક્રીપ્ટો અને એનએફટીનો સ્વીકાર થશે એવી આશા બંધાય છે.