સંરક્ષણ માટે બજેટમાં કુલ રૂ.૫.૨૫ લાખ-કરોડની જોગવાઈ

નવી દિલ્હીઃ સંરક્ષણ ક્ષેત્ર માટેની જોગવાઈ આવતા નાણાકીય વર્ષ માટે ૫.૨૫ લાખ કરોડ રૂપિયાની હશે. પાછલા વર્ષે તેનું પ્રમાણ ૪.૭૮ લાખ કરોડ રૂપિયા હતું. સરકારે શસ્ત્રો અને લશ્કરી સરંજામ સ્થાનિક કંપનીઓ પાસેથી ખરીદવાને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. સ્થાનિક કંપનીઓને સંરક્ષણ ક્ષેત્રે સંશોધન અને વિકાસનાં કાર્યોમાં પણ પ્રાથમિકતા આપવામાં આવશે.

નાણાપ્રધાને બજેટના ભાષણમાં જણાવ્યું હતું કે સંરક્ષણ માટેના પ્રોક્યોરમેન્ટ અર્થે ખર્ચાતી રકમનો ૬૮ ટકા હિસ્સો સ્થાનિક ઉદ્યોગ માટે અનામત રખાશે. સંરક્ષણ માટેના સંશોધન અને વિકાસ માટેની ફાળવણીનાં ૨૫ ટકા નાણાંનો ઉપયોગ ખાનગી ક્ષેત્રના સહકારથી થનારાં કાર્યોમાં થશે. ખાનગી કંપનીઓ સંરક્ષણની જરૂરિયાતોને પહોંચી વળે એ માટે એમને પ્રમાણપત્ર આપવામાં આવશે, જેના માટે એક કેન્દ્રીય સ્વતંત્ર સંસ્થાનું નિર્માણ કરવામાં આવશે.

સંરક્ષણ માટેનું કુલ બજેટ ૫,૨૫,૧૬૬ કરોડ રૂપિયા છે, જેમાં ૧,૧૯,૬૯૬ કરોડ રૂપિયા પેન્શનની ચૂકવણીના છે. ગયા વર્ષની તુલનાએ આ પ્રમાણ ૯.૮ ટકા વધારે છે. પેન્શન સિવાયનું બજેટ ૪,૦૫,૪૭૦ કરોડ રૂપિયા છે. આમાં નવાં શસ્ત્રો, વિમાનો, યુદ્ધવાહક જહાજો તથા અન્ય લશ્કરી સરંજામ માટેની રકમ ૧,૫૨,૩૬૯ કરોડ રૂપિયા છે.