તું તો ખરી ખેલાડી નીકળી હો, સુગંધા…

સૌરવ અને સુગંધા પાંચેક વર્ષથી સુખી લગ્નજીવન જીવી રહ્યા હતા. સૌરવ બેંકમાં અને સુગંધા રેલવેમાં નોકરી કરતી હતી. બંનેની પોસ્ટ ઊંચી નહિ એટલે આવક પ્રમાણે તેમનું જીવન મધ્યમવર્ગીય કહી શકાય તેવું હતું. બાળક હજુ કર્યું નહોતું અને એક-બે વર્ષ પછી જ પ્લાન કરીશું તેવું બંનેને મળીને નક્કી કરેલું.

સૌરવ શાંતિપ્રિય અને સંતોષી હતો જયારે સુગંધા થોડી મહત્ત્વાકાંક્ષી અને ઉત્સાહી હતી. દર થોડા દિવસે તેને કૈંક નવું કરવાની તાલાવેલી જાગે.

‘ચાલ સૌરવ, આપણે મોટા શહેરમાં જઈને કોઈ કોર્પોરેટની જોબ લઇ લઈએ. તેમાં પગાર ઘણો વધારે મળશે. આ સરકારી નોકરીના ચક્કરમાં આપણું કઈ વળશે નહિ.’ એકવાર સુગંધાએ સવારે ચા પિતા સૂચન કરેલું.‘ઓહ, હેલો મેડમ. લોકો આ સરકારી નોકરીઓ મેળવવા તલપાપડ થાય છે અને તારે કોર્પોરેટ જોબ માટે તેને છોડવી છે? ખબર છે કેટલી જોબ સેક્યુરીટી હોય છે આ ગવર્નમેન્ટ જોબ માં? કોર્પોરેટમાં તો કાલે લાત મારીને કાઢી નાખે.’ સૌરવે તેણે થોડી શાંત પડતા કહેલું.

‘તો તો દર વખતે મારા ઉત્સાહ પર પાણી ફેરવી નાખે છે. તું ક્યારેય મોટું નહિ વિચારી શકે.’ સુગંધાએ મોં મચકોડતા પોતાનું પર્સ ઉઠાવી દરવાજા બહાર નીકળતા કહેલું.

આવા કેટલાય આઈડિયા સુગંધા લઈને આવતી અને સૌરવ તેને ઠંડી પાડી દેતો. પણ આ વખતે સુગંધા કૈંક વધારે જ ઉત્સાહમાં હતી અને હવે તે કોઈની વાત માને તેમ નહોતી.

‘સૌરવ, તું આ વાતમાં તો મને ન જ રોકીશ. જો આ પ્લાન સારો છે. આપણા પર રિસ્ક બહુ ઓછું છે અને વળતર વધારે છે.’ સુગંધાએ સૌરવની સાથે સાંજની ચા પિતા કહેલું.

‘પ્લાન શું છે તે તો સમજાવ.’ સૌરવે પૂછ્યું.

‘એક બિલ્ડર છે. તેઓ જમીનની વ્યવસ્થા કરશે અને તેના પર બિલ્ડીંગ બાંધશે. આપણે તેને બાંધકામનો ખર્ચ થાય એટલા પૈસા આપવાના. બાંધકામ ચાલતું રહે તેની સાથે સાથે – માત્ર ખર્ચ પૂરતા જ. જેવું બાંધકામ પૂરું થાય અને મકાન વેંચાય કે આપણને પ્રોફિટમાં ભાગ આપી દે. જમીન, માર્કેટિંગ અને બીજી બધી ભેજામારી એ લોકો કરે.’ સુગંધાએ ઉતેજનાપૂર્વક વાત મૂકી.

‘અને એ લોકો એવું શા માટે કરે? આપણને પ્રોફિટમાં ભાગ શા માટે આપે?’ સૌરવે તેની સાહજિક પ્રશ્નાર્થવૃતિથી પૂછ્યું.’તને તો આ બધામાં છેતરપિંડી જ દેખાતી હશે ને? તારો સ્વભાવ નહિ બદલાય. અરે પાગલ, એટલા માટે કેમ કે આપણે તેના ઇન્વેસ્ટર બન્યા ને. તેમણે જે પ્રોજેક્ટ પૂરો કરવા માટે પૈસાની જરૂર હતી તે આપણે આપ્યા. આ રીતે આપણે ભાગીદાર થયા કે નહિ?’ સુગંધાએ કોઈ નાના બાળકને સમજાવે તેવી રીતે કહ્યું.

‘પણ જો આપણા પૈસા લઈને ભાગી જાય તો?’

‘ભાગીને ક્યાં જવાના? આપણે પ્રોજેક્ટ જોતા રહીએ ‘ને? જ્યાં પ્રોજેક્ટ બનતો હોય તે સાઈટ પર આપણે વિઝીટ કરીએ અને જેમ જેમ બાંધકામ થાય તેમ ખાતરી કરતા જઈએ.’ સુગંધાને આ સ્કીમમાં પૂરો વિશ્વાસ હતો.

‘જો, હું તને વારેવારે ના કહેવા નથી ઈચ્છતો પણ હું હોય તો આવા રિસ્ક ન લઉં.’ સૌરવે પોતાનો નિર્ણય સંભળાવ્યો.

‘મારા કહેવાથી ઈન્વેસ્ટ કરી દે સૌરવ. જો જે ફાયદો ન થાય તો.’ સુગંધાએ સૌરવના હાથ પર હાથ મૂકી તેને ખાતરી આપી. સૌરવ માની ગયો.

સુગંધાએ પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટ કર્યું. શરૂઆતમાં જે રકમ આપવાની હતી તેમાં બંનેની બચત પુરી થઇ ગઈ. ધીમે ધીમે ફરીથી પૈસા જમા થતા ગયા અને બિલ્ડરને આપતા ગયા. ક્યારેક ખેંચ પડે અને ક્યારેક થોડા પૈસા પપ્પા-મમ્મી પાસેથી ઉછીના પણ લેવા પડે. બિલ્ડરે કહેલું તેમ સૌરવ અને સુગંધા સાઈટ પર વિઝીટ કરીને ખાતરી કરી લેતા કે પ્રોજેક્ટનું કામ બરાબર ચાલે છે. ત્રણ વર્ષ થયા એટલે પ્રોજેક્ટ પૂરો થઇ ગયો.

‘સૌરવ, હવે થોડા દિવસોમાં જેવા મકાન વેચવા લાગશે કે આપણને નફા સાથે પૈસા મળી જશે.’ સુગંધાએ ખાતરી આપી.

એક-દોઢ મહિનો ગયો પણ બિલ્ડરનો કોઈ ફોન કે ઇમેઇલ આવ્યો નહિ એટલે સૌરવને ચિંતા થવા લાગી. પણ સુગંધાએ કહ્યું, ‘ધીરજ રાખ સૌરવ. થોડા દિવસ જવા દે નહિ તો આપણે જાતે જ બિલ્ડરને કોન્ટેક્ટ કરીશું.’

લગભગ દશેક દિવસ થયા તો બિલ્ડરે સામેથી ફોન કર્યો અને કહ્યું કે તમારા પૈસા જે મકાનમાં લાગેલા તે વેંચાઈ ગયું છે અને તમને ૫૦% જેટલો નફો થયો છે. તમે કાલે ઓફિસે આવીને ચેક લઇ જાઓ.

‘જોયું, મેં તને કહેલું ‘ને?’ સુગંધાએ ખુશ થતા કહ્યું.

‘ત્રણ વર્ષમાં હપ્તે હપ્તે આપેલા પૈસા પર ૫૦%નો ચોખ્ખો નફો? બેંકમાં તો ૬% જેટલું જ વ્યાજ મળત. આ તો ખરેખર જ લોટરી લાગી ગઈ સુગંધા.’ સૌરવને તો આ વાત માનવામાં જ નહોતી આવતી.

બીજા દિવસે બંને બિલ્ડરની ઓફિસે પહોંચ્યા એટલે બિલ્ડરે તેમણે ચા-પાણીથી આગતાસ્વાગતા કરી અને ચેક લખી આપ્યો. સુગંધાએ ચેક પોતાના પર્સમાં મુક્યો. સૌરવના આશ્ચર્યનો પાર નહોતો તે તો તેના ચેહરા પરથી સ્પષ્ટ થતું હતું.

‘સાહેબ, બીજો પ્રોજેક્ટ અમે સામેની સાઈટ પર શરુ કરીએ છીએ. જો તમે આ પૈસા ફરીથી તેમાં ઈન્વેસ્ટ કરવા ઇચ્છતા હોય તો આજે ૫% ડિસ્કાઉન્ટ પણ આપીશું.’ બિલ્ડરે સૌરવને સંબોધીને કહ્યું.

‘હા, આઈ મીન…’ સૌરવ જવાબ આપવા જતો હતો ત્યાં સુગંધાએ તેનો હાથ દબાવીને રોક્યો.

‘થેન્ક યુ, તમારી ઓફર માટે, પણ અમારે હમણાં બીજો પ્લાન છે. થોડા સમય પછી વ્યવસ્થા થશે તો ઈન્વેસ્ટ કરીશું.’ સુગંધાએ જવાબ વાળ્યો અને બહાર જવા ઉભી થઇ ગઈ. સૌરવ તેની પાછળ પાછળ નીકળી ગયો.

સૌરવને સમજાયું નહિ કે શા માટે સુગંધાએ ફરીથી પૈસા ઈન્વેસ્ટ કરવાની હા ન પાડી. ‘આજે તો ૫% ડિસ્કાઉન્ટ હતું અને આપણે તો બીજો કોઈ પ્લાન નથી તો શા માટે તે ઈન્વેસ્ટ ન કર્યા આ પૈસા ફરીથી? આટલું સારું વળતર તો મળ્યું છે.’

‘એટલા માટે કે આ બધી સ્કીમમાં પહેલીવાર જે ઈન્વેસ્ટ કરે તેને તો વળતર મળી જાય છે પણ બીજીવાર વાળા લોકો સાથે ચીટિંગ થઇ જાય છે. જેટલું મળ્યું એટલામાં ખુશ રહો અને એન્જોય કરો.’ સુગંધાએ નિષ્ણાતની છટાથી આંગળી હવામાં ઘુમાવતા કહ્યું.

‘હું સમજ્યો નહિ.’ સૌરવે કહ્યું.

‘એટલે એમ કે આ બિલ્ડરે પહેલીવાર જેટલા લોકોએ ઈન્વેસ્ટ કર્યું હશે તેને તો સારો નફો આપી દીધો કેમ કે હવે આ બધા લોકો લાલચમાં આવીને એ પૈસા તેને જ પાછા આપશે. ઉપરાંત તેના મિત્રો અને સગાવહાલા પણ લાલચમાં આવીને આ બિલ્ડર સાથે ઈન્વેસ્ટ કરશે. પણ બીજીવાર કોઈને તે આટલો પ્રોફિટ નહિ આપે અને શક્ય છે બીજીવાર વાળાના પૈસા ડૂબી પણ જાય. રિસ્ક લેવાય પણ લાલચમાં આવીને નુકસાન ન કરાય.’ સુગંધાએ પોતાની સમજણ બતાવી.

‘એ તારી..  હવે સમજ્યો. તું તો ખરી ખેલાડી નીકળી હો, સુગંધા.’ સૌરવ તો તેની પત્નીની ચાલાકી પર ફિદા થઇ ગયો.

 

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)