તમને ખબર છે? ઈશ્વરનું માનીતું, લાડકું સર્જન એટલે મનુષ્ય. તો પછી મનુષ્યને એ કેવી રીતે દુઃખ પહોંચાડી શકે? એ ઇશ્વરનું લાડકું સંતાન છે એટલે જ ઈશ્વરે એને પ્રાણ, સુંદર ત્વચા, મન, ઈન્દ્રિયો જેવા સાધનો આપ્યાં છે, જેથી મનુષ્ય તેનો ઉપયોગ કરી જીવનને શ્રેષ્ઠ બનાવી શકે. ઉદાહરણ તરીકે, જો કોઈ કલાકારને બે તાર તૂટેલા હોય એવી સિતાર આપવામાં આવે તો શું એ સુમધુર સંગીત સર્જી શકશે? એના બદલે સૂર બરાબર મેળવેલા હોય એવી સિતાર કલાકારને આપીએ તો કેવા સરસ સંગીતના સૂર રેલાવી શકે? એ તાર જેમાંથી સંગીત ઉત્પન્ન થાય છે તે આત્મા છે. આત્મામાં અમાપ શક્તિ છે. શરીર, પ્રાણ, આત્માથી બનેલા આ શરીરને કેવી રીતે સાચવવું એની વિવેકબુદ્ધિ પણ ઈશ્વરે આપણને આપી છે.
પરંતુ આપણે તો આપણી ઇચ્છાઓ-મહેચ્છાઓને જ પ્રાધાન્ય આપી દીધું છે. વિવેકબુદ્ધિની સ્થિતિ તો બિચારા કોઈ વડીલની ન ગમતી સલાહ જેવી થઈ ગઈ છે! કોણ સાંભળે? જીવનની ગતિ, પ્રગતિ, સિદ્ધિઓનો આધાર આરોગ્ય પર રહેલો છે. એવી જ રીતે મનુષ્યના આનંદનો આધાર પણ સ્વાસ્થ્ય પર રહેલો છે. કારણ કે, જો શરીરમાં દુખાવો હોય, શરીર રોગગ્રસ્ત હોય તો તમને બહાર ફરવા જવું, લોકોને મળવું નહીં ગમે. તેથી માણસ નિરાશ થઈ જાય છે. આનંદ-ઉત્સાહ રહેતા નથી. સ્વાદિષ્ટ ભોજન લેવા માટે, આનંદ માણવા માટે નિરોગી શરીર જોઈએ, પરંતુ આ સ્વાદિષ્ટ ભોજન ખરેખર આપણને આનંદ આપે છે? કારણ કે, આપણે ખાતા હોઈએ કેસરરબડી ને મનમાં વિચાર ચાલતો હોય, કોઈના પ્રત્યે ઈર્ષા હોય, કોઈના પ્રત્યે ક્રોધ હોય, કોઈના પ્રત્યે અણગમો હોય તો પેલો જે ગમતો ખોરાક કેસરરબડીનો કોળિયો મોઢામાં જઈ પેટમાં જાય છે. હવે એ કોળીઆ સાથે નકારાત્મકતા અંદર ગઇ એટલે પૌષ્ટિકતા ઓછી થઈ ગઈ અને શરીરને નુકસાન કરવાનું શરૂ થઈ ગયું.
ખોરાકમાં જો શરીરને પોષણ ન મળે તો પછી પેટ બગડે, આંતરડા બગડે, મન બગડે, ઢીંચણ બગડે, છાતીમાં બળતરા થાય, વાયુનો પ્રકોપ થાય, રાત્રે સારી ઊંઘ ના આવે, નાની નાની વાતમાં ગુસ્સો આવે. આ સમયે શરીરના સ્વાસ્થ્ય માટે અમુક બાબત આવશ્યક છે. શરીરને સ્વસ્થ નિરોગી રાખવા માટે ખોરાક, ઊંઘ, આરામ, નિયમિત યોગ અને શરીરની સારી ટેવો જરૂરી છે. અત્યારે માણસ જે રીતે ભાગદોડ, હરિફાઈ, કોઈની અદેખાઈ, કોઈને નીચા પાડવાની રેટ-રેસમાં જીવે છે ત્યારે આ સારી ટેવો કેળવવી ખૂબ જરૂરી છે.
એટલે આજે વાત કરવાના છીએ piles એટલે કે મસા, fissula એટલે કે ભગંદર, IBS એટલે irritable bowel system ની.
હવે આ સમસ્યામાં યોગ કેવી રીતે મદદરૂપ થઇ શકે?
આપણે જોયું કે મનની અસર શરીર પર પડે, પડે ને પડે જ છે. ઉદાહરણ તરીકે, મારે ત્યાં જ આવેલ એક કેસની વાત કરું તો 32 વર્ષનો એક યુવાન નવ વર્ષથી UPSC exam આપ્યા કરતો, પણ સફળતા નહોતી મળતી. વિચાર કરો કે પહેલીવાર જ્યારે એક્ઝામ આપવાનું વિચાર્યું હશે ત્યારે મનમાં કેવા સ્વપ્ના જોયા હશે? કેવી મહેનત કરી હશે? પહેલીવાર સફળતા ન મળી એટલે થોડો નિરાશ થયો. ફરી જાતની મોટીવેટ કરી, ફરી એક્ઝામ આપી, ફરી ફેલ થયો. આ સિલસિલો ચાલ્યા જ કર્યો નવ વાર. ત્યાં સુધીમાં હતાશા અને નિરાશાના કારણે એને પોતાની જાત પર ગુસ્સો આવવા લાગ્યો અને એની અસર થઇ આંતરડા અને પાચન પર.
યોગશાસ્ત્રમાં પાંચ વાયુ વિશે વાત કરી છે. ઉદાન, વ્યાન, પ્રાણ, સમાન અને અપાન. એમાં અપાનવાયુ બગડતાં અપચો અને કબજીયાત જેવા પ્રશ્નો ઊભા થયા. અને પછી એમાંથી મસા, ભગંદર, ફિશર જેવી તકલીફો ઉભી થાય છે.
હવે એના ઉપાયમાં પહેલા મન રિલેક્સ કરવું જરૂરી છે. કારણ કે વિષાદો રોગ વર્ધનાનામ અર્થાત, વિષાદથી રોગ-તકલીફ વધે છે. એટલે જે પરિસ્થિતિ છે તેને સ્વીકારવા માટે મનને તૈયાર કરવાનું હોય છે. જો હળવા આસન, પ્રાણાયામ જેમ કે, સુપ્ત બદ્ધકોણાસન, વક્રાસન, ભુજંગાસશીતકારી સાથે શવાસન વિગેરે બધું આયંગર પદ્ધતિ સાથે કરવામાં આવે તો વ્યક્તિને શ્રમ પણ ન પડે અને આસનના ફાયદા મેળવી શકાય.
સાથે સાથે એ પણ યાદ રાખીએ કે ખોરાક લેતી વખતે મન વ્યગ્ર, ચિંતાતુર અને ક્રોધિત ન રહેવું જોઈએ. આપણા પૂર્વજો જમતા પહેલાં એટલે જ પ્રાર્થના કરવાનું કહેતા હતા.
(હેતલ દેસાઇ)
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)