હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકની જાહેરાત

મુંબઈ: સાહિત્ય અને પત્રકારત્વ બંને ક્ષેત્રમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું, એવા લોકપ્રિય સાહિત્યકારની સ્મૃતિમાં સ્થપાયેલું હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ વર્ષ ૨૦૦૫થી હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરે છે.વર્ષ ૨૦૨૪ માટે કુલ ત્રણ વિભાગમાં આ પારિતોષિક જાહેર કરવામાં આવે છે. સાહિત્ય વિભાગમાં રાજકોટસ્થિત કવિ લલિત ત્રિવેદી, રાજકોટથી પ્રગટ થતાં વર્તમાનપત્ર ‘ફૂલછાબ’ના તંત્રી જ્વલંત છાયા અને કલા વિભાગમાં મુંબઈસ્થિત નાટ્યકલાકાર મીનળ પટેલની પસંદગી કરવામાં આવી છે. જવલંત છાયાએ આ પહેલાં ‘ચિત્રલેખા’ના રાજકોટ ખાતેના પત્રકાર તરીકે ફરજ બજાવી છે.આ ત્રણેય પારિતોષિક કથાકાર મોરારિબાપુના હસ્તે એનાયત કરવામાં આવશે. પારિતોષિકમાં સન્માનપત્ર અને રૂપિયા ૫૧,૦૦૦ (એકાવન હજાર)ના ચેકનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ ૨૮ સપ્ટેમ્બરે, સાંજે ૬.૦૦ વાગ્યે હિંદુસ્તાની પ્રચાર સભા હૉલ, મહાત્મા ગાંધી મહાત્મા મેમોરિયલ બિલ્ડિંગ, ચર્ની રોડ, મુંબઈ ખાતે યોજાશે.હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે નવીનભાઈ દવે, ટ્રસ્ટી તરીકે રોહિત પટેલ, કુન્દન વ્યાસ, રમેશ પુરોહિત તથા કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે ગોપાલ દવે, હિતેન આનંદપરા, સ્નેહલ મુઝુમદાર અને મુકેશ જોષી કાર્યરત છે.