નવી દિલ્હીઃ દિલ્હીમાં હિંસા મામલે અનેક દેશો ટિપ્પણી કરી રહ્યા છે. ખાસ કરીને મુસ્લિમ દેશો મોદી સરકારની આલોચના કરવા માટે (CAA) મામલે એક પણ તક છોડતા નથી. દિલ્હીમાં પાછલા દિવસોમાં થયેલી સાંપ્રદાયિક હિંસા પર ઇરાને ટિપ્પણી કરતાં આની નિંદા કરી છે. આ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલયે ઇરાનના એમ્બેસેડર અલી ચેગેનીને બોલાવ્યા હતા અને ઇરાનના વિદેશપ્રધાન મોહમ્મદ જવાદ જરીફ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સૂત્રો અનુસાર સરકારે ઇરાને સાફ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ અમારા આંતરિક મામલામાં દખલ ના કરે.
જવાદ જરીફે દિલ્હી હિંસાની નિંદા કરી
ઇરાને સત્તાવાર રીતે દિલ્હીમાં થયેલી સાંપ્રદાયિક હિંસા પર ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ વિદેશપ્રધાન મોહમ્મદ જવાદ જરીફે ભારતીય મુસલમાનો પર થયેલી સંગઠિત હિંસાની નિંદા કરી હતી, તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે ઇરાન ભારતીય મુસલમાનોની સામે સંગઠિત હિંસાની નિંદા કરે છે. સદીઓથી ઇરાન ભારતીય મુસલમાનોનો દોસ્ત રહ્યું છે. અમે ભારતીય અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ બધા ભારતીયોની સુરક્ષા કરે અને કારણ વગરની હિંસા રોકે.
દિલ્હી હિંસામાં ઇન્ડોનેશિયાએ ચિંતા દર્શાવી
ઇન્ડોનેશિયાએ દિલ્હીમાં થયેલી હિંસાને લઈને જાકાર્તામાં ભારતીય એમ્બેસેડર સામે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.આ પહેલાં ઇન્ડોનેશિયાએ ધાર્મિક મામલોના મંત્રાલયે નિવેદન જારી કરીને મુસ્લિમોની સામે હિંસાની નિંદા કરી હતી.
તુર્કીએ પણ પ્રતિક્રિયા આપી
પાછલા સપ્તાહે દિલ્હી હિંસાનો ઉલ્લેખ કરતાં તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગને દાવો કર્યો હતો કે ભારતમાં એક જ સંપ્રદાયના લોકોને નિશાન બનાવવામાં આવે છે. આના પર મલેશિયાના વડા પ્રધાન મ્હાતિર મોહમ્મદે CAAની સામે ડિસેમ્બરમાં નિવેદન કર્યું હતું, જેના પર ભારતે વિરોધ નોંધાવતાં તીખી પ્રતિક્રિયા આપી હતી.