શું સૂર્યમંડળથી બહારના આ ગ્રહ પર જીવન શક્ય છે?

નવી દિલ્હીઃ ભારતવંશી ખગોળવિદના નેતૃત્વ વાળી એક ટીમે પૃથ્વીથી બેગણાથી વધારે મોટા આકાર વાળા એક એવા એક્સોપ્લેનેટની શોધ કરી છે કે જ્યાં જીવન હોવાની શક્યતાઓ છે. સૌરમંડળથી બહારના ગ્રહને એક્સોપ્લેનેટ કહેવામાં આવે છે. કેમ્બ્રિજ યૂનિવર્સિટીની એક ટીમે “કે2-18બી” નામના આ એક્સોપ્લેનેટ પર કરેલા અનેક પ્રકારના અધ્યયનમાં જાણ્યું છે કે ત્યાં પાણી અને જીવન લાયક સ્થિતિ હોઈ શકે છે. જો કે, ગ્રહના વાયુમંડળમાં હાઈડ્રોજનની માત્રા વધારે છે. આનો રિપોર્ટ એસ્ટ્રેફિઝિકલ જર્નલ લેટર્સમાં પ્રકાશિત થયો છે.  આ એક્સોપ્લેનેટ પૃથ્વીથી 124 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. આની ત્રિજ્યા પૃથ્વીથી 2.6 ગણી વધારે છે. આ તારાની પરિક્રમા કરે છે. આનું તાપમાન એવું છે કે ત્યાં પાણી હોઈ શકે છે. ગત વર્ષે પણ આના વિશે મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી, જ્યારે બે ટીમોએ દાવો કર્યો હતો કે ત્યાંના વાયુમંડળમાં બાષ્પ મળી આવી છે. જો કે, ત્યારે તેની વાયુમંડલીય અને આંતરિક સ્થિતિનો ખ્યાલ આવી શક્યો નહોતો.

ખગોળવિદોનું નેતૃત્વ કરનારા કેમ્બ્રિજ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એસ્ટ્રોનોમીના ડો. નિક્કૂ મધુસૂદને કહ્યું હતું કે, ઘણા એક્સોપ્લેનેટના વાયુ મંડળમાં બાષ્પના કણો મળી આવ્યા છે. આનો અર્થ એ નથી કે ત્યાં જીવનની શક્યતાઓ છે. જીવનની શક્યતાઓ માટે જરુરી છે કે ત્યાંની આંતરિક અને વાયુમંડલીય સ્થિતિઓને સમજવામાં આવે. ખાસ કરીને ત્યાં કે જ્યાં વાયુમંડલ નીચે પાણી હોઈ શકે છે.

પૃથ્વીથી મોટા અને નેપ્ચ્યુનથી નાના હાઈડ્રોજનની વધારે માત્રા વાળા આ એક્સોપ્લેનેટ પર પાણી હોઈ શકે છે. જો હાઈડ્રોજનનું આવરણ ગાઢ(ઘાટ્ટુ) હશે તો તાપમાન અને પાણીની સપાટીનું દબાણ જીવનની શક્યતાઓ માટે ઉપયોગી હશે.

વૈજ્ઞાનિકોએ આને મિની નેપચ્યૂન જેવો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે, એવું લાગે છે કે આ ગ્રહ પર હાઈડ્રોજન અને પાણી સિવાય પર્વતો અને લોહ અયસ્ક પણ ભારે માત્રામાં ઉપસ્થિત છે. ખગોળશાસ્ત્રીઓએ આ ગ્રહ પર બીજા રસાયણો જેવાકે, મીથેન અને અમોનિયાની સપાટી પણ શોધી છે પરંતુ તે અપેક્ષાથી ઘણી ઓછી છે પરંતુ આ સપાટી જૈવકીય પ્રક્રિયામાં કેટલું યોગદાન આપી શકે છે તેનો અંદાજ લગાવવાનો હજી બાકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]