અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા શહીદ સ્મારક ખાતે ગુજરાત રાજ્યના માજી સૈનિકો અને પરિવારજનો એ વિવિધ માંગણીઓ સાથે ધરણાં, દેખાવો તેમજ રેલીનું આયોજન કર્યું હતું.
ગુજરાત રાજ્યના માજી સૈનિકોના સંગઠનો પોતાની 14 જેટલી માંગણીઓ સરકાર તરફથી તાત્કાલિક અસરથી પૂરી કરવામાં આવે એવી માંગ સાથે શહીદ સ્મારક ખાતે એકઠા થયા હતા.
રાષ્ટ્રધ્વજ, પ્લેકાર્ડ અને બેનર્સ સાથે આંદોલનમાં જોડાયેલા માજી સૈનિકો અને પરિવારજનોની મુખ્ય માંગણીમાં શહીદ જવાનોને એક કરોડ જેટલું વળતર મળે. માજી સૈનિકોને ખેતી માટે જમીન આપવામાં આવે તેમજ સરકારી નોકરીઓમાં પણ લાભ થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે.
આમ 14 જેટલી મહત્વની માંગણીઓ સાથે માજી સૈનિકોઓ આંદોલન શરુ કર્યુ હતું. શાહીબાગ ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને પરિવારજનો રેલી સ્વરુપે ગાંધીનગર તરફ પ્રયાણ કર્યું હતું. હાલ સૈનિકોની જેમ શિક્ષણ ક્ષેત્ર, બેંકિગ ક્ષેત્ર, યુવા બેરોજગારો તેમજ અનેક સમાજો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)