આલાપ,
માણસનું મન કેટલું અટપટું છે. ક્યારેક એ ભરી મહેફિલમાં પણ સન્નાટો અનુભવે છે અને ક્યારેક એને રાતનો સન્નાટો પણ બોલકો લાગે છે.
આલાપ, તારા ગયા પછી ઊંઘ સાથે તો વાંકુ પડ્યું છે. અડધી રાત આમ જ બાલ્કનીમાં બેસીને તારાઓ ગણવામાં જતી હોય છે. આજે એમ જ બાલ્કનીમાં બેસીને આકાશ તરફ નજર જતાં આજનું આકાશ કંઈક અલગ લાગ્યું. તેં ક્યારેય વરસાદી મોસમમાં આકાશને ધ્યાનથી જોયું છે? વાદળાં પાછળ ઢંકાયેલો ચંદ્ર અને તારલાઓ વગરનું અંધારું આકાશ જાણે વિધવા સ્ત્રીના ઓઢણાં જેવું લાગે. સતત આવતો તમરાંનો અવાજ કોઈ વિજોગણનાં તાનપુરામાંથી નીકળતા સૂર જેવો લાગી રહ્યો હતો. અચાનક બે-ચાર આગિયાનો ચમકારો થયો. દૂર થયેલો એ ચમકારો જાણે કે મારા ભૂતકાળમાં પ્રકાશ પાડી ગયો અને આંખો સામે તરી આવ્યો તું.
આવા જ એક ચોમાસામાં કોલેજના મિત્રો સાથે આપણે જંગલ વિસ્તારમાં ફરવા ગયેલા. આખો દિવસ ફરીને થાક્યા પછી રાત્રે હોટેલના ગાર્ડનનાં ઝૂલે બેસીને આપણે પ્રકૃતિને માણી રહ્યા હતા. અચાનક આગિયાઓને જોઈને આંખોમાં ચમક આવી ગયેલી. આપણે એને પકડવા માટે મથી રહ્યા હતા. બાળપણમાં એને પકડીને ખિસ્સામાં મૂકતાં અને એ પછી ખિસ્સામાંથી આવતી લાઈટ જોઈને કોઈ અમૂલ્ય ખજાનો મળ્યાની લાગણી અનુભવતા એવું જ આજે પણ કરવાની ચેષ્ટા કરી રહ્યા હતા. એક આગિયો પકડીને તેં મને કહેલું, “સારું, આ આગિયાને હું મુઠ્ઠીમાં કેદ કરી લઉં. હવે એ મારી હથેળીમાં ચમકશે.” અને મેં તારી બંધ મુઠ્ઠી ખોલીને આગિયાને આઝાદ કરેલો. તેં મારી સાથે ઝગડો કરતાં પૂછેલું, “શા માટે આઝાદ કર્યો તેં આગિયાને? એના શરીરમાંથી આવતો લાલ પ્રકાશ મારી હથેળીને પ્રકાશિત કરતો હતો એ જોવું મને ગમતું હતું.” મારે તને કહેવું હતું એને આઝાદ કરવાનું કારણ, પરંતુ મારા શબ્દો ગળામાં જ અટકી ગયા.
એ પછી તો જીવનમાં કેટલાય ચડાવ- ઉતાર આવ્યા, આપણાં સહવાસનું આયુષ્ય પણ આગિયા જેટલું જ ટૂંકું નીવડ્યું. તું પણ મારા જીવનને આગિયા માફક ક્ષણિક અજવાસ આપીને જતો રહ્યો. ક્યારેક જાતને તો ક્યારેક સંજોગોને દોષિત માનતી હું, છતાંય જીવતી રહી તારી યાદોના સહારે. આજે આ આગિયાના આગમને ભૂતકાળ સપાટી પર લાવી દીધો ત્યારે વિચાર આવે છે કે ધારોકે, આજે તું એ વખતે ગળામાં અટવાઈ ગયેલા શબ્દો સાંભળવા સામે હોત તો કહેત, “આલાપ, આ આગિયાને ક્યારેય મુઠ્ઠીમાં કેદ ન કરાય, અને જો કરીએ તો એનો પ્રકાશ આપણે જોઈ ન શકીએ બિલકુલ સંબંધ માફક. જો ને મેં પણ આપણાં સંબંધનાં આગિયાને લાગણીની મુઠ્ઠીમાં કેદ ન કરીને છુટ્ટો મૂકી દીધો. આજે એ આગિયો દૂર છે પરંતુ પ્રકાશિત છે. તને તારી મરજી વિરુદ્ધ લાગણીમાં બાંધીને મારી પાસે રોકી લીધો હોત તો તું પાસે હોત પરંતુ એ અજવાસ ન હોત જેનાથી આ યાદોનો ખજાનો જોઈ શકાય.
આજીવન સહવાસમાંથી જન્મતી કડવાશ કદાચ આ યાદોનું સોનું પણ કથીર કરી નાખતે. મીઠી યાદોનું પણ આગિયા જેવું જ છે, આયુષ્ય ભલે ઓછું હોય પરંતુ જેટલો સમય રહે એટલો સમય ખુશીઓનો અજવાસ ફેલાવતું રહે છે.
-સારંગી
(નીતા સોજીત્રા)