દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ત્રણ ચતુર્થાંશ ઉમેદવારો કરોડપતિ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પાંચ ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે મતગણતરી આઠ ફેબ્રુઆરીએ થશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નામાંકન પત્રોની તપાસ પછી 719 ઉમેદવારો ચૂંટણીમેદાનમાં છે. દિલ્હીમાં આપ પાર્ટી, ભાજપ ને કોંગ્રેસથી ચૂંટણી લડનારા આશરે ત્રણ ચતુર્થાંશ ઉમેદવારો કરોડપતિ છે. આ ચૂંટણીમાં 155 કરોડપતિ ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે.

દિલ્હી વિધાનસભ ચૂંટણીમાં કોંગ્રેસના 77.14 ટકા ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે આપ પાર્ટીએ આ વખતે 70 ટકા એવા લોકોને ટિકિટ આપી છે, જે કરોડપતિ છે. આ સિવાય ભાજપના હાલની વિધાનસભા ચૂંટણીમાં 77.14 ટકા કરોડપતિઓ પર વિશ્વાસ દર્શાવ્યો છે, એમ અહેવાલ કહે છે.

દિલ્હીમાં સૌથી ગરીબ ઉમેદવાર કોંગ્રેસની ટિકિટ પર મોતીનગરથી ચૂંટણી લડી રહ્યા છે રાજેન્દ્ર સિહ છે. તેમની પાસે માત્ર રૂ. 24,000 કરોડની સંપત્તિ છે. જોકે તેમનાં પત્ની કરોડપતિ છે. તેમની પાસે રૂ. 5.5 કરોડની ચલ-અચલ સંપત્તિ છે.

દિલ્હી ચૂંટણીમાં બે અબજપતિ ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે, જેમાં શકુર બસ્તીથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર કરનૈલ સિંહ સૌથી શ્રીમંત ઉમેદવાર છે.  તેમની પાસે રૂ. 227 કરોડની સંપત્તિ છે, જ્યારે ભાજપના જ બીજા ઉમેદવાર મનજિંદર સિંહ સિરસાની પાસે રૂ. 1.86 અબજ રૂપિયાની સંપત્તિ છે.

દિલ્હી ચૂંટણીમાં કુલ મતદાન કેન્દ્રોની સંખ્યા 13,033 છે, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ અને મહિલાઓ દ્વારા પ્રબંધિત 70-70 મતદાન કેન્દ્રો છે. દિલ્હીમાં  83.49 લાખ પુરુષ મતદાતાઓ અને 71.73 લાખ મહિલા મતદાતાઓ છે, જ્યારે થર્ડ જેન્ડરના મતદાતાઓની સંખ્યા 1261 છે. એમાં 25.89 યુવા મતદાતાઓ છે. દિલ્હીમાં કુલ 1.55 કરોડથી વધુ મતદાતાઓ છે. દિલ્હીમાં સત્તા હાંસલ કરવા માટે આપ પાર્ટી, ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણીજંગ છે.