મેલબોર્નઃ ભારતમાં કોરોનાનો કહેર જોતાં કેટલાય દેશોએ ટ્રાવેલ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેથી 14 મે સુધી ભારતથી આવનારા પેસેન્જરો પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધને તોડવા પર અથવા અન્ય દેશ દ્વારા છુપાઈને ઓસ્ટ્રેલિયા પહોંચનારા પેસેન્જરોને પાંચ વર્ષની સજા અથવા રૂ. 50 લાખનો દંડ થઈ શકે છે. સરકારના આ નિર્ણય પછી ઓસ્ટ્રેલિયામાં ભારે બબાલ થઈ છે. સ્થાનિક લોકો ઓસ્ટ્રેલિયન સરકાર પર નક્સલવાદનો આરોપ લગાવી રહ્યા છે.
15 મે સુધી પ્રતિબંધ
ભારતમાં પ્રતિદિન આશરે ચાર લાખ કોરોનાના કેસ આવી રહ્યા છે. જેથી ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવતા પેસેન્જરો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઓસ્ટ્રેલિયાના આરોગ્યપ્રધાન ગ્રેગ હન્ટે કહ્યું હતું કે નવા પ્રતિબંધો 15 મે સુધી લાગુ રહેશે. જોકે સમીક્ષા કર્યા બાદ એને આગળ વધારવામાં આવે એવી શક્યતા છે.
સાત દિવસમાં વિદેશથી આવલા 139 લોકો સંક્રમિત મળ્યા
ઓસ્ટ્રેલિયાના આરોગ્યપ્રધાને એ પણ કહ્યું હતું કે સરકાર આ નિર્ણયને હળવાશથી નથી લઈ રહી, એનાથી ઓસ્ટ્રેલિયન જાહેર આરોગ્ય અને ક્વોરોન્ટિન સિસ્ટમ સુરક્ષિત રહેશે. અમારા નિર્ણયથી ક્વોરોન્ટિન સુવિધામાં કોરોના કેસોને સંભાળવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. છેલ્લા સાત દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં વિદેશથી આવેલા 139 લોકો કોરોના સંક્રમિત માલૂમ પડ્યા હતા.
ભારતમાં આશરે 9000 ઓસ્ટ્રેલિયનો છે, જેમણે પોતાના દેશ પરત ફરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.