ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન, ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે: CM
સુરત: જિલ્લા અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ એમ ૬ જિલ્લાઓના બનેલા ‘સુરત ઈકોનોમિક રિજીયન’ના મહત્વાકાંક્ષી ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન’નું ગુરૂવારે મુખ્યમંત્રીએ લોન્ચિંગ કર્યું. ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, “ભાવિ વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પણ રાજ્યના છ જિલ્લાઓના ઈકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે. જેમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, આઇ.ટી., લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર થઈ છે.”સુરતના ડુમસ રોડની લા મેરેડિયન હોટેલ ખાતે આયોજિત સમારોહમાં વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદ્દો, હીરા-ટેક્ષટાઈલ, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, હેલ્થ, હોટેલ એસોસિએશન, સહકારી ક્ષેત્ર, સુગર મિલો, એ.પી.એમ.સી., ફૂડ પ્રોસેસિંગ, એકવા ફાર્મિંગ, GIDCના પ્રમુખો, ક્રેડાઈ, સી.એ., સોલાર એનર્જી જેવા ક્ષેત્રોના વિવિધ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી અને મહાનુભાવોએ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું અનાવરણ કર્યું હતું.મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું કે, “સુરત પરિક્ષેત્રનો તેજ અને સસ્ટેનેબલ વિકાસ કરવો એ કેન્દ્ર સરકારની નેમ છે. જેને પૂરી કરવા ગુજરાત સજ્જ છે. ત્યારે ગુજરાતના વિકાસ મોડેલને આ પહેલ નવી ઉર્જા પૂરી પાડશે, બુસ્ટ આપશે એમ જણાવતાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વિકસિત ભારત @ 2047 હેઠળ સરકારે ગુજરાતનું અર્થતંત્ર 2047 સુધીમાં ૩.૫ ટ્રિલીયન ડોલર બનાવવાનું અને ૩૪ લાખ જેટલી નવી રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે. સુરતે રાજ્યની આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે આગવી ઓળખ મેળવી છે.”વડાપ્રધાન જેને લઘુ ભારત કહે છે તે સુરત અને તેની આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ વિઝન સાથે નીતિ આયોગે એક આગવી પહેલ કરી છે, ત્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો માટે પણ આવા જ ભવિષ્યલક્ષી માસ્ટર પ્લાન બનાવીશું એમ પણ CMએ ઉમેર્યું હતું.
ૉમુખ્યમંત્રીએ ઉમેર્યું કે, “1960 પછીના દાયકાઓ સુધી ગુજરાતના વિકાસની ગતિવિધિઓ વાપીથી તાપીના બેલ્ટ સુધી સીમિત રહી હતી. દરિયો, રણ, ડુંગરાઓ ધરાવતા ગુજરાતમાં એ સમયે વિકાસની કોઈ સંભાવના ન હતી. વીજળી, પાણી, રોડ-રસ્તા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનું કોઈ સ્થાન કે દિશા ન હતા. પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની રફતાર પકડી છે. આર્થિક વિકાસની આ યોજના સુરત અને આસપાસના અન્ય પાંચ જિલ્લાઓના વિકાસનો રોડમેપ કંડારશે. આવનારા ૨૫ વર્ષના વિકાસને કેન્દ્રમાં રાખી, ડેવલપમેન્ટ એક્શન પ્લાન સાથે અમે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યાં છીએ.”