તમે મારી વાચા બનશો જીવનભર?

શહેરના એક મોટા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ફેમસ સિંગર પરખ રાવની આવનજાવન રહેતી. તે પોતાના મોટા ભાગના ગીતોનું રેકોર્ડિંગ અહીં જ કરતો. આજે જેવો તે સ્ટુડિયોમાં એન્ટર થયો કે તેની નજર સામે જ કમ્પ્યુટર પર વર્ક કરી રહેલી એક સુંદર યુવતી પર પડી. આમ તો તે સ્ટાફના દરેક મેમ્બરને સારી રીતે ઓળખતો, પણ આ યુવતીને આજે પહેલીવાર જોઇ!

પર્પલ કલરનું ફ્રોક, સુડોળ ફીગર, ગોરા ચહેરા પર લહેરાતાં સોનેરી વાળ અને મોટી નિર્દોષ બ્રાઉન આંખો… એક જ નજરે સામે જોઇ જ રાખવાનું મન થાય એવી સુંદર હતી તે.
પરખ પણ તેને જોઇને મંત્રમુગ્ધ થઇ ગયો. સામાન્ય રીતે સહેલાઇથી રેકોર્ડિંગ પૂરું કરનાર પરખને આજે ગીત ગાવામાં થોડુંક ધ્યાનભંગ થયું હોવાનું અનુભવાયું.

બીજા દિવસે તે ફરી આવ્યો. આજે તો ટર્કોઇશ કલરનું લોંગ ફ્રોક અને બ્લુ હેરબેન્ડ! ગઇકાલ કરતાંય આજે તે વધુ આકર્ષક લાગતી હતી! પોતાની જાતને રોકી ન શકતા પરખે સીધા અંદર જઇને મેનેજરને તેનુ નામ પૂછ્યું તો જાણવા મળ્યુંઃ ક્રિતી.

બસ, પહેલી નજરનો પ્રેમ થઇ ગયો હોય એમ પરખ રાતદિવસ તેના વિચારોમાં ખોવાયેલો રહેવા લાગ્યો. એક વીક પછી તેનો નંબર મેળવીને તેણે હિંમત કરી અને ફાઇનલી ક્રિતીને મેસેજ કર્યોઃ I like you.

સામેથી કોઇ રિપ્લાય ન આવ્યો. પરખે વિચાર્યુંઃ કાંઇ વાંધો નહીં. રાહ જોઇશું.

બે દિવસ પછી પરખે ફરી લખ્યુંઃ I love you. Will you be my partner?

ક્રિતી ફરી પાછી ચૂપ. નો રિપ્લાય.

થોડાક અકળાયેલા, પણ જવાબ ન મળવાથી વધારે પ્રેમમાં પાગલ બનેલા પરખે તેના માતાપિતા વિશે તપાસ કરી તો ખબર પડી કે ક્રિતી તો પોતાની કોઇ ફ્રેન્ડ સાથે એકલી જ રહેતી હતી. હવે પરખ વધારે રાહ જોઇ શકે એમ નહોતો. એકતરફી પ્રેમમાં પાગલ થઇ ચૂકેલા પરકે હવે સીધા મેરેજ કરવા સુધી વાત વિચારી લીધીઃ ના પાડે તો તેને ઉપાડીને લઇ જઇશ! પછી ક્યાં સુધી નહીં બોલે?

ક્રિતીની જાણ બહાર જ પોતાના ચાર-પાંચ અંગત મિત્રો સાથે જાણે વરઘોડો લઇને જતો હોય એમ એ તો સીધો પહોંચ્યો ક્રિતીના ઘરે.

તેને આ રીતે વરરાજાની જેમ સજ્જ થઇને આવેલો જોઇને ગભરાયેલી ક્રિતી કાંઇ સમજે એ પહેલાં તો એની સામે ઘૂંટણભેર નમીને હાથમાં બ્યુટીફુલ ડાઇમંડ રીંગ લઇ સીધું પૂછી જ લીધુંઃ Will you marry me?

બધા આતુરતાથી જોઇ રહ્યા હતા કે શું થશે હવે? ક્રિતી બે મિનીટ માટે પરખને એકીટશે જોઇ રહી. અચાનક તેની આંખોમાં અનરાધાર આંસુ વહેવા લાગ્યા. કાંઇ બોલ્યા વિના લગાતાર રડતી રહેલી ક્રિતીને પરખે પૂછ્યુંઃ “કેમ કંઇ બોલતી નથી? મૂંગી છે તું?”

ક્રિતીએ માથું હલાવી હા પાડી અને પોતાના ફોનમાં ટાઇપ કરીને પરખને વંચાવ્યુંઃ Sorry, I am dumb. I cant speak!

શોક થઇ ગયેલો પરખ સિંગર હતો, પણ આ ક્ષણે એના ગળામાં કાંઇ ભરાઇ ગયું હોય એવું લાગ્યું. શું કરવું તે સૂઝ્યું નહીં. એ કાંઇ બોલે એ પહેલાં ક્રિતીએ લખ્યું, “હું તમને મારી મનની આંખોથી સાંભળીશ. ચાલશે? તમે મારી વાચા બનશો જીવનભર?”

ખુશી સાથે ગદગદ થઇ ગયેલા પરખે ક્રિતીને કાંઇ બોલ્યા વિના સીધી રીંગ જ પહેરાવી દીધી! એક અલગ જ પ્રકારની પ્રેમકહાનીના સાક્ષી બનેલા સૌ કોઇની આંખો ભીની થઇ ગઇ હતી…

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)