શુકદેવ સરિખા ફેરિયા, તોકો પાવૈ પાર, ગુરુ બિન નિગુરા જો રહૈ, પડે ચૌરાસીધાર |
બાબા અમરનાથની ગુફામાં શિવજીની જ્ઞાનવાર્તા શુક્ર સ્વરૂપે પોપટ બનીને સાંભળી હતી તેથી શુકદેવજી મહારાજને જન્મથી જ પૂર્ણજ્ઞાન પ્રાપ્ત હતું. વ્યાસજીના પુત્ર હોવાના નાતે તેઓ સમર્થ વક્તા અને પરમજ્ઞાની હોય તેમાં કોઈને નવાઈ ન લાગે, હકીકતે તો શુકદેવજી પિતા કરતા સવાયા હતા. આવા શુકદેવજી પણ એક વખત માર્ગ ચૂકી ગયા.
કબીરજી કહે છે કે, જીવનમાં સત્ય પામવા માટે, મોલ મેળવવા માટે ગુરુનું માર્ગદર્શન આવશ્યક છે. ગુરુજ્ઞાન વિના સાચા રસ્તે ચાલીએ ત્યારે પણ શંકા, પ્રલોભન, આળસ કે કામના જેવી સહજ વૃત્તિઓ માર્ગ ભુલાવે છે. ગીતાજીમાં ભગવાન કહે છે કે, “મનની ગતિ સમુદ્રમાં ફરતી નાવ જેવી છે, ઈચ્છારૂપી હવાથી તે ફંગોળાઈ જાય છે. “આવી સ્થિતિમાં મોક્ષમાર્ગ છૂટી જાય છે.
અનેક સાધુ-સંન્યાસીઓને મોહ- લોભમાં લપેટાયેલા જોઈને એ વાતની દયા ઊપજે છે કે ક્યાં જવા નીકળ્યા હતા અને ક્યાં પહોંચ્યા ? જન્મ-જન્માંતરની ઘટમાળ તો ચોરાસી લાખ યોનિમાંથી પસાર થવાની છે. ગુરુચિંધ્યા માર્ગે જ મોક્ષ શક્ય બને છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)