કબીરવાણી: નયન- મનના ભાવોની નિર્લિપ્ત ભાષા

 

પ્રેમ છિપાયા ના છિપે, જા ઘટ પરગટ હોય,

જો પે મુખ બોલે નહીં, નૈન દેત હૈ રોય.

 

આપણી આંખો અમૂલ્ય રત્ન છે. તેના થકી આપણે વિશ્વદર્શન કરીએ છીએ. આંખોની જોવાની શક્તિથી તો આપણે સૌ પરિચિત છીએ, પરંતુ આંખ દ્વારા ભાવની અભિવ્યક્તિ કરવી એ નયનોની વિશિષ્ટ શક્તિ છે. અભિનયના કલાકારોનો ભાવ સમગ્ર શરીર દ્વારા વ્યક્ત થાય છે.

માનસશાસ્ત્રમાં દેહની ભાષાનો વિષય આગવું સ્થાન ધરાવે છે. પ્રેમની ઉત્કટ લાગણી છુપાવી શકાતી નથી. નરસિંહનું રાસલીલાનું નિહાળવું કે મીરાંનો ભાવાવેશ એવી સ્થિતિ છે જેમાં શરીરનું રોમ રોમ પ્રભુમય બની જાય છે.

આ પ્રેમનો ભાવ શબ્દોથી વ્યક્ત કરવો જરૂરી નથી. સમગ્ર દેહમાં જે ભાવ પ્રસરી જાય છે તેની નેણ ચાડી ખાઈને પ્રગટ કરી દે છે.

બુદ્ધ, ઈશુ કે ગાંધીના નયનોમાંથી જે કરુણા ઝરતી હતી તેનાથી જ લોકો અભિભૂત થઈ જતા હતા. ત્રાટક વિદ્યામાં પણ નયનો સ્થિર કરી એકાગ્રતા કેળવવાનું મહત્ત્વ છે. ભય, કરુણા, પ્રેમ, ગુસ્સો, કામ જેવી અનેક લાગણી આંખોમાં મોટા ફેરફારો કરી દે છે. આપણે સૃષ્ટિને જોવા દૃષ્ટિનો ઉપયોગ કરીએ છીએ તે આંખો જ આપણું ભાવવિશ્વ દર્શાવે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)