કબીરના મતે સાધુનો સત્કાર એટલે…

સાધુ આયા પાહુના, માગે ચાર રતન,

 ધુની, પાની, સાથરા, સરધો સેતી અન.

 

સાધુના સત્કારમાં ગૃહસ્થો ધન્યતા અનુભવે છે. સાધુ પાહુના એટલે મહેમાન બની આવે છે તો ચાર રત્નો માગે છે. કબીરજી જીવનની મૂળભૂત જરૂરિયાતોને રત્ન સાથે સરખાવે છે. ભૂખ્યો માણસ અન્ન ખાઈને તૃપ્તિ અનુભવી શકે છે નહીં કે સોનું-રૂપું કે હીરામોતી ખાઈને. સાધુ ધૂણી રાખે છે. ખુલ્લામાં જીવજંતુથી રક્ષણ, પાની પશુ નજીક ન આવે, ભભૂતિથી ચામડી ચોખ્ખી રહે તે માટે ધૂણી ઉપયોગી છે. સાધુ તેનો ઉપયોગ ગાંજા-ચરસની ચલમ ચેતાવવામાં કરે તો ગેરવાજબી છે.

પાણી એ હવા પછીની આપણી મહત્ત્વની જીવન જરૂરિયાત છે. ‘જળ એ જ જીવન’ તેવું સૂત્ર છે. સાથરા-સૂવાની આરામની જગ્યા. દિનચર્યામાં નિંદ્રા માટે યોગ્ય વ્યવસ્થા હોય તે આવશ્યક છે. કબીર ભોજન શ્રદ્ધાપૂર્વક આપવાની વાત કહે છે. દેખાદેખી કે પ્રલોભનથી સાધુનો આદર- સત્કાર કે સેવા થાય તેમાં દૂષણો પ્રસરે છે.

ગૃહસ્થાશ્રમનાં કર્તવ્યોમાં સાધુઓના નિર્વાહની તાકીદ છે. સમાજને સતત જાગૃત રાખી સારા વિચાર અને ઉત્તમ આચાર તરફ દોરી જનાર સાધુ સાંસ્કૃતિક રક્ષક છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)