ધર્મ અને કર્તવ્ય વચ્ચે સંતુલન એ માનવ જીવનનો મૂળભૂત આધાર છે અને ભગવદ્ ગીતા અધ્યાય 2, શ્લોક 31– ‘સ્વધર્મે
નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ’–દ્વારા શ્રીકૃષ્ણે આપણને એક ગહન સિદ્ધાંત શીખવ્યો છે કે વ્યક્તિએ પોતાનું કર્તવ્ય, પોતાનો ધર્મ, પોતાનું જવાબદારીક્ષેત્ર ઓળખવું જોઈએ અને તેને નિષ્ઠાપૂર્વક નિભાવવું જોઈએ, ભલે તે મુશ્કેલીઓ કે અંતિમ પરિણામે પરાજય કેમ ન આપે; પરંતુ બીજાના કર્તવ્યમાં પ્રવેશ કરવો કે પરધર્મ અપનાવવો અથવા કોઇની નકલ કરવી ભયજનક અને વિનાશક સાબિત થાય છે.
મેનેજમેન્ટના સંદર્ભમાં જોવામાં આવે તો કોઈ પણ સંગઠન કે સંસ્થા ત્યારે જ પ્રગતિ કરી શકે છે જ્યારે દરેક કર્મચારી પોતાની Key Responsibility Areas (KRA)ને સારી રીતે સમજીને તે દિશામાં શ્રેષ્ઠ કામગીરી કરે. જો કર્મચારીઓ પોતાનું કાર્ય છોડીને બીજાના કામમાં દખલ કરે, તો સંસ્થામાં ગેરસમજ, ગડબડ અને અસંતુલન ફેલાય છે. ઉદાહરણ તરીકે મહાત્મા ગાંધીજીનું જીવન જોઈએ, તો તેમણે ક્યારેય બીજા લોકોની રીત અપનાવવાનો પ્રયત્ન કર્યો નહીં; તેમનો સ્વધર્મ સત્ય અને અહિંસા હતો, અને તે જ માર્ગ પર અડગ રહીને તેમણે ભારતને સ્વતંત્રતા અપાવી. તેઓ હિંસાના માર્ગે ગયા હોત તો કદાચ સફળ ન થયા હોત, કારણ કે તે તેમનો ધર્મ નહોતો.

આધુનિક કોર્પોરેટ જગતમાં પણ આ સિદ્ધાંત એટલો જ મહત્વનો છે. ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ પોતાના Key Responsibility Area તરીકે સ્વચ્છતા, પારદર્શિતા અને મૂલ્યઆધારિત મેનેજમેન્ટને અપનાવ્યું, જ્યારે અન્ય લોકો માત્ર નફા પાછળ દોડતા હતા, તેવા પરધર્મમાં પ્રવેશ્યા નહીં. પરિણામે ઇન્ફોસિસ એક વૈશ્વિક પ્રતિષ્ઠિત કંપની બની. એ જ રીતે, ટાટા ગ્રુપના જમશેદજી ટાટાએ પોતાની ફરજ – ઉદ્યોગ સ્થાપવાનો ધર્મ – નિષ્ઠાપૂર્વક નિભાવ્યો, બીજાનાં માફક ઝડપી નફો કમાવવાનો માર્ગ તેમણે ક્યારેય અપનાવ્યો નહીં, પરિણામે તેમણે ભારતના ઔદ્યોગિકીકરણમાં પાયાનું યોગદાન આપ્યું.
રમતમાં પણ આ સિદ્ધાંત સ્પષ્ટ દેખાય છે – ક્રિકેટ ટીમમાં જો દરેક ખેલાડી પોતાનો ધર્મ, પોતાની ભૂમિકા નિષ્ઠાપૂર્વક નિભાવે, તો ટીમ જીતે છે; પરંતુ જો બોલર બેટ્સમેનનું કામ કે બેટ્સમેન બોલરનું કામ કરવાનો પ્રયત્ન કરે, તો ટીમ નિષ્ફળ જાય છે. એમ જ સંસ્થાઓમાં નેતાઓએ પોતાના કર્મચારીઓને અથવા અનુયાયીઓને તેમની ભૂમિકા વિશે સ્પષ્ટ સમજ આપવી જોઈએ, જેથી દરેકને ખબર પડે કે તેની જવાબદારી શું છે અને ક્યાં પોતાની શક્તિઓ કેન્દ્રિત કરવી. આ સંદેશ માત્ર વ્યવસાય કે સંસ્થાઓ પૂરતો નથી, પરંતુ વ્યક્તિગત જીવનમાં પણ એટલો જ મહત્વનો છે.

એક ડૉક્ટર જો પોતાનો ધર્મ જે દર્દીઓને નિષ્ઠાપૂર્વક સારવાર આપવાનો છે તે ભૂલીને વેપારધર્મ અપનાવશે તો સમાજ માટે ખતરનાક થશે; એક શિક્ષક જો પોતાનું શિક્ષણકાર્ય છોડીને રાજકારણ અપનાવશે તો પેઢી બગડી જશે. તેથી દરેક ક્ષેત્રે સફળતા માટે “સ્વધર્મ”નું પાલન એ જ મુખ્ય મંત્ર છે. આથી ગીતા આપણને શીખવે છે કે જીવનમાં સ્પષ્ટતા, જવાબદારીની સમજ અને પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા જ સાચી સફળતા અને શાંતિ તરફ દોરી જાય છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)




