મહાભારતના કર્ણપર્વમાં કર્ણ અને શ્રીકૃષ્ણ વચ્ચે થયેલો સંવાદ સમય સંચાલનનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે શ્રીકૃષ્ણ કર્ણને તેના જન્મની વાસ્તવિકતા સાથે અવગત કરે છે ત્યારે કર્ણ કહે છે કે જો તેને આ માહિતી પહેલા મળી હોત તો તેના જીવનની વ્યૂહરચના બદલાઈ ગઈ હોત. અર્થાત તે કૌરવોની જગ્યાએ પાંડવો તરફથી લડ્યો હોત. અહીં સ્પષ્ટ થાય છે કે યોગ્ય માહિતી યોગ્ય સમયે મળવી એ માત્ર માનસિક શાંતિ માટે નહીં પણ વ્યૂહાત્મક નિર્ણય માટે અત્યંત આવશ્યક છે. આજના વ્યવસાયિક અને સામાજિક સંદર્ભમાં જોઈએ તો સમય અને માહિતીના સંચાલન વિના સફળતા પ્રાપ્ત થવી મુશ્કેલ છે.
ઉદાહરણરૂપે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ યુદ્ધ અને ખાદ્ય સંકટની બધી જ પરિસ્થિતિઓ વચ્ચે યોગ્ય સમયે ‘જય જવાન જય કિસાન’ નારો આપ્યો હતો. તે વખતે તેની જરૂર હતી અને તેણે સમગ્ર દેશમાં આત્મવિશ્વાસ પણ જગાવ્યો હતો.
આજના ડિજિટલ યુગમાં પણ ગૂગલ, એપલ જેવી કંપનીઓએ માર્કેટ ટ્રેન્ડ્સને સમયસર ઓળખીને વ્યૂહરચનાઓ બદલી છે. આજે નોકરીના ઇન્ટરવ્યૂથી લઈને રોકાણની નીતિઓ સુધી બધું જ સમય આધારિત છે. જો નિર્ણય મોડો લેવાય તો ઉત્તમ તકો પણ હાથમાંથી નીકળી જાય.
કર્ણના જીવનમાં પણ આ જ થયું. તેણે ઘણું બધું પ્રાપ્ત કર્યું હોવા છતાં સમયસર ન મળેલી માહિતીના લીધે તે નૈતિક રીતે જીવનભર અસ્વસ્થ રહ્યો. અહીં વ્યવસ્થાપનનો ખૂબ જ અગત્યનો પાઠ શીખવા મળે છે. સમયસર લેવામાં આવેલ નિર્ણય, યોગ્ય સમયે મળેલી જાણકારી અને તેના આધારે બનેલી વ્યૂહરચના આ ત્રણેયનો સમન્વય એ સફળ સંચાલન માટે જરૂરી છે.
આજે પણ જે વ્યવસાયો અને નેતાઓ સમયનું મહત્વ સમજે છે તેઓ આગળ છે. આમ, કર્ણપર્વનો સંવાદ શીખવે છે કે જો માહિતી અને નિર્ણય સમયસર હોય તો કોઈ પણ દિશા, ધ્યેય અને પરિણામ બદલી શકાય છે અને દરેક નિષ્ફળ થતી યોજનાને સફળતાની દિશામાં દોરી શકાય છે. યાદ રાખીએ સમય પોતાની સાચી પરખ કરીને સાથે ચાલનારને જ સફળ થવા દે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
