આ પાંચ કામો ધૈર્ય સાથે કરવા જોઈએ

‘શનૈ વિદ્યા, શનૈ દ્રવ્યં’ અને ગોવિંદાની મટકીફોડ

નાણાકીય વ્યવસ્થા બાબત એક શ્લોક યાદ આવે છે:

‘शनैः पन्थाः शनैः कन्था शनैः पर्वतलंघनम्। 

शनैर्विद्या शनैर्वित्तं पञ्चैतनि शनैः शनैः’

અર્થાત્ રસ્તો ધીરે ધીરે કપાય છે, ધીરે ધીરે સિલાઈ થાય છે, પર્વત પણ ધીરે ધીરે ચઢી શકાય છે એ જ રીતે વિદ્યા પણ ધીરે ધીરે હાંસલ કરવી જોઈએ અને ધન પણ ધીરે ધીરે જ કમાવાય છે. આ પાંચ કામો ધૈર્ય સાથે કરવા જોઈએ, ઉતાવળમાં કામ કરવાથી તે અધૂરા રહી જાય છે અથવા દુર્ઘટના થઈ શકે છે.

કૃષ્ણની બાળલીલાઓ પ્રખ્યાત છે. આપણે માખણને દ્રવ્ય ગણી લઈએ તો કૃષ્ણની બાળલીલાઓથી બચવા ગોપીઓ માખણની મટકીને છત સાથે બાંધી ઊંચી લટકાવતી હતી. પણ કૃષ્ણ અને એના સાથીઓ માનવ પિરામીડ રચી એ માખણ ખાઈ જતા હતા. કોઈપણ કુટુંબ, સંસ્થા કે દેશ ટીમવર્ક વગર દ્રવ્યપ્રાપ્તિ અથવા મૂલ્યવર્ધન કરી શકતો નથી. એમાં પાયામાં રહેલ વ્યક્તિ સૌથી અગત્યની છે. તે રીતે કંપની કે કુટુંબનો નાનામાં નાનો સભ્ય અથવા જનતા પણ એટલા જ અગત્યના છે જેટલા ટોચ સુધી પહોંચી મૂલ્યવૃદ્ધિ કરનાર અથવા જીડીપી ઉત્પન્ન કરનાર વ્યક્તિઓ અગત્યના છે, બલ્કે એથી પણ વધારે અગત્યના પાયામાં રહેલ નાના માણસો છે. આખી ટ્રેનને ખેંચનાર રેલવે એન્જિન બહુ શક્તિશાળી લાગે પણ એ જ રેલવેના પાટામાંથી એક નાનકડી ફીશપ્લેટ કાઢી લેવામાં આવે તો જીવલેણ અકસ્માત સર્જાય.

મૂલ્યવર્ધન, ઉત્પાદન અને વહીવટીતંત્રનો ભાર વહન કરનાર ઉપરના લોકો અગત્યના છે, કારણ કે એ નેતૃત્વ પૂરું પાડે છે પણ પેલી ફીશપ્લેટ એથી પણ વધારે અગત્યની છે, આ વાત સમજાવી જોઈએ.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)