આદેશ નહીં, સંવાદ : યક્ષપ્રશ્નથી કોર્પોરેટ કલ્ચર સુધી

વિમર્શ અને સંવાદનો સાચો અર્થ આપણને પ્રાચીન કાવ્યગ્રંથ મહાભારતના યક્ષપ્રશ્નના પ્રસંગમાં અત્યંત ઊંડાણથી સમજાય છે. યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે થતો સંવાદ કોઈ સામાન્ય પ્રશ્નોત્તર નથી, પરંતુ નેતૃત્વ, મૂલ્યવિચાર અને સંચાલન સંસ્કૃતિની જીવંત પ્રયોગશાળા છે.

યક્ષ કઠોર પરંતુ ઈમાનદાર પ્રશ્નો પૂછે છે, જે યુધિષ્ઠિરના જ્ઞાન, ધૈર્ય અને દૃષ્ટિને સતત પડકારે છે. સામે યુધિષ્ઠિર અહંકાર વિના, ગુસ્સા વિના અને ઉતાવળ વિના જવાબ આપે છે. આ આપણને શીખવે છે કે સાચું સંચાલન આદેશથી નહીં, પરંતુ સંવાદથી સંભવી શકે છે. જ્યાં પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા હોય છે ત્યાં વિચારની તાજગી અને નિર્ણયની ગુણવત્તા બંને વધે છે.

આજની સંસ્થાઓમાં પણ ‘ટોપ-ડાઉન ઓર્ડર’ની જગ્યા હવે ઓપનનેસ (ખુલ્લાપણું), ફીડબેક અને ચર્ચા આધારિત સંચાલન ચાલી રહ્યું છે, કારણ કે કર્મચારી હવે માત્ર અમલકર્તા નહિ, પરંતુ વિચારનો સહભાગી બન્યો છે.

વાસ્તવિક જીવનમાં તેનું ઉત્તમ ઉદાહરણ દક્ષિણ આફ્રિકાના નેતા નેલ્સન મંડેલામાં જોવા મળે છે. જેમણે સત્તા પ્રાપ્ત કર્યા પછી પ્રતિશોધનો માર્ગ છોડીને વિરોધીઓ સાથે પણ સંવાદનો માર્ગ પસંદ કર્યો, જેના કારણે વૈમનસ્યથી ભરાયેલા દેશમાં સમાધાન અને સ્થિરતાની સંસ્કૃતિ વિકસિત થઈ. આ બતાવે છે કે સંવાદ ધ્રુવીકરણને પણ પરિવર્તનમાં ફેરવી શકે છે.

આધુનિક કોર્પોરેટ ક્ષેત્રમાં સત્ય નદેલાએ માઈકોસોફ્ટમાં ‘know-it-all’ ઉપયોગી સંસ્કૃતિને બદલીને ‘learn-it-all’ સંસ્કૃતિ સ્થાપી, જ્યાં પ્રશ્ન પૂછવું, ભૂલ સ્વીકારવી અને ખુલ્લી ચર્ચા કરવી સંસ્થાની શક્તિ બની. આ પરિવર્તનનો મૂળ મંત્ર હતો openness-ખુલ્લાપણું અને સંવાદ.

ટેક્નોલોજી જગતમાં જ સુંદર પિચાઇની નેતૃત્વશૈલી પણ સંવાદ આધારિત છે, જ્યાં ટીમની વિવિધતાને માન આપવામાં આવે છે અને વિપરીત અભિપ્રાયો પણ ઉત્પાદનની ગુણવત્તા સુધારવા માટે સહાયક બને છે. રમતગમતમાં રાહુલ દ્રવિડની કોચ તરીકેની શૈલી એનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે. જ્યાં ખેલાડીઓ સાથે સતત સંવાદ, તેમના પ્રશ્નોનું સ્વાગત અને માનસિક સમજણ દ્વારા ટીમને શાંત અને સશક્ત બનાવવામાં આવે છે.

ઘણી સંસ્થાઓમાં હજુ પણ એવો ભ્રમ જોવા મળે છે કે પ્રશ્ન પૂછવો એટલે અધિકારને પડકારવો. યક્ષપ્રશ્નનો સંદેશ એ છે કે સાચો પ્રશ્ન અશિસ્તનો નહીં, પરંતુ સુધારાનો સંકેત હોય છે. જેને પ્રશ્નોથી ડર લાગતો હોય તે નેતા લાંબા ગાળે પ્રગતિ કરી શકતો નથી. નીતિ કે દિશાને પડકાર આપતો પ્રશ્ન દબાવવાને બદલે જો ચર્ચા થકી તેને સુધારવામાં આવે તો સંસ્થા વધુ પારદર્શક, વિશ્વસનીય અને માનવીય બને છે. તેથી વિમર્શ વિના દિશા અંધ બની જાય છે અને સંવાદ વિના સંચાલન નિર્જીવ.

યક્ષના કઠોર પ્રશ્નો અને યુધિષ્ઠિરના ધીરજભર્યા જવાબોની જેમ જ્યાં પ્રશ્ન અને ઉત્તર વચ્ચે સત્ય, સમજણ અને આત્મવિશ્વાસનો પુલ બને છે, ત્યાં જ સાચી સંચાલન સંસ્કૃતિ જન્મ લે છે અને સંસ્થા માત્ર વ્યવસાયિક નહીં, પરંતુ વૈચારિક રીતે પણ સશક્ત બની ઊભી રહે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)