પદથી નહીં, વ્યક્તિત્વથી નેતૃત્વ

મત્તઃ પરતરં નાન્યત્કિઞ્ચિદસ્તિ ધનઞ્જય ।

મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિગણા ઇવ ॥

(ગીતા, અધ્યાય ૭, શ્લોક ૭)

અર્થાત હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલાં રહે છે, તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે.

આપણે જાણીએ છીએ તેમ, એક દિશા પર સમગ્ર ટીમ કાર્ય કરે છે, પરંતુ એ દિશાને જીવંત ગતિ આપતું તત્વ નેતાની પોઝિશન નહીં પરંતુ તેની પર્સનાલિટી હોય છે—જ્ઞાન, દ્રષ્ટિ, મૂલ્યો અને વ્યૂહશક્તિથી ઘડાયેલું એવું નેતૃત્વ એક અદૃશ્ય ગુરુત્વાકર્ષણ સર્જે છે, જે બોલ્યા વિના લોકોને ખેંચે છે અને સંસ્થાને સતત આગળ ધપાવે છે.

જેમ અહીં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, “સર્વ મારામાં આશ્રિત છે”. ઇતિહાસ અને આજના સમયમાં આવા અનેક ઉદાહરણો મળી આવે છે. જેમ કે મહાત્મા ગાંધી પાસે કોઈ ઔપચારિક સત્તાપદ નહોતું, છતાં તેમના ચરિત્ર, સત્યાગ્રહ અને આત્મબળે સમગ્ર રાષ્ટ્રને એક દિશામાં ગતિ આપી અને લાખો લોકો તેમના પગલે ચાલ્યા—આ બતાવે છે કે નેતૃત્વ પદથી નહીં પરંતુ વ્યક્તિત્વથી જન્મે છે.

ઉદ્યોગજગતમાં ધીરુભાઈ અંબાણીએ શૂન્યમાંથી વિશ્વસ્તરીય વ્યવસાય ઊભો કર્યો, તેમની ઊર્જા, જોખમ લેવાની હિંમત અને લોકો પર વિશ્વાસ કરવાની ક્ષમતાએ સાધનો ન હોવા છતાં હજારો કર્મચારીઓને એક સપના સાથે જોડ્યા અને તેમની પર્સનાલિટીએ જ એક સંસ્થાને સંસ્કૃતિ આપી; વૈશ્વિક સ્તરે સ્ટીવ જોબ્સનું ઉદાહરણ પણ એવું જ છે, જ્યાં તેમની વિઝનરી વિચારસરણી, ડિઝાઇન પ્રત્યેનું ઝનૂન અને અડગ ધ્યેયબદ્ધતાએ એપલ કંપનીને માત્ર ઉત્પાદક કંપની નહીં પરંતુ એક આઈકોનિક બ્રાન્ડમાં રૂપાંતરિત કરી—અહીં તેમનો હોદ્દો નહીં, પરંતુ તેમની વ્યક્તિગત અસર લોકોમાં સર્જનાત્મકતા અને શ્રેષ્ઠતાની ભૂખ જગાવતી હતી; ભારતમાં કોર્પોરેટ ક્ષેત્રે રતન ટાટાએ વિનમ્રતા, નૈતિકતા અને દીર્ઘદર્શિતાથી ટાટા ગ્રુપને વૈશ્વિક વિશ્વસનીયતાનું પ્રતિક બનાવ્યું, જ્યાં કર્મચારીઓ આદેશથી નહીં પરંતુ પ્રેરણાથી કાર્ય કરે છે.

આ જ સિદ્ધાંત રમતગમતમાં પણ દેખાય છે, જ્યાં એમ.એસ. ધોનીએ કેપ્ટન તરીકે શાંત સ્વભાવ, સ્પષ્ટ નિર્ણયશક્તિ અને ટીમ પર અડગ વિશ્વાસથી ભારતીય ટીમને અનેક વિજય અપાવ્યા—અહીં તેમની વ્યક્તિગત સ્થિરતા સમગ્ર ટીમ માટે માનસિક બળ બની.

સંસ્થાઓમાં જ્યારે નેતા માત્ર પોઝિશનના આધાર પર આદેશ આપે છે ત્યારે અનુયાયીઓ માત્ર ફરજ બજાવે છે, પરંતુ જ્યારે નેતાનું વ્યક્તિત્વ વિશ્વાસ, દૃષ્ટિ અને મૂલ્યોથી ભરેલું હોય ત્યારે અનુયાયીઓ પોતાનાં સપનાંઓ પણ તેની સાથે જોડે છે અને ટીમમાંથી ‘સમુદાય’ બને છે.

આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં ટેક્નોલોજી, મૂડી કે નીતિઓની સહેલાઈથી નકલ થઈ શકે છે, પરંતુ નેતાની પર્સનાલિટીથી ઊભી થતી સંસ્થાકીય સંસ્કૃતિની કોઈ નકલ કરી શકતું નથી, કારણ કે એ માનવીય સંબંધો, ભાવનાત્મક બુદ્ધિ અને પ્રેરણાની સતત ધારા પરથી બનેલી હોય છે. તેથી સાચું નેતૃત્વ એ પોઝિશનની ખુરશી પર બેસવામાં નથી, પરંતુ લોકોના હૃદયમાં સ્થાન મેળવવામાં છે—જ્યારે નેતાની દિશા સ્પષ્ટ, ઈમાનદારી અડગ અને વ્યૂહશક્તિ સૂક્ષ્મ હોય છે, ત્યારે એનું અદૃશ્ય ગુરુત્વાકર્ષણ સમગ્ર ટીમને એકસાથે રાખી સંસ્થાને માત્ર ગતિ નથી આપતું, પરંતુ અર્થ, વિશ્વાસ અને દીર્ઘકાલીન સફળતાનું દિશાનિર્દેશ પણ આપે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)