વ્યવસાયમાં ધર્મનો વિચાર માત્ર ધાર્મિક સંપ્રદાય સુધી સીમિત નથી પરંતુ તે ન્યાય, સત્ય, જવાબદારી, પારદર્શિતા અને
માનવકલ્યાણ જેવી મૂલ્યોની જીવંત પ્રથા છે. મહાભારતના શાંતિપર્વમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને રાજધર્મ સમજાવતાં સ્પષ્ટ રીતે રજૂ કરે છે કે રાજ્ય, સંસ્થા કે વ્યવસાય — જો તે ધર્મ આધારિત ન હોય તો લાંબા ગાળે ટકી શકતું નથી.
ભીષ્મ કહે છે કે, શાસક કે નેતા માટે નફો નહીં પરંતુ લોકકલ્યાણ પ્રથમ ધ્યેય હોવું જોઈએ. એ સિદ્ધાંત આજના કોર્પોરેટ વિશ્વમાં પણ એટલો જ સત્ય છે, કારણ કે નફો ધર્મથી વિમુખ થાય ત્યારે તે વિનાશનું કારણ બને છે. જ્યારે ધર્મના આધારે કમાયેલો નફો સમાજ માટે આશીર્વાદ સાબિત થાય છે.

આ વિચારનું જીવંત ઉદાહરણ અઝીમ પ્રેમજી છે. તેમણે પોતાની કંપનીથી પ્રાપ્ત થયેલી સંપત્તિનો મોટો ભાગ શિક્ષણ અને સમાજસેવા માટે અર્પણ કરીને વ્યવસાયને ધર્મ સાથે કેવી રીતે જોડવો તે દુનિયાને બતાવ્યું. વિદેશમાં ઇન્દ્રા નુઈએ વૈશ્વિક કંપનીનું નેતૃત્વ કરતાં ‘Performance with Purpose’નો વિચાર અમલમાં મૂકી, નફા સાથે આરોગ્ય, પર્યાવરણ અને સામાજિક જવાબદારીને સમાન મહત્વ આપ્યું. આ જ ધોરણે સત્ય નદેલાએ માઈક્રોસોફ્ટમાં ‘એમ્પથી’ અને ‘ઇન્ક્લુઝિવ ગ્રોથ’ને વ્યવસાયની મુખ્ય સંસ્કૃતિ બનાવી, જેનાથી કંપનીનો નફો તો વધ્યો જ, સાથે સાથે માનવકેન્દ્રિત ટેકનોલોજીનો નવો માર્ગ પણ ખુલ્યો.

ઉદ્યોગક્ષેત્રમાં ધર્મનો વધુ એક પ્રેરક દાખલો Yvon Chouinard નો છે, જેમણે પોતાની કંપનીનો મોટો હિસ્સો પર્યાવરણ સંરક્ષણ માટે અર્પણ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ધરતી બચાવવી એ પણ વ્યવસાયનો પવિત્ર ધર્મ છે.
આ ઉદાહરણો સાબિત કરે છે કે જ્યારે વ્યવસાય માત્ર નફા પાછળ દોડે છે ત્યારે તે કર્મચારીઓના શોષણ, પર્યાવરણીય વિનાશ અને ગ્રાહક સાથે છેતરપિંડી તરફ વળે છે. ધર્મ જ્યારે આધાર બને છે ત્યારે વિશ્વાસ, સ્થિરતા અને ટકાઉ વિકાસ જન્મે છે. આજના સમયના ESG, CSR અને સસ્ટેનેબિલિટી જેવા વિચાર માત્ર આધુનિક શબ્દો નથી, પરંતુ એ જ શાશ્વત રાજધર્મના આધુનિક સ્વરૂપો છે, જે ભીષ્મે શાંતિપર્વમાં યુગો પહેલાં સમજાવ્યા હતા.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)




