નેતા શબ્દ સાંભળતા જ આપણા મનમાં એક એવી વ્યક્તિનું ચિત્ર ઊભું થાય છે કે જેનું બધા માનતા હોય, જેના આદેશો મુજબ વર્તન કરતા હોય, બરાબર ને? પરંતુ તમે વિચારો એ નેતા પોતાનાં મૂલ્યો પ્રત્યે સજાગ ન હોય, નૈતિક ન હોય, વ્યવહારુ ના હોય, તો શું તેને અનુસરતા લોકો નૈતિક, વ્યવહારુ અને પોતાનાં મૂલ્યો પ્રત્યે જાગૃત હશે? જવાબ સરળ છે, નહીં હોય!
કહેવાય છે કે ‘યથા રાજા તથા પ્રજા’ – જેવો રાજા તેવી પ્રજા. જાહેર જીવન હોય કે વ્યવસાયિક જગત, તમે જો કંપનીના મેનેજર કે સીઈઓ અથવા લીડર તરીકે ઓફિસમાં ધુમ્રપાન કરશો તો તમે તમારા નીચેના કર્મચારીને રોકી શકશો? જો તમે જ ઓફિસમાં સમયસર નહીં આવો, ઓફિસના સંસાધનોનો પોતાના અંગત વપરાશ માટે ઉપયોગ કરશો, તો તમારા નીચેના કર્મચારીઓ પણ એ જ કરશે. ભગવાન ચૈતન્યે કહ્યું છે કે શિખામણ આપતાં પહેલા ગુરુ અર્થાત શિક્ષકે પોતાનું આચરણ શુદ્ધ કરવું પડે. તો જ તે અન્યને અનુસરવા કહી શકે.
ટોચના અધિકારીઓ કાર્યશીલ હોય તો જ તેઓ પોતાના નીચેના કર્મચારીઓને સતત કાર્યશીલ રહેવા માટે પ્રેરણાબળ પૂરું પાડી શકે અને તો જ અન્ય કર્મચારીઓ પણ એ જ દિશામાં કામ કરી શકે. શ્રેષ્ઠ લીડર એ હોય છે જે પોતાના આચરણથી ટીમને પ્રેરણા આપે, નિષ્ફળતાની જવાબદારી પોતાના શિરે લે પણ સફળતા બધાંને વહેંચે, માત્ર આદેશોથી નહીં.
આજ વાત ગીતાજીના અધ્યાય ત્રણના શ્લોક ૨૧માં ભગવાન શ્રીકૃષ્ણએ સમજાવી છે.
યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ ।
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥
અર્થાત શ્રેષ્ઠ પુરુષો જે રીતે વર્તે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્ય કરે છે. દરેક કંપની, સંસ્થા. પેઢી કે સરકારને પણ આ જ લાગુ પડે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
