અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે મજબૂત વૈશ્વિક સંકેતોને લીધે સ્થાનિક શેરબજારોએ તેજીની હેટ્રિક લગાવી હતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય BSEના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. નિફ્ટી પણ 19,400ની પાસ પહોંચ્યો હતો. નિફ્ટી બે સપ્તાહની ઊંચી સપાટીએ બંધ આવ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.69 લાખ કરોડનો વધારો થયો હતો.
BSE ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 594.91 પોઇન્ટ ઊછળીને 64,958.69 પોઇન્ટ બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 181.15 પોઇન્ટ ઊછળી 19,411.75ના મથાળે બંધ થયો હતો. મિડકેપ ને સ્મોલ કેપ શેરોમાં પણ ધૂમ લેવાલીથી તેજી થઈ હતી. નિફ્ટી બેન્ક 301 પોઇન્ટ ઊછળ્યો હતો, જ્યારે મિડકેપ 350 પોઇન્ટના ઉછાળા સાથે 39,937ના સ્તરે બંધ થયો હતો.
બજારમાં તેજી સાથે બંધ થતા શેરોની સંખ્યા વધુ હતું. એક્સચેન્જ પર કુલ 3964 શેરોમાં ટ્રેડિંગ થયાં હતાં, એમાં 2454 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1335 શેરો ઘટીને બંધ થયા હતા, જ્યારે 175 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 253 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 37 શેરોએ 52 સપ્તાહની નવી નીચલી સપાટી બનાવી હતી.