શહેરીકરણ કેટલી ઝડપથી વધી રહ્યું છે અને એની અસર જનજીવન પર કેવી રીતે પડી રહી છે એનો ખ્યાલ આ તસવીરમાંથી આવે છે.
ના, આ તસવીર કોઇ ગ્રામ્ય વિસ્તારમાં લીધેલી નથી. આ તસવીર અમદાવાદ જેવા વિશાળ શોપિંગ સેન્ટર,મોલ, મલ્ટિપ્લેક્સ, હાઈરાઈઝ અને હાઈફાઈ રહેણાંક વિસ્તારો અને પોશ કલબો ધરાવતા અમદાવાદ શહેરની છે.
જે રીતે આજકાલ અનેક ગ્રામ્ય વિસ્તારો શહેરમાં ભળવા લાગ્યા છે એમાં સાથે સાથે ગામના ગોચરની જમીન, ખેતરો અને તળાવો પણ ભળતા જાય છે એટલે ખુલ્લા ખેતરોમાં, અને વગડામાં રખડતાં રોઝડા જેવા જીવો પણ શહેરની ગલીઓમાં માનવ વસ્તીની વચ્ચે ફરતા થઈ ગયા છે.
જે રીતે માણસોએ વન વગડા અને ખેતરોમાં કોંક્રિટનું જંગલ બનાવી દીધું છે એના કારણે સસલાં, સાપ, જંગલી ડુક્કર, શિયાળ અને નીલગાય, રોઝડાના ઝુંડ પણ ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં રઝળતાં જોવા મળે છે. ગાય કે કૂતરા માટે બનાવેલી ચાટ સુધી આ વગડાના જાનવર પહોંચી જાય છે… જાણે, આ જાનવરો પોતાના ઘરબાર છીનવાઇ જવાથી માણસજાત સામે પોતાનો વિરોધ દર્શાવવા આવ્યા હોય એમ જ.
(પ્રજ્ઞેશ વ્યાસ)