દિલ્હીમાં 26મીની પરેડમાં રમાનાર મણિયારો રાસ શું છે?

26મી જાન્યુઆરી, 2025ના રોજ ભારત 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 26 જાન્યુઆરી, 1950ના રોજ 21 તોપની સલામી આપીને ધ્વજારોહણ કરીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું એ પછીથી સમગ્ર દેશમાં આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસે કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે અને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતા હોય છે.

આ દિવસે રાષ્ટ્રપતિ ભવનની સામે આવેલા કર્તવ્ય પથ પર યોજાતી ભવ્ય પરેડમાં રાષ્ટ્રપતિ સલામી ઝીલે છે. તેઓ ભારતીય સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ પણ છે. આ પરેડમાં ભારતીય સૈન્ય પોતાની નવી ટેન્કો, મિસાઇલો, રડાર વગેરેનું પ્રદર્શન પણ કરે છે. આ સિવાય, રાજ્યોની વાઇબ્રન્ટ ઝાંખીઓ પ્રદર્શિત થાય છે. ઝાંખી અને પરેડ 1950થી ચાલી આવતી વાર્ષિક પરંપરા છે.

આ વર્ષે “વિરાસત અને વિકાસ” શીર્ષક હેઠળ ગુજરાત રાજ્યની અનોખી ઝાંખીની રજૂઆત કરવામાં આવી રહી છે, જેમાં ૧૨મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકી કાળના ‘કીર્તિ તોરણ’થી લઈને ૨૧મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાને રજૂ કરવામાં આવ્યો છે. સાથે જ સંરક્ષણ, ટેકનોલોજી, ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’’ના વિવિધ વિકાસના પ્રકલ્પોને રજૂ કરવામાં આવ્યા છે. આ ઝાંખી સાથે પોરબંદર જિલ્લાના ભાવપરા ગામની આવળ રાસ મંડળ ની ટીમ મણિયારો રાસ રજૂ કરવાની છે. આ મંડળના પ્રમુખ સમાન લાખણશીભાઈ ઓડેદરા સાથે ચિત્રલેખા.કોમ‘છોટી સી મુલાકાત’ માં તેમના અનુભવો વિશે વાતચીત કરી.

ચિત્રલેખા: તમારું 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મણિયારો રાસ રજૂ કરવા માટેનું સિલેક્શન કેવી રીતે થયું?

લાખણશીભાઈ ઓડેદરા: પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે અમે વેબસાઈટમાં અમારી દાવેદારી નોંધાવી હતી. તેમાં અમારા ગ્રુપ અને અમારા પરંપરાગત ડાન્સ ફોર્મ વિશેની વિગતો આપી હતી. આ સિવાય અમે વર્ષો જે કાર્યક્રમો કરતા આવ્યા છીએ. દેશ-વિદેશમાં જે કાર્યક્રમો કર્યા છે તેનાં વિશે માહિતી આપી હતી. ત્યાંથી અમારું સિલેક્શન થયું હતું.

ડાન્સ ફોર્મ મણિયારા વિશે થોડું જણાવો…

પોરબંદરમાં રમાતો મણિયારો રાસ દેશ-વિદેશમાં અલગ જ ખ્યાતિ ધરાવે છે. પોરબંદરમાં મેર સમાજના લોકો પરંપરાગત ચોયણી અને કેડિયું પહેરીને આ શૌર્ય રસથી ભરપૂર રાસ રમે છે. મેર એ ખમીરવંતી પ્રજાતિ અને તેણે પ્રાચીન સમયમાં પોતાના વતન માટે અનેક યુદ્ધ લડ્યા હતા. યુદ્ધમાં જીત હાંસલ કર્યા બાદ બુંગીયો ઢોલ વગાડવામાં આવતો હતો. યુદ્ધ બાદ મનાવવામાં આવતા વિજ્યોત્સવમાં આ મણિયારો રાસ તલવારો સાથે રમવામાં આવતો. આજના સમયમાં મેર લોકો જન્માષ્ટમી, હોળી, નવરાત્રી, લગ્નોત્સવ અને રાષ્ટ્રીય પર્વ જેવાં તહેવારોમાં પરંપરાગત પોષાક પેહરીને મણિયારો રાસ રમે છે. મણિયારો રાસ રમવા શરણાઈ, ઢોલ અને પેટી-વાજુ જેવા સંગીત વાદ્ય હોવા અનિવાર્ય છે.

તમારા આવળ રાસ મંડળ વિશે જણાવો…

અમારા રાસ મંડળની સ્થાપના 1998માં થઈ હતી. હું નાનપણથી જ મણિયારો રાસ સારું રમતો હતો. ઢોલ, હાર્મોનિયમ પણ વગાડી શકું. આથી અમારા આ પરંપરાગત લોક નૃત્યને યુવાનો સુધી લઈ જવા અને તેને આગળ વધારવા માટે મેં આ રાક મંડળની સ્થાપના કરી હતી. હું અમારા ગામના યુવાનોને આ રાસ શીખવવા લાગ્યો. રાણાભાઈ આલાભાઈ સીડા એ મારા ગુરૂ છે. એમની પ્રેરણાથી મેં આ રાસ મંડળ શરૂ કર્યું. જેમાં મારા સિવાય ગામના અન્ય યુવાનો જોડાયા હતા. પહેલો પ્રોગ્રામ અમે અમારા ગામના માતાજી આવળ માતાના મંદિરે કર્યો. અમારી આસપાસના ગામોમાં જઈને અમે લોકો પ્રોગ્રામ કરતા હતા. દિવસ દરમિયાન અમે લોકો રોજિંદા કામ કરતા અને રાત પડે અમે લોકો પ્રેક્ટિસ કરતા. હું મારી પોતાની સમજથી ગીતો પર કોરિયોગ્રાફી તૈયાર કરતો હતો. વડીલોના આશીર્વાદથી ગ્રામ્ય વિસ્તારોમાં નાના-નાના કાર્યક્રમો કરતા હતા.

તમને પહેલું મોટું પ્લેટફોર્મ ક્યારે મળ્યું? કેવી રીતે મળ્યું?

મારા ગુરૂ રાણાભાઈએ અમને માર્ગદર્શન આપ્યું. 2003ના વર્ષમાં અમે પ્રથમ વખત નેશનલ ટ્રેડના પ્રોગ્રામમાં દિલ્હી ખાતે કાર્યક્રમ રજૂ કર્યો હતો. એ કાર્યક્રમમાં અમારા મંડળ તરફથી લગભગ દોઢસો છોકરાઓએ રાસ રજૂ કર્યો હતો. બધાં જ છોકરા મોટાભાગે 12થી 15 વર્ષની વચ્ચેની ઉંમરના હતા. ત્યારે પશ્ચિમ ઝોન, સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા અમને કાર્યક્રમ કરવાનું આમંત્રણ મળ્યું હતું. ત્યાર બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. આજુ-બાજુના રાજ્યોમાંથી પણ અમને કાર્યક્રમો કરવા માટે આમંત્રણ મળવા લાગ્યું. અનેક હરિફાઈમાં ભાગ લીધો. પહેલાં પોરબંદર જિલ્લા કક્ષાએ વિજેતા બનતા, પછી રાજ્ય કક્ષાની હરિફાઈમાં વિજેતા બનવા લાગ્યા અને પછી તો રાષ્ટ્રીય કક્ષાની પ્રતિયોગીતાઓમાં અમે વિજેતા બનતા યુવાનોને ખૂબ જ પ્રોત્સાહન મળવા લાગ્યું.

સૌથી યાદગાર કાર્યક્રમ તમને અત્યાર સુધીનો ક્યો લાગે છે?

2003માં જ હૈદ્રાબાદમાં આફ્રો-એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમને અમારો કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો હતો. જે અમારી માટે એક યાદગાર પ્રસંગ છે. વાયબ્રન્ટ ગુજરાતમાં પણ અમને અમારી કલા રજૂ કરવાનો અવસર મળ્યો હતો. ભારત પર્વ પ્રોગ્રામમાં પણ અમને આમંત્રણ મળ્યું હતું. તરણેતરના મેળામાં તો અમારું મંડળ સતત સાત વર્ષ સુધી વિજેતા બન્યું છે. આ સિવાય આંતરરાજ્ય કાર્યક્રમો તો અમે અનેક કર્યા છે. એ સિવાય અમે 2012માં મોરેશિયશ ખાતે ભારત સરકારના આમંત્રણથી પ્રોગ્રામ કરવા માટે ગયા હતા. ત્યારથી ક્યારેય પાછળ વળીને જોયું નથી. 2025માં અમને પ્રજાસત્તાક દિવસની પરેડમાં 5,000 જેટલાં કલાકારો સાથે અમારી કલાને રજૂ કરવાનો અવસર મળ્યો છે. તે અમારા માટે એક મોટી ઉપલબ્ધિ જ છે.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં તમે જે કાર્યક્રમ રજૂ કરવાના છો તેમાં કેટલાં સભ્યો છો?

આ કાર્યક્રમમાં અમે 17 લોકો છીએ. જેમાં 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના લોકો છે જે મણિયારો રાસ રજૂ કરવાના છે. ત્યાં કર્તવ્ય પથ પર જ્યારે રાષ્ટ્રપતિ સમક્ષ અમે પહોંચીયે ત્યારે માત્ર 40 સેકન્ડમાં જ અમારે અમારી રજૂઆત કરવાની છે, જેના માટે અત્યારે અમે તનતોડ મહેનત કરી રહ્યા છીએ.

(રાધિકા રાઓલ – અમદાવાદ)