‘વોટરમેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા અને મેગ્સેસે એવોર્ડ વિજેતા ડો. રાજેન્દ્ર સિંહનું અનંત નેશનલ યુનિવર્સિટી સાથે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તરીકે જોડણ કર્યું છે. અનંત યુનિવર્સિટી ખાતે તેઓ કમ્યુનિટી લીડરશીપ ઇન એન્વાયર્નમેન્ટલ ડિઝાઇનના વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગ્રાઉન્ડ પર જઈને વિષયનો પ્રેક્ટિકલ અભ્યાસ કરાવશે. ડૉ. રાજેન્દ્રસિંહ વિશ્વના 123 દેશમાં જલ સંરક્ષણ માટે કાર્યરત છે. જો કે એમની કર્મભૂમિ રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલ ગોપાલપુર છે. ડૉ. રાજેન્દ્રસિંહે છેલ્લાં 50 વર્ષમાં 23 નદીઓને પૂનઃ જીવિત કરી ખરા અર્થમાં જળ ક્રાંતિ કરી છે. અમારા છોટી સી મુલાકાત વિભાગમાં અમે આજે ડૉ. રાજેન્દ્રસિંહ સાથે આજની શૈક્ષણિક પદ્ધતિઓ, દેશમાં નદીઓની સ્થિતિ તેમજ અન્ય કેટલાંક પર્યાવરણીય મુદ્દાઓ વિશે વાતચીત કરી.
ડૉ. રાજેન્દ્રસિંહ: અનંત યુનિવર્સિટીએ આ નવીનત્તમ ચિલો ચીતર્યો છે. તેમણે વિષય આધારિત વ્યવહારૂ જ્ઞાન સાથે બાળકોને જોડવાની શરૂઆત કરી છે, તો આને જ શુભ શરૂઆત માની લેવી. આ પ્રકારની શૈક્ષણિક પદ્ધતિ કેમ અપનાવવામાં આવતી નથી તેની આલોચના કરવાના બદલે, કોઈકે તો શરૂઆત કરી છે તે વાતથી ખુશ થવું જોઈએ. નવી પેઢીને જો આપણે ખરેખર પ્રકૃતિ સાથે જોડવા માગતા હોઈએ તો આપણે તેમને આ રીતે જ્યાં ખરેખરે જમીની સ્તર પર કામ થતું હોય ત્યાં લઈ જવા જોઈએ. યુવાનો જે વિષયનો અભ્યાસ કરી રહ્યા છે, તેના વિશે પ્રેક્ટિકલ જ્ઞાન આપવાથી તેમને પોતાના વિષયમાં રસ ઉત્પન્ન થાય છે બાદમાં વિષય સાથે પ્રેમ પણ થાય છે. જો કોઈપણ વ્યક્તિ પોતાના વિષયને પ્રેમ કરશે તો તે તેમાં ઉંડે ઉતરશે, તે કામનું હશે, તો તે શુભ હશે. આથી મને લાગે છે કે અનંત યુનિવર્સિટીએ આ એક શુભ શરૂઆત કરી છે. તો શૈક્ષણિક પ્રથાની આ શુભ શરૂઆત માટે તેમને અભિનંદન.
મને એવું લાગે છે કે પર્યાવરણ વિષયના વિદ્યાર્થીઓને જમીની સ્તર પર લઈ જઈને જો તમે પ્રેક્ટિલ જ્ઞાન ન આપો તો, માત્ર પુસ્તકો દ્વારા ભણવવાથી પર્યાવરણ જેવો વિષય સમજી શકાય નહી. જો તમે માત્ર પુસ્તકિયું જ્ઞાન જ આપો વિદ્યાર્થીઓને તો તેમના મનમાં અભ્યાસ પ્રત્યે એક વિરોધ-પ્રતિશોધ ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે તમે વિદ્યાર્થીઓને ફિલ્ડમાં લઈ જઈને વાસ્તવિક જ્ઞાન આપો છો ત્યારે તેમનો પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વધે છે અને પછી ધીમે-ધીમે સન્માન વધે છે. છેલ્લે ધીરે-ધીરે શ્રદ્ધા વધે છે.
જેને આપણે વિકાસ કહીએ છીએ એ વિકાસ આપણી લાલચમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે લાલચી બની જઈએ છીએ ત્યારે આપણે પોતાની સુખ-સુવિધા પર વધારે ધ્યાન આપીએ છીએ. બીજાનો વિચાર કરતા નથી. આથી કહી શકીએ કે લાલચના પગલે આપણી બુધ્ધિ અને વિચારો ભ્રષ્ટ થઈ જાય છે. ત્યારબાદ આપણે કુદરત અને પર્યાવરણને નુક્સાન પહોંચાડીયે છીએ. આ બધાના પગલે જ કુદરતી આફતો દ્વારા વિનાશ માનવી સુધી પહોંચી રહ્યો છે. પૂર, દુકાળ, ભૂકંપ કે સુનામી એ માનવી દ્વારા નોતરવામાં આવેલી કુદરતી આફતો હોય છે. તેથી આવા વિકાસની આપણે કાયાપલ્ટ કરવાની છે. એટલે કે આપણે સદાય નિત્ય નૂતન નિર્માણ કરવું. એવો વિકાસ કરવાનો છે કે જેનાથી કોઈપણ પ્રકારનું કુદરતને નુક્સાન ન થાય.
હાલમાં દેશમાં પીપલ ડેમોક્રેસીની જગ્યાએ કોર્પોરેટ કલ્ચર ડ્રિવન ડેમોક્રેસી છે. એટલે કોર્પોરેટ હાઉસ જે રીતે કહે તે રીતે આ દેશમાં પોલીસી મેકિંગ થાય છે. જે પ્રકૃતિ અને પર્યાવરણ બંન્ને વિરોધી છે. આથી જો નવી પેઢી આ વાતને સમજે અને પર્યાવરણને બચાવવા માટે આગળ આવશે તો જ આપણે તેને બચાવી શકીશું. કારણ કે આ યુવાનો જ ભણી-ગણીને કોર્પોરેટ્સ કંપનીઓમાં જઈને નોકરીઓ કરતા હોય છે. આથી તેમનામાં જાગૃતતા લાવવી જરૂરી છે.
અર્બનાઝેશનને લઈને મારા વિચારો ખૂબ જ સ્પષ્ટ છે કે તેમાં વિકાસ એને કહેવામાં આવે છે જેમાં વધારે ખર્ચો થાય છે. જે દેશમાં પાણીનો વધારે ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તે દેશને વિકસિત માની લેવામાં આવે છે. મારું એવું માનવું છે કે વિકાસ એને કહેવામાં આવે છે કે જે ઓછામાં ઓછા સાધનોથી જીવનને સારી રીતે ચલાવી શકે. આથી આપણી જે અર્બન પેટર્ન છે તેને બદલવી પડશે.
અત્યારે જે શિક્ષણ પ્રણાલી છે તે બાળકોને સ્વાર્થી અને લાલચી બનાવે છે. શિક્ષકો અત્યારે મોટામાં મોટું પેકેજ લેવા માગે છે, શાળાઓ તગડી ફીઓ વસૂલવા માગે છે. જે ખરેખર સારા શિક્ષકો છે તેમના મનમાં માત્ર એક જ ધ્યેય હોય છે, બાળકોને ભણાવવા, સારી તાલીમ આપવી અને એક સારા નાગરિક બનાવી સમાજમાં મોકલવા. આજના સમયમાં ખૂબ જ ઓછા શિક્ષકો આ કાર્ય કરી રહ્યા છે. આથી હું એવું માનું છે કે આપણી પ્રાચીન પદ્ધતિઓમાં અપરંપાર જ્ઞાનનો ભંડાર રહેલો છે. આપણા પૂર્વજો આજની દરેક સમસ્યાનું સોલ્યુશન આપણને આપીને જ ગયા છે. બીજી તરફ મોર્ડન ટેક્નોલોજીમાં પણ કેટલીક સારી બાબતો હોય છે. વિદ્યાર્થીઓ માટે જે સારું અને ઉપયોગી છે તે હું તેમને શીખવવાનો છું. હું વિદ્યાર્થીઓ સાથે મારા વિસ્તૃત જ્ઞાન અને અનુભવની આપ-લે કરીશ. જે તેમને વાસ્તવિક વિશ્વના પડકારોના અસરકારક સમાધાન માટે જરૂરી વ્યવહારુ અને સમુદાયલક્ષી ઉપાયો આપશે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)