આ છે ભારતના ટોપ-5 ટાપુઓ…

9

ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ સૂર્યનારાયણ પ્રકોપ બતાવી રહ્યા છે ત્યારે વેકેશનમાં ક્યાંક ઠંડક અને શાંતિવાળી જગ્યાએ ફરવા જવાની ઇચ્છા દરેકને થાય.

તમે આ રીતે વેકેશનમાં ફરવા જઇને પહાડો અને હિલ સ્ટેશનો તો ઘણી વાર જોયા હશે, પણ જો આ વખતે કંઈક અલગ અનુભવ કરવો હોય, તો ભારતના દરિયાકિનારાના ટાપુઓ શ્રેષ્ઠ વિકલ્પ છે. એ જાણી લો કે, ભારત પાસે 1,300થી વધુ ટાપુઓનો વિશાળ ખજાનો છે,

તો આજે વાત કરીએ પ્રવાસન, કુદરતી સુંદરતા અને સુવિધાઓની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવતા ભારતના પાંચ ટાપુઓ વિશે… 

અંડમાન અને નિકોબાર ટાપુ, બંગાળની ખાડી

ભારતની મુખ્ય ભૂમિથી દૂર બંગાળની ખાડીમાં સ્થિત અંડમાન અને નિકોબાર ટાપુઓ આશરે 8,249 ચોરસ કિમીના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે. આ ટાપુ સમૂહ એના સ્વચ્છ દરિયાકિનારા અને પારદર્શક બ્લુ વોટર માટે દુનિયાભરમાં જાણીતો છે. અહીંનું મુખ્ય આકર્ષણ પોર્ટ બ્લેરનું ઐતિહાસિક ‘સેલ્યુલર જેલ’ છે, જે આઝાદીની લડતનો ઈતિહાસ જીવંત કરે છે. આ ઉપરાંત હેવલોક આઈલેન્ડ પર આવેલો ‘રાધાનગર બીચ’ એશિયાના શ્રેષ્ઠ બીચમાં ગણાય છે. અહીં પ્રવાસીઓ માટે સ્કૂબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ અને સમુદ્રના તળિયે ચાલવાનો રોમાંચક અનુભવ ઉપલબ્ધ છે. ઉનાળામાં દરિયાઈ પવનને કારણે અહીંનું વાતાવરણ ખૂબ જ આહલાદક રહે છે.

લક્ષદ્વીપ ટાપુ, અરબી સમુદ્ર

કેરળના દરિયાકાંઠાથી થોડે દૂર અરબી સમુદ્રમાં આવેલો લક્ષદ્વીપ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જેનો કુલ વિસ્તાર માત્ર 32 ચોરસ કિમી છે. આ ટાપુઓ મુખ્યત્વે ‘પરવાળાના દ્વીપ’ તરીકે ઓળખાય છે. સામાન્ય ભાષામાં સમજીએ તો, સમુદ્રમાં રહેતા અત્યંત ઝીણા જીવડાંઓ જ્યારે લાખો વર્ષો સુધી એકબીજા પર પડ જમા કરતા જાય, ત્યારે તેમાંથી પથ્થર જેવી કઠણ રચના બને છે, જે દરિયાની સપાટીથી ઉપર આવતા ટાપુનું સ્વરૂપ લે છે. આ કુદરતી પ્રક્રિયાને કારણે જ અહીંની રેતી એકદમ સફેદ અને પાણી કાચ જેવું ચોખ્ખું હોય છે. અગત્તી, બંગારામ અને કવરત્તી જેવા મુખ્ય ટાપુઓ પર પ્રવાસીઓ માલદીવ જેવો જ લક્ઝરી અનુભવ માણી શકે છે. અહીંનું પાણી એટલું ચોખ્ખું છે કે હોડીમાં બેસીને પણ સમુદ્રના તળિયે રહેલા કોરલ રીફ અને રંગબેરંગી માછલીઓને સ્પષ્ટ જોઈ શકાય છે. ભીડભાડથી દૂર શાંતિ અને જળચર સૃષ્ટિના શોખીનો માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે.

માજુલી ટાપુ,આસામ

જો સમુદ્રના ખારા પાણીને બદલે નદીના મીઠા પાણીના ટાપુનો અનુભવ કરવો હોય, તો આસામનો માજુલી ટાપુ શ્રેષ્ઠ છે. બ્રહ્મપુત્રા નદીની મધ્યમાં આવેલો આ ટાપુ આશરે 352 ચોરસ કિમીમાં ફેલાયેલો છે, એ વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ  છે. માજુલી આસામની સાંસ્કૃતિક રાજધાની ગણાય છે, જ્યાં અનેક ‘સત્રો’ એટલે કે વૈષ્ણવ મઠ આવેલા છે. અહીં પ્રવાસીઓ આસામી કલા, સંગીત અને હસ્તકલાનો અનોખો પરિચય મેળવી શકે છે. ઉનાળામાં જ્યારે અન્ય ભાગોમાં ખૂબ ગરમી હોય, ત્યારે નદીનો ઠંડો પવન અને હરિયાળી પ્રવાસીઓને માનસિક શાંતિ આપે છે. પક્ષીદર્શન અને હસ્તકલાના શોખીનો માટે આ સ્થળ ઉત્તમ છે.

દીવ આઈલેન્ડ

ગુજરાતના દક્ષિણ દરિયાકાંઠે આવેલું દીવ આશરે 40 ચોરસ કિમીના વિસ્તારમાં ફેલાયેલો એક નાનકડો પણ અત્યંત સુંદર ટાપુ છે. લાંબા સમય સુધી પોર્ટુગીઝોનું શાસન રહ્યું હોવાથી અહીંની ઇમારતો અને સંસ્કૃતિમાં યુરોપિયન શૈલીની છાપ સ્પષ્ટ જોવા મળે છે. અહીંનો ‘નાગોઆ બીચ’  એના અર્ધચંદ્રાકાર આકાર અને દુર્લભ ‘હોકા’ વૃક્ષો માટે જાણીતો છે. દીવનો ઐતિહાસિક કિલ્લો, આઈ.એન.એસ. ખુખરી મેમોરિયલ અને પ્રાચીન ચર્ચો ઇતિહાસ પ્રેમીઓ માટે જોવાલાયક સ્થળો છે. આખા ટાપુ પર સાયકલ ભાડે લઈને પણ સફર કરી શકો છો, જે ખૂબ જ રોમાંચક હોય છે. ઓછા બજેટમાં પરિવાર સાથે મજા માણવા માટે દીવ આઈલેન્ડ ઉત્તમ પસંદગી છે.

સેન્ટ મેરીઝ ટાપુ, કર્ણાટક

કર્ણાટકના ઉડુપી (મલ્પ બીચ) પાસે અરબી સમુદ્રમાં આવેલો સેન્ટ મેરીઝ ટાપુ એની વિશિષ્ટ ભૌગોલિક રચનાને કારણે પ્રખ્યાત છે. આ ટાપુની સૌથી મોટી વિશેષતા એના ષટ્કોણ આકારના ‘બેસાલ્ટિક ખડકો’ છે, જે કરોડો વર્ષો પહેલા જ્વાળામુખી ફાટવાથી બનેલા છે. અહીં પહોંચવા માટે મલ્પ બીચ પરથી ફેરી લેવી પડે છે. સફેદ રેતી અને વાદળી પાણી વચ્ચે ઉભા રહેલા આ કાળા પથ્થરના સ્તંભો એક અદભૂત નજારો ઉભો કરે છે. કુદરતની આ અજાયબી અને શાંત વાતાવરણને કારણે આ ટાપુ ફોટોગ્રાફીના શોખીનો અને પર્યટકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

હેતલ રાવ