આજે સિંહ દિવસ: જાણો, જંગલના રાજા વિશે…

દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થાય છે. જે સિંહોની ઘટતી જતી વસ્તી અને એમના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો આ પ્રયાસ છે. આ દિવસ વૈશ્વિક સ્તરે સિંહોની નાજુક સ્થિતિ અને એમના નિવાસસ્થાનને બચાવવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ભારતના ગીર જંગલના એશિયાઇ સિંહોથી લઈને આફ્રિકાના વિશાળ સવાનાના શક્તિશાળી સિંહો સુધી, આ રાજવી પ્રાણી પ્રકૃતિની શોભા વધારે છે. વિશ્વ સિંહ દિવસે જાણીએ એમના વિશે કેટલીક રસપ્રદ વાતો.

વિશ્વ સિંહ દિવસનો ઇતિહાસ

વિશ્વ સિંહ દિવસ  દર વર્ષે 10 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના વર્ષ 2013માં થઈ હતી, જેના પાછળ મુખ્ય હસ્તીઓ તરીકે ડેરેક અને બેવર્લી જોબર્ટને ઓળખવામાં આવે છે. જે જાણીતા વન્યજીવન ફિલ્મમેકર અને સંશોધક છે. વર્ષ 2009માં ‘બિગ કેટ ઇનિશિયેટિવ’ નામની મહત્તવપૂર્ણ પહેલ શરૂ કરી હતી. દુનિયામાં સતત ઘટતી સિંહોની સંખ્યા અને એમની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને, એમણે સિંહોના સંરક્ષણ માટે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનું મિશન હાથ ધર્યું. એમના આ પ્રયાસોને નેશનલ જિયોગ્રાફિકનું સમર્થન મળ્યું. બાદમાં વિશ્વના સૌથી મોટા બિલાડીવર્ગના પશુઓના અભ્યારણ્ય, બિગ કેટ રેસ્ક્યૂના સહયોગથી ‘વિશ્વ સિંહ દિવસ’ની શરૂઆત થઈ.

ગેરકાયદેસર વન્યજીવનો વેપાર, જંગલોનું નુકસાન અને માનવો સાથેના સંઘર્ષને કારણે વિશ્વમાં સિંહોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. વર્તમાન સમયમાં સિંહની સંખ્યા માત્ર 20,000થી 39,000ની આસપાસ છે. આજથી સો વર્ષ એટલ કે એક સદી પહેલાં આફ્રિકા અને એશિયામાં 2 લાખથી વધુ સિંહો હતા, પરંતુ આજે એમની વસ્તી લગભગ 95% ઘટી ગઈ છે. આ ગંભીર સ્થિતિને રોકવા અને સિંહોના રક્ષણ માટે જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ ઉજવાય છે, જે સિંહોના નિવાસસ્થાનને બચાવવા અને એમની સંખ્યા વધારવા પ્રેરણા આપે છે.

સિંહની પ્રજાતિ અને એમનો વસવાટ

સિંહની એક જ પ્રજાતિ છે, પેન્થેરા લીઓ. પણ એની બે મુખ્ય ઉપજાતિઓ છે, એક પેન્થેરા લીઓ લીઓ અને બીજી પેન્થેરા લીઓ મેલાનોકાઇટા. પેન્થેરા લીઓ લીઓમાં એશિયાઈ સિંહો, ઉત્તર, પશ્ચિમ તથા મધ્ય આફ્રિકાના સિંહોનો સમાવેશ થાય છે. એશિયાઈ સિંહોની મેન (વાળ) ઓછા ગાઢ હોય છે. તેઓ ફક્ત ભારતના ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યમાં વસે છે. જેની સંખ્યા 891 છે. પશ્ચિમ આફ્રિકામાં આ ઉપજાતિની વસ્તી લગભગ 400 છે. તે નિઓકોલો-કોબા નેશનલ પાર્ક સેનેગલમાં તથા પેન્ડજારી નેશનલ પાર્ક બેનિનમાં જોવા મળે છે. જયારે પેન્થેરા લીઓ મેલાનોકાઇટા ઉપજાતિ પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં વસે છે. જેમની મેન ગાઢ અને શરીરનું કદ મોટું હોય છે. સેરેન્ગેટી નેશનલ પાર્ક અને તાન્ઝાનિયામાં લગભગ 14500 સિંહ છે. જયારે મસાઇ મારા નેશનલ રિઝર્વ કેન્યામાં અને ક્રુગર નેશનલ પાર્ક દક્ષિણ આફ્રિકામાં લગભગ 1600 થી 2000 સિંહોની સંખ્યામાં છે.

સિંહ, જેને “જંગલના રાજા” તરીકે ઓળખવામાં આવે છે, એક ભવ્ય અને શક્તિશાળી પ્રાણી છે.

કદ અને વજન

નર સિંહની શરીરની લંબાઈ 1.8 થી 2.1 મીટર (6 થી 7 ફૂટ) હોય છે, જ્યારે પૂંછડી સાથે કુલ લંબાઈ 2.7 થી 3.3 મીટર હોઈ શકે છે. એમનું વજન 160 થી 230 કિલોગ્રામ હોય છે. સિંહણનું શરીર નર કરતાં 0.3 થી 0.6 મીટર નાનું હોય છે, એટલે કે 1.5 થી 1.8 મીટર,  એમનું વજન 118થી 180 કિલોગ્રામ હોય છે.

આયુષ્ય

જંગલમાં સિંહોનું આયુષ્ય 10થી 16 વર્ષ હોય છે. નર સિંહ 5 થી 10 વર્ષ જીવે છે, કારણ કે તેઓ પ્રદેશની લડાઈઓમાં વધુ જોખમનો સામનો કરે છે. જ્યારે સિંહણો 8 થી 14 વર્ષ જીવે છે. બંધિયાર સ્થિતિમાં, યોગ્ય સંભાળ સાથે, સિંહો 20 વર્ષથી વધુ જીવી શકે છે.

સામાજિક જીવન

સિંહ સામાજિક પ્રાણીઓ છે. એ પ્રાઇડ તરીકે ઓળખાતા જૂથોમાં રહે છે. જેમાં 2 થી 40 સભ્યો હોઈ શકે છે. આ પ્રાઇડમાં સિંહણો, બચ્ચાં અને થોડા નર સિંહો હોય છે, જે શિકાર અને રક્ષણ માટે એકજૂટ રહે છે.

ગર્જના

સિંહની ગર્જના ખૂબ શક્તિશાળી હોય છે, જે 8 કિલોમીટર દૂર સુધી સંભળાય છે. આ ગર્જના પ્રદેશ ચિહ્નિત કરવા અને પ્રાઇડના સભ્યો સાથે સંનાદેશ માટે વપરાય છે.

સાંભળવાની ક્ષમતા

સિંહોની સાંભળવાની ક્ષમતા અત્યંત તીવ્ર હોય છે, જે એમને શિકાર શોધવામાં અને જોખમથી બચવામાં મદદ કરે છે.

દૈનિક ચક્ર

સિંહ દિવસનો મોટાભાગનો સમય, લગભગ 20 કલાક, આરામ કરવામાં કે ઊંઘવામાં વિતાવે છે. તેઓ 2 થી 3 કલાક શિકાર કરવામાં અને આશરે 1 કલાક ખોરાક ખાવામાં ગાળે છે. આ શિકારની પ્રવૃત્તિ મુખ્યત્વે રાત્રિના સમયે અથવા સંધ્યાકાળ દરમિયાન થાય છે, જ્યારે શિકારની દૃશ્યતા ઓછી હોય અને સિંહ સરળતાથી શિકાર કરી શકે.

સાંસ્કૃતિક મહત્વ

ભારતના રાષ્ટ્રીય પ્રતીક, અશોક સ્તંભ, પર ચાર સિંહોનું ચિત્રણ છે, જે શક્તિ અને નેતૃત્વનું પ્રતીક છે.

બિલાડી પરિવાર

સિંહ બિલાડી પરિવાર (ફેલિડે)ના સભ્ય છે. એમનું મજબૂત શરીર, શક્તિશાળી બાંધો અને મોટું કદ એમને બિગ કેટ તરીકે ઓળખ આપે છે, જેમાં વાઘ, ચીતો અને લેપર્ડ જેવા અન્ય મોટા પ્રાણીઓ પણ સામેલ છે.

નર અને માદા વચ્ચેનો તફાવત

નર સિંહની ગરદન પર ગાઢ મેન એટલે કે વાળ હોય છે, જે એમની ઓળખ છે, જ્યારે સિંહણની ગરદન પર આવા વાળ હોતા નથી.

સફેદ સિંહ

સફેદ સિંહ, મુખ્યત્વે દક્ષિણ આફ્રિકાના ટિમ્બાવતી અને ક્રુગર નેશનલ પાર્કમાં જોવા મળે છે. એમનો સફેદ રંગ લ્યુસિઝમ નામના જનીનને કારણે છે.  જે એમને સોનેરી-સફેદ દેખાવ આપે છે, પરંતુ તેઓ એલ્બિનો નથી. એમની આંખો નીલી-લીલી કે સોનેરી હોય છે. સફેદ સિંહોની શિકાર ક્ષમતા અને વર્તન સામાન્ય સિંહો જેવું જ છ. અલબત્ત તેઓ સ્થાનિક સમુદાયોમાં પવિત્ર ગણાય છે. જંગલમાં એમની વસ્તી માત્ર 13 થી 15 છે, જ્યારે બંધિયાર સ્થિતિમાં (ઝૂ અને અભયારણ્યોમાં) લગભગ 300 સફેદ સિંહ છે. ગેરકાયદે શિકાર, આવાસ નુકસાન અને ઇનબ્રીડિંગ એમના માટે મુખ્ય જોખમો છે. જો કે ગ્લોબલ વ્હાઇટ લાયન પ્રોટેક્શન ટ્રસ્ટ એમના સંરક્ષણ માટે કામ કરે છે.

હેતલ રાવ