ચોમાસાની શરૂઆત થતા જ વાતાવરણમ અદભુત અને સૌથી આહલાદક લાગે છે. પરંતુ જ્યારે વરસાદ હદથી વધારે પડે ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
મૌસિનરામ(મેઘાલય)
આ લીસ્ટમાં સૌથી મોખરે છે મેઘાલયનું મૌસિનરામ. ભારતમાં સૌથી વધુ વરસાદ માટે મેઘાલય જાણીતું છે. મેઘાલયમાં પૂર્વના પર્વતીય વિસ્તારમાં મૌસિનરામ વિસ્તાર આવેલો છે. જ્યાં બસ એક ગામ જેટલી જ જગ્યા છે. મેઘાલયની રાજધાની શિલોંગથી 65 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં 11872 મીમી એટલે કે 467 ઇંચ વાર્ષિક વરસાદ પડે છે. આ દુનિયાની સૌથી વધારે ભેજવાળી જગ્યાને માટે જાણીતી છે. એનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. મૌસિનરામમાં ઈ.સ. 1985માં સૌથી વધુ 26000 મીમી એટલે કે 1000 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદ દુનિયાના સૌથી વધુ વરસાદ તરીકે નોધાયો હતો.
ચેરાપુંજી (મેઘાલય)
માસિનરામ પછી ચેરાપુંજી મેઘાલયનો બીજો એવો વિસ્તાર છે જ્યાં દેશનો સૌથી વધુ વરસાદ નોંધાય છે. ચેરાપુંજીમાં દર વર્ષે 11619 મીમી જેટલો વાર્ષિક વરસાદ પડે છે. અહીં વધારે વરસાદ પડવાનું મુખ્ય કારણ ત્યાની હરિયાળી અને પહાડી વિસ્તાર છે. આ વિસ્તારમાં જુલાઈ 1861માં 366 ઇંચ વરસાદ નોધાયો હતો. ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ અત્યાર સુધીમાં 1 ઓગસ્ટ 1860 થી 31 જુલાઈ 1861ના એક વર્ષમાં 26461 મીમી એટલે કે 1042 ઇંચ વરસાદ નોધાયો હતો. આ વરસાદ પર થયેલા એક રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે આ વરસાદ દુનિયામાં સૌથી વધુ વરસાદ ગણી શકાય. કારણ કે આટલો વરસાદ એ સમય પહેલા ક્યારેય પડ્યો ન હતો.
અગુમ્બે(કર્ણાટક)
આ ગામ કર્ણાટક રાજ્યના શિમોગા જીલ્લામાં આવેલું છે. જેને દક્ષિણ ભારતનું ચેરાપુંજી માનવામાં આવે છે. ભારે વરસાદને કારણે ગામની આસપાસ વનસ્પતિઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેનો ઉપયોગ દવા માટે કરવામાં આવે છે. અહી દર વર્ષે 7691 મીમી વરસાદ નોધાય છે. આ વિસ્તારમાં નાના મોટા અનેક ધોધ પણ જોવા મળે છે. અહી દર વર્ષે ફક્ત જુલાઈ માસમાં જ 50 ઇંચ જેટલો વરસાદ પડે છે.
મહાબળેશ્વર(મહારાષ્ટ્ર)
મહાબળેશ્વરનું નામ પડતા જ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું હિલ સ્ટેશન આંખો સામે તરવળે છે. પરંતુ સુંદરતાની સાથે આ આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પણ પડે છે. લોકો ચોમાસાની મોસમ માણવા માટે આ સ્થળ પર વધુ આવે છે. મહાબળેશ્વર પર દર વર્ષે 5618 મીમી વરસાદ ખાબકે છે. આ વિસ્તાર આખો જંગલથી ઘેરાયેલો છે. વધુ વરસાદને કારણે આ વિસ્તારમાં હરિયાળી એટલી છવાઈ જાય છે કે અમુક જગ્યાએ તો બારેમાસ નવી નવી વનસ્પતિ ઉગે છે.
પાસીઘાટ(અરુણાચલ પ્રદેશ)
ભારતમાં સૂર્યનું પહેલું કિરણ અરુણાચલ પ્રદેશમાં પડે છે એટલા માટે જ એને ઉગતા સૂર્યનો દેશ પણ કહેવામાં આવે છે. પણ આ રાજ્યની બીજી ઓળખ છે વધુ વરસાદ. જી હા, આ રાજ્યમાં દર વર્ષે 4388 મીમી વરસાદ નોધાય છે. અહી પણ સૌથી વધુ વરસાદ જુલાઈ માસમાં 42 ઇંચ જેટલો પડે છે.
ગંગકોટ(સિક્કિમ)
ગંગકોટ સિક્કીમની આંખનું નૂર માનવામાં આવે છે. વરસાદની વાત કરીએ તો આ વિસ્તારનો વરસાદ મેઘાલય બાદ સૌથી વધુ વરસાદ પડે છે. ગંગકોટમાં દર વર્ષે સરેરાશ 3737 મીમી વરસાદ પડે છે. જે આખા સીક્કીમમાંથી સૌથી વધુ વરસાદ ધરાવતું સ્થળ છે. ભારે વરસાદને કારણે આ વિસ્તારનો બાન ઝાકરી ધોધ ચોમાસામાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
મેંગલોર(કર્ણાટક)
અરબી સમુદ્રની હદ જ્યાં પૂરી થાય છે ત્યાંથી જ એક શહેર મેંગલોર શરૂ થાય છે. મેંગલોર એક એવું શહેર છે કે જ્યાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ પડે છે. અહી દર વર્ષે 3620 મીમી વરસાદ પડે છે. આ શહેરમાં દક્ષિણ અને પશ્ચિમ બંને ભાગમાંથી વરસાદનો પ્રભાવ રહે છે. અહી વર્ષ 1994માં 200 ઇંચ વરસાદ નોધાયો હતો જે આજ સુધીનો આખા કર્ણાટકનો સૌથી વધુ વરસાદ છે.
કૂચ બિહાર(પશ્ચિમ બંગાળ)
પશ્ચિમ બંગાળનું નામ આવે એટલે મદન મોહન મંદિર યાદ આવે. આ મંદિર જ્યાં આવેલું છે એ કૂચ બિહાર વિસ્તાર એટલે બંગાળનો એવો વિસ્તાર જ્યાં વરસાદનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. અહીં દર વર્ષે 3450 મીમી વરસાદ પડે છે. જે વિસ્તારમાં વરસાદ પડે છે એ બારેમાસ લીલી વનસ્પતિથી ઘેરાયેલો જ રહે છે.
કણ્ણૂર(કેરળ)
આખા કેરલમાં જે વરસાદ નોધાય છે તેનો 60 ટકા વરસાદ એકલા કણ્ણૂરમાં પડે છે. કેરળનો આ વિસ્તાર એવો છે કે જ્યાં 3306 મીમી જેટલો વરસાદ દર વર્ષે નોધાય છે. આ વિસ્તાર આમ તો ઉદ્યોગો માટે જાણીતું છે પણ અહી વરસાદ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સહેલાણીઓ માટે કેરળએ ફરવા માટેનું મનપસંદ સ્થળ પણ છે.
કોઝીકોડ(કેરળ)
કણ્ણૂર બાદ સૌથી વધારે વરસાદ પડતો હોય એવું શહેર એટલે કેરળનું જ કોઝીકોડ છે. આખા કેરળમાં આ શહેર બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. અહી દર વર્ષે 3083 મીમી વરસાદ પડે છે. આ વિસ્તારમાં વરસાદ પડવાનું મુખ્ય એક કારણ એ પણ છે કે આખું શહેર દરિયાની નજીક આવેલું છે. નોંધનીય છે કે ઓક્ટોબર 2023 માં, કોઝિકોડને ‘યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક’ (UCCN) ની ‘સાહિત્ય’ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
આ છે ગુજરાતનું ચેરાપુંજી…
વરસાદની મોસમ હોય અને ગુજરાતીઓ ફરવા ન જાય એવુ તો બને જ કઇ રીતે. ભારતમાં જેમ સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં પડતો હતો, જો કે છેલ્લા વર્ષથી એ રેકોર્ડ મેઘાલયના માસિનરામના નામે છે. પરંતુ અહીં તો વાત કરીએ ગુજરાતના ચેરાપુંજીની. તો રાજ્યમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં પડતો હતો. પરંતુ હાલમાં ગુજરાતનું ચેરાપૂંજી વલસાડનો કપરાડા તાલુકો ગણી શકાય છે. આ તાલુકામાં અત્યાર સુધીમાં સરેરાશ 117.40 ઈંચ વરસાદ નોંધાયો છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ ઉપરાંત ડાંગની તુલના પણ એની નયનરમ્ય પ્રાકૃતિક નજારાઓના કારણે ‘ગુજરાતના ચેરાપુંજી’ તરીકે થાય છે. શિયાળા અને ચોમાસામાં હિલ સ્ટેશનની અનુભૂતિ કરાવતા ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભરપૂર વરસાદ પડતો હોય છે. ડાંગ જિલ્લામાં સૌથી વધુ 93.68 ઈંચ વરસાદ પડ્યો છે. આ બંને સ્થળ સહેલાણીઓ માટે માત્ર ચોમાસામાં જ નહીં પરંતુ બારે મહિના હોટ ફેવરીટ છે. |
હેતલ રાવ