માધુપુરાના આ મંદિરમાં માતાજી બિરાજે…

અમદાવાદ શહેરમાં દિલ્હી દરવાજાથી શાહીબાગ તરફ જતા રસ્તે માધુપુરાનું  વિશાળ માર્કેટ આવેલું છે. અહીં દરરોજ હજારો કિલો  સૂકામેવા, મરી મસાલા, અનાજ, ખાંડ-ગોળ, તેલ અને જીવન જરૂરી ચીજવસ્તુઓની લે-વેચ થાય છે.

શહેરની મધ્યમાં આવેલા આ  વિસ્તારના આસ્થાળુ વેપારીઓ દરરોજ આવીને પેઢીનું શટર ખોલે એ પહેલાં અહીં આવેલા શ્રી અંબાજી માતાના દર્શન કરીને જ આગળ વધે. આ મંદિરની સ્થાપના આશરે 200 વર્ષ પહેલાં થઇ હોય એવું માનવામાં આવે છે.

શાસ્ત્રી નિરવ ભટ્ટે આપેલી માહિતી અનુસાર એમની આગળની પેઢીના નરભેરામ ભટ્ટે આ મંદિર સ્થાપવામાં ભારે જહેમત ઉઠાવી હતી. નરભેરામ ભટ્ટ મૂળ કપડવંજના ઘીના વેપારી હતા. જયપુરના શિલ્પકાર પાસે તૈયાર કરેલી મૂર્તિ લઇને એ માધુપુરામાં આવ્યા. માતાજીની આ અદ્ભૂત મૂર્તિ લાવી તો દીધી, પરંતુ એની સ્થાપના કરવા માટે જગ્યા નહોતી.

મૂર્તિની સ્થાપના માટે નરભેરામે  ખૂબ જ પરિશ્રમ કર્યો. છેવટે કોટ વિસ્તારની બહારના ગામ ગણાતા માધુપુરામાં સ્થાનિક રહેવાસીઓની મદદથી મૂર્તિની સ્થાપના થઈ. વેપારી વિસ્તારમાં વચ્ચે જ સુંદર મંદિરનું નિર્માણ થયું. નવરાત્રિના દિવસોમાં અહીં શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડે છે.

આ મંદિરને શક્તિપીઠ માનવામાં આવે છે. નવરાત્રિમાં માતાજીને જુદા જુદા સ્વરૂપથી શણગારવામાં આવે છે. અમદાવાદના ભરચક વિસ્તારમાં આવેલા આ મંદિરની મૂર્તિનું સ્વરૂપ વિશિષ્ટ છે, જેના દર્શન માટે લાંબી કતારો લાગે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)