‘રબર ગર્લ ઓફ ઈન્ડિયા’ની મુસાફરીમાં પરિવારનું યોગદાન મહત્વનું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે પરેડ જોવા માટે એવાં લોકોને આમંત્રણ મોકલ્યું હતું, જેનો ઉલ્લેખ એમણે ક્યારેકને ક્યારેક પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં કર્યો હતો. એમાંની એક એટલે ‘રબર ગર્લ’ તરીકે જાણીતી અન્વી ઝાંઝરૂકિયા. તો અમને આ વખતે થયું કે અમારા ‘દીવાદાંડી’ વિભાગમાં કેમ ન અન્વી વિશે વાત કરીએ? અત્યારે આખા ભારતમાં અન્વી એકમાત્ર એવી વ્યક્તિ છે જેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હોય, પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર મળ્યો હોય અને ગુજરાત ગરિમા એવોર્ડ પણ મળ્યો હોય.

 

અત્યારે ઝાંઝરૂકિયા પરિવાર ખૂબ જ ખુશ હતો. કારણ કે જીવનભર યાદગાર ગણાવી શકાય તેવી તક તેમને બીજી વખત પ્રાપ્ત થઈ છે. પ્રથમ વખત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્વીને મળવા માટે બોલાવી હતી તે અને બીજી વખત હવે તેને પ્રજાસત્તાક પર્વ પર ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે તે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલાં 2022માં દિવ્યાંગ અન્વીનાં સંઘર્ષ અને સફળતાની કહાનીનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી અન્વીના જીવનમાં ઘણા મોટાં અને સારા બદલાવ આવ્યાં છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી 16 વર્ષની અન્વી જન્મથી જ દિવ્યાંગ છે અને તે આજે દિવ્યાંગ હોવા છતાં વિશ્વ ફલક ઉપર છવાઈ રહી છે. પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક યોગને તેણે પોતાના જીવનમાં ઉતાર્યો છે. દિવ્યાંગ હોવા છતાં અન્વી સમગ્ર દેશમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ યોગા કરી રહી છે. તેનાં અંગ રબરની જેમ વાળીને સર્વ શ્રેષ્ઠ યોગા કરી રહી છે. જે અંગેની જાણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને થતાં તેમણે અન્વીને પ્રોત્સાહન આપ્યું.

ઝાંઝરુકિયા પરિવારમાં 2008માં અન્વીનો જન્મ થયો. અન્વીનાં પિતા વિજય ઝાંઝરુકિયાએ આ વિશે જણાવ્યું હતું, “2 જૂન 2008ના રોજ અન્વીનો જન્મ થયો. ત્યારે જ અમને તે જન્મથી જ દિવ્યાંગ હોવાની ખબર પડી હતી. એ સમયે તો ડોક્ટર્સે જે શબ્દો અન્વીની બીમારી વિશે કહ્યા તે સાંભળીને પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે જીવનમાં આ બધાં શબ્દો જ પ્રથમ વખત સાંભળ્યા હતા.”

વધુમાં વિજયભાઈએ જણાવ્યું કે, “ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે, મારું બાળક આ રીતે દિવ્યાંગ જન્મશે. ધીમે-ધીમે ડોક્ટર્સની મદદથી આ વાતનો સ્વીકાર કર્યો અને હવે આગળ શું કરવું તે વિચાર્યું. અન્વીને આંતરડાંની તકલીફ છે. 75% મોટું આંતરડું કામ કરતું નથી, જેને હર્ષસ્પૃગ ડિસીઝ કહે છે. જેનો કોઈ ઈલાજ નથી. જેને લઇ તેને ગેસ વધુ રહે છે અને વારંવાર ટોઇલેટ જવું પડે છે. ઉપરાંત જન્મથી જ ડાઉન સિન્ડ્રોમ્સ છે એટલે કે તેનો માનસિક અને શારીરિક વિકાસ ધીમો છે. જન્મથી જ હૃદયમાં બે હોલ આવ્યાં છે. જેમાં અન્વી ત્રણ માસની હતી ત્યારે ઓપન હાર્ટ સર્જરી પણ કરાવી છે. અને હજુ એક વાલ્વ લીકેજ છે જેનું ઓપરેશન કરાવવું પડે તેમ છે. આ વાલ્વ ડેમેજ થાય ત્યારે ફરી ઓપન હાર્ટ સર્જરી કરી બદલવો પડશે તેવું ડોક્ટરે જણાવ્યું છે. આટલી તકલીફ હોવા છતાં અન્વી યોગનાં તમામ આસનો એકદમ ઉત્તમ રીતે કરે છે, અને શરીરનાં તમામ અંગો રબરની જેમ વાળી શકે છે.”

અન્વીની યોગ વિશે મુસાફરી કેવી રીતે શરૂ થઈ તે વિશે માતા અવનીબેન જણાવે છે કે, “અન્વી નાની હતી અને સ્પેશિયલ ચાઈલ્ડ હતી એટલે  કોઈના કોઈ પ્રવૃત્તિમાં અમારે તેને વાળવી હતી. આવા બાળકો સંગીતમાં ખૂબ સારા હોય છે એવું અમને લાગતા અમે એને ગીત-સંગીતની તાલીમ અપાવી. એમાં એને મજા ન અવાતા અમે એને ડ્રોઇંગ ક્લાસમાં પણ લઈ ગયા. અમારો હંમેશાથી પ્રયાસ રહેતો કે તે કોઈના કોઈ આર્ટ તરફ વળે, પ્રવૃત્ત રહે અને એનો વિકાસ પણ થાય. જો કે જ્યાં પણ કોઈ બીજી વ્યક્તિ સાથે વાતચીત કરવાની થતી ત્યાં અન્વી પાછી પડી જાય. આગળ વધે જ નહીં. પછી એક દિવસ એવું થયું કે અન્વી સૂતી હતી તે મુદ્રા જોઈને મને થયું કે એને કેમ ન યોગ ટ્રેનિંગમાં મોકલાય. અન્વીને જે પેટની બીમારી છે તેનાં કારણે તેને ગેસ ખૂબ જ થાય. આથી જ્યાં સુધી તે ઉંધી ન ઊંઘે ત્યાં સુધી તેને ઊંઘ આવે નહીં. એમાં પણ એ પોતાના પગ માથે રાખીને ઊંઘે, જાણે કે દેડકો. એના શરીરમાં ફ્લેક્સિબિલિટી ખૂબ છે. આથી અમે તેને યોગાભ્યાસ તરફ વાળવાનું વિચાર્યું અને પછી 12 વર્ષની ઉંમરમાં શરૂ થઈ અન્વીની મનગમતી મુસાફરી.”

અન્વીના પિતા વિજયભાઈનું કહેવું છે, “જ્યારે અમે 2022માં વડાપ્રધાન શ્રીને મળ્યા ત્યારે તેમણે અમને એક હોમવર્ક આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હવે આ દીકરીને ઘરમાં રાખવાની નથી. તમે એને ઘરની બહાર વધુ કાઢો અને તમારે તેને એક રોલ મોડલ તરીકે લોકો સમક્ષ લઈ જવાની છે. તેને બીજા દિવ્યાંગ અને સામાન્ય લોકો માટે પણ એક ઉદાહરણ બનાવો. જેને જોઈને બીજા લોકો પણ જીવનમાં કંઈક કરવા માટે પ્રેરણા લે. ખાસ કરીને યોગને પોતાના જીવનમાં સામેલ કરવા માટે પ્રેરાય. ત્યાર બાદ અમે લોકોએ ‘કરો યોગ, રહો નિરોગ’ નામની એક ચળવળ શરૂ કરી છે. જેનાં અંતર્ગત અમે જેટલાં પણ સામાજિક મેળવડા હોય, શાળા-કોલેજના કાર્યક્રમો હોય કે બીજા કોઈપણ કાર્યક્રમ હોય કે જેમાં અમને આમંત્રણ મળે તેમાં અમે લોકો અન્વીને લઈને જઈએ છીએ. આ કાર્યક્રમમાં તેનું એક યોગ પર્ફોમન્સ હોય છે. ત્યાર બાદ અમે એક પ્રઝન્ટેશન જેવું રાખીએ છીએ. જેમાં લોકોને કહીએ છીએ કે આ છોકરી જો આટલી બધી તકલીફો છતાં જીવનમાં આગળ વધીને અનેક અચીવમેન્ટ્સ હાંસલ કરી છે તો, તમારે પણ તમારા જીવનમાં મહેતન કરીને આગળ આવવું જોઈએ.

અન્વીની આ મુસાફરીમાં માતા-પિતાની સાથે-સાથે તેના પરિવારના અન્ય સભ્યોનો પણ ખૂબ જ મોટો ફાળો છે. અન્વી જ્યારે એક વર્ષની હતી ત્યારે જ તેના ડોક્ટર્સે વિજયભાઈ અને અવનીબેનને સલાહ આપી કે, જો ઘરમાં બીજું બાળક હશે તો અન્વી માટે જીવવની સફર, શીખવાની સફર થોડીક સરળ બની જશે. આથી અન્વીના જન્મના બે વર્ષ બાદ જન્મ થયો ભાઈ સ્પર્શનો. જે અત્યારે પણ અન્વીના ખભેથી ખભો મેળવીને તેની સાથે હોય છે. બંન્ને એક જ શાળામાં ભણવા માટે જાય છે. અન્વી સામાન્ય બાળકોની સાથે જ શાળામાં અભ્યાસ કરે છે. ‘સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ’ શાળામાં અન્વી પ્રથમ બાળક હતી કે જે સામાન્ય બાળકો સાથે અભ્યાસ કરતી હતી. અત્યારે તેની શાળામાં 61 દિવ્યાંગ બાળકો સામાન્ય બાળકો સાથે અભ્યાસ કરી રહ્યા છે. ભાઈને નાનપણથી જ સમજણ આપવામાં આવી છે કે અન્વી સ્પેશિયલ ચાઇલ્ડ એટલે તેનું વધુ ધ્યાન રાખવાનું છે. અત્યારે ઘણીવાર એવું થાય કે અન્વી શું કહેવા માગે છે તે માતા-પિતાને ન સમજાય પરંતુ સ્પર્શ તે વાતને સારી રીતે સમજી જાય છે.

અન્વીના દિવ્યાંગમાંથી દિવ્ય બનવાની આ મુસાફરીમાં તેના માતા-પિતા, ભાઈ, દાદા-દાદી સમગ્ર પરિવાર, યોગ કોચ નમ્રતા વર્મા તેના પિડયાટ્રિક ડોક્ટર મેહુલ ગોસાઈનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. ખાસ કરીને માતા અવનીબેનનો. અન્વી અત્યારે 8 જેટલાં વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે ધરાવે છે. આ સિવાય તે 200 કરતાં વધુ યોગાસન કરી શકે છે. 10 કરતાં વધુ પુસ્તકોમાં અન્વી વિશે વાત કરવામાં આવી છે. અન્વીએ લગભગ સાત લાખ કરતાં વધુ લોકો સમક્ષ યોગને રજૂ કર્યા છે. એમાંથી સાડા ત્રણ લાખ કરતાં વધુ લોકોએ પોતાના રોજિંદા જીવનમાં યોગને અપનાવવાના શપથ કર્યાં છે. માત્ર 16 વર્ષની ઉંમરે એક સ્પેશિયલ ચાઇલ્ડ હોવા છતાં અન્વીએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેના માટે તેને અને તેનાં માતા-પિતા બંન્નેને ધન્યવાદ.

(રાધિકા રાઓલ – અમદાવાદ)