ઐતિહાસિક અમદાવાદમાં ડચ પ્રજાની યાદગીરી

અમદાવાદમાં ઐતિહાસિક કાંકરિયા તળાવ પાસે એક અનોખું, નવાઇ પમાડે એવું સ્થાપત્ય જોવા મળે છે. હકીકતમાં એ ભારતમાં અંદાજે ચારસો વર્ષ કરતાં પણ વધારે સમય પહેલાં વેપાર માટે આવેલા હોલેન્ડ-નેધરલેન્ડના ડચ વેપારીઓની કબરો છે. ભારતના મોટાભાગના પ્રાંતમાં અંગ્રેજો અને મોગલોના સામ્રાજ્ય વખતના સ્થાપત્યો જોવા મળે છે, પણ ડચ વેપારીઓનું આ સ્થાપત્ય વિશેષ છે.

સત્તરમી-અઢારમી સદીમાં હૉલેન્ડના ડચ વેપારીઓ ગુજરાતમાં સુરત સુધી સુતરાઉ કાપડ, સુતર અને ગળીનો વેપાર કરવા આવતા. આ વેપારીઓ સુરત, ભરૂચ અને અમદાવાદમાં સ્થાયી થયેલા. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં વન્-ટ્રી હિલ ગાર્ડનમાં આવેલી ડચ લોકોની કબરો એની સાખ પૂરે છે. લગભગ સાડા ચારસો વર્ષ જૂની આ કબરો વિશે નવી પેઢીને કદાચ ખબર ય નહીં હોય.

૧૯૭૨માં આ સ્થળને યુનેસ્કો તરફથી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. ભારતીય અને ડચ સ્થાપત્ય શૈલીના સુંદર મિશ્રણ સમી આ કબરોમાં ઘુમ્મટ સ્તંભો અને ત્રિકોણાકાર મિનારાઓનો ઉપયોગ થયો છે. અમુક કબરો પર ક્રોસના ચિહ્નો અને ડચ-લેટિન લખાણ નજરે પડે છે. અમદાવાદમાં ઇંગ્લિશ કંપની એસ્ટાબ્લિશ કરનાર ઍલ્ડવર્થની કબર પણ અહીંજ છે. એક આર્મેનિયન કબર પર સન ૧૧૭૭ (એટલે કે ઇ.સ. ૧૬૨૮-૨૯)નો ઉલ્લેખ છે.

કબ્રસ્તાન હોવા છતાંયે આ સ્થળ સુંદર અને શાંત છે. ૨૦૦૧માં આવેલાં ભૂકંપમાં આ કબરો પણ ક્ષતિગ્રસ્ત થઇ હતી. આ ઐતિહાસિક સાઇટની જાળવણી કરવા માટે ઇન્ડો-ડચ બિઝનેસ સર્કલ અને નેધરલેન્ડ ઍમ્બેસીએ ૨૦૧૧ માં કરાર કર્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)