ઇતિહાસ ભૂગોળ ધર્મથી ભરપૂર ભૂમિ શામળાજી

ગુજરાત રાજસ્થાનની સીમાને અડીને આવેલું શામળાજી એક પ્રાચીન ભારતીય યાત્રાધામ અને સાંસ્કૃતિક કેન્દ્ર છે.  સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્ર્વો નદીના કાંઠાનું આ ધામ, પ્રાચીન કાળમાં  હરિશ્ર્ચંદ્રપુરી, રુદ્રગયા, ગદાધર-ક્ષેત્ર વગેરે નામે ઓળખાતું. અહીંથી બૌદ્ધ સ્તૂપ, વિહાર, શૈવમંદિરો તેમજ વૈષ્ણવ મંદિરો તથા શિલ્પો પણ મળેલા છે.

મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત વિષ્ણુની પ્રતિમા ત્રિવિક્રમ સ્વરૂપની શ્યામ રંગની છે. આ મંદિરનું બાંધકામ સોળમી સદીની આસપાસ થયું હોવાનું અનુમાન છે. પંદરમી સદી પછી ગુજરાતમાં બંધાયેલાં મંદિરોમાં આ એક સર્વોત્તમ મંદિર છે. ઉત્તર બાજુએ મંદિરના મુખ્ય દ્વારની સામે બલાણક એટલે કે પ્રવેશદ્વાર છે. જ્યારે બહારની બાજુએ બે વિશાળ કદના હાથીઓનાં શિલ્પો કંડારેલાં છે. મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને શૃંગાર-ચોકીઓ આવેલી છે. મંદિર જે મહાપીઠ પર ઊભું છે એ ગજથર અને નરથર વગેરે થરો વડે અલંકૃત છે. મંડપની અંદરની છતને પણ સુંદર થરોથી સજાવવામાં આવી છે. છતને ફરતા 16 ટેકાઓ નૃત્યાંગનાઓના આકારે મૂકવામાં આવ્યા છે. મધ્યમાં કૃષ્ણની મૂર્તિ છે. મંદિરને  ભૂમિતિની, ફૂલવેલ, પ્રાણીઓ, માનવોની આકૃતિઓ ઉપરાંત દેવ-દેવીઓનાં સુંદર શિલ્પોથી શણગારવામાં આવ્યું છે. પીઠના નરથરમાં રામાયણ, મહાભારત અને ભાગવત-પુરાણના પ્રસંગોનાં  શિલ્પો કંડારેલાં છે. દેવ-દેવીઓનાં શિલ્પોમાં વિષ્ણુ, ગરુડ, કુબેર, ઈશાન, ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, નિઋતિ, શિવ, ગણેશ, વાયુ, વૈષ્ણવી, બ્રહ્માણી, ઇન્દ્રાણી, સરસ્વતી, ચંડિકા, યમી વગેરેનો સમાવેશ થાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)