એક સમય એવો હતો જ્યારે અમદાવાદમાં દૂધેશ્વરનું નામ આવે એટલે સ્માશન, પાણીની ટાંકી અને કારખાનાની ઓળખ છતી થતી. પરંતુ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ થયો એટલે દૂધેશ્વર જેવા અનેક વિસ્તારની કાયાપલટ થઇ ગઇ. લોખંડના કારખાના સહિત અનેક ઉદ્યોગોથી ધમધમતા દૂધેશ્વર વિસ્તારમાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો પણ આવેલા છે. એમાં એક એવું ઐતિહાસિક સ્થળ છે પણ છે જેનાથી અનેક લોકો અજાણ છે. આ સ્થલ એટલે અચુત કુકી( બીબી)ની મસ્જિદ.
ઈ.સ. 1472માં મહમૂદ બેગડાના શાસનકાળ દરમિયાન મલિક બહાઉદ્દીન સુલતાનીએ પોતાની બેગમ, બીબી અચુતની યાદમાં આ ભવ્ય મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. હિંદુ અને ઇસ્લામી પ્રતીકોના સુનિયોજિત સંયોજનથી સમૃદ્ધ આ મસ્જિદ એક સમયે શાનદાર સ્થાપત્યનું ઉદાહરણ ગણાતી. મસ્જિદમાં કુલ સાત મિનારા હતા, જેમાંથી બે વિશિષ્ટ હલતા મિનારાનો પણ સમાવેશ થાય છે. એક મિનારામાં થતી ગતિ બીજામાં સંચારતી. આ મસ્જિદ ‘અચુત કુકી બીબીની મસ્જિદ’ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત પણ આ મસ્જિદ ‘અચેત બીબીની મસ્જિદ’ અને ‘શાહી મસ્જિદ’ તરીકે પણ પ્રચલિત નામો ધરાવે છે.
કચ્છમાં આવેલા ભૂકંપો દરમિયાન આ મસ્જિદને પમ નુકસાન થયું હતું. અલબત્ત પુરાતત્વ વિભાગે એની સમારસંભાળ માટે પણ પ્રયાસો કર્યા. દૂધેશ્વર વિસ્તારમાં સ્થિત આ મસ્જિદમાં બત્રીસ સ્તંભ, આઠ ગુંબજ અને છત્ર છે. કારખાનાઓ અને ચાલીઓની વચ્ચે છુપાયેલું આ સ્થાપત્ય એની અનોખી શૈલી માટે જાણીતું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)