ગુજરાતમાં રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે તંત્રની કામગીરી ન દેખાતા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે બાદ હાઇકોર્ટે તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા કર્યા હતા. તંત્રની આંખ ખુલતા હેલ્મેટ મુદ્દે ડ્રાઇવ શરૂ કરવામાં આવી, પરંતુ ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નહી. આખરે કોર્ટના તિરસ્કારની અરજીમાં કુલ 60 ઓર્ડર થયા છતાં રસ્તા પર કામગીરી ના દેખાતા ગુજરાત હાઇકોર્ટે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસ તથા અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને 29 ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં ઉપસ્થિત રહેવા આદેશ કર્યો હતો.
હાઈકોર્ટે વધતી સમસ્યાના સમાધાન માટે હેલ્પલાઈન નંબર અને વેબસાઈટ લોન્ચ કરવાના આદેશ આપ્યા છે, પરંતુ શું આ સમસ્યાનું સમાધાન છે? વેબસાઈટથી ટ્રાફિકની સમસ્યા ઉકેલાય જશે?
શું કહે છે આ મુદ્દે વિવિધ ક્ષેત્રના લોકો?
સફીન હસન, ટ્રાફિક DCP
ગુજરાત હાઈકોર્ટ દ્વારા હેલ્પલાઈન નંબર અને વેબ સાઈટનો નિર્ણય ટ્રાફિક નિયમો પાલન કરવા માટે નથી. પરંતુ આ નિર્ણય ટ્રાફીકને લગતી સમસ્યા, કોઈ જગ્યા પર ગેરકાયદે ડિવાયર ખોલવામાં આવ્યા છે, કે પછી કેટલી જગ્યા પર બમ્પને લઈ સમસ્યાઓ ઊભી થતી હોય છે. તેના માટે આ વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેથી આ કોઈ નિયમ પાલન કરવા માટે નહી, પરંતુ જાહેર જનતાની સામાન્ય સુધારણા માટે કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી જનતાની સમસ્યા જલ્દીથી અધિકારી સુધી પહોંચાડી શકાશે સાથે જ તેનો જલ્દી ઉકેલ લાવી શકાશે. જ્યારે નિયમ પાલનની વાત થાય ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હેલમેન્ટ લઈ 1800% વધુ કેસ નોંધાયા છે. લોકોમાં પણ નિયમ પાલનને લઈ જાગૃતિ આવતી જોવા મળી રહી છે.
રોહિત પ્રજાપતિ, સામાજિક કાર્યકર
આ હેલ્પલાઈન નંબર અને વેબસાઈટથી ટ્રાફિકને લગતા કારણ બહાર આવશે. ટ્રાફિકને લગતી ફરિયાદો ફોન અથવા વેબસાઈટ દ્વારા કરાશે તો, ટ્રાફિક થવાના મૂળ કારણો જાણી તેના પર કામ કરી શકાશે. જ્યાં સુધી મૂળ પ્રશ્નની જ જાણ નહી થાય, ત્યાં સુધી તેનું સમાધાન કઈ રીતે કરી શકાય. પરંતુ આ ટ્રાફિક સમસ્યાને નંબર ઓફ વ્હીકલ સાથે લેવા દેવા છે. જ્યારે શહેરમાં વ્હિકલની સંખ્યા વધતી જશે ત્યારે ટ્રાફિક કેમ ઘટશે? આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવું જોઈએ. આ ઉપરાંત વાહનોનું કુટુંબ નિયોજન કરવાની જરૂર છે. જ્યારે વ્હિકલની સંખ્યા વધતી જશે તો, કોઈ પણ ઉકેલ સમસ્યા માટે કામ નહિં આવે. જ્યારે વાત રહી રખડતા ઢોરની તો, અહીં પોલીસીનો મુદ્દો આવે. જ્યારે ગૌચરની જમીન ખવાય જાય ત્યારે તેમને રસ્તા પર આવું જ પડે. એના માટે આરક્ષિત જમીન હોવી જોઈએ. ટ્રાફિક સિગ્નલને રી ડિઝાઇન કરવા જોઈએ.
ઉન્નતિબેન ઠાકર, વકીલ
ટ્રાફિક સમસ્યા માટે વેબસાઈટ અને હેલ્પલાઇન નંબર લોન્ચ કરવાથી ટ્રાફિક ઓછો ના થાય. સામાન્ય જનતામાં આ મુદ્દે જાગૃતિ હોવી જોઈએ. આપણે ત્યાં સામાન્ય જનતા વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર લઈ જાણકારી નથી હોતી. આ ઉપરાંત કેટલાક લોકો પાસે આ વિષય પર પૂરતું જ્ઞાન હોતું નથી. જ્યાં સુધી જનતામાં સ્વયં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યા દૂર નહીં થાય. ટ્રાફિકમાં પણ અનેક સમસ્યા હોય છે, જેમ કે રખડતા ઢોર, વાહન પાર્કિંગ અને ખરાબ રસ્તા.. કેટલીક વખત તંત્ર તરફથી પણ નિયમ પાલનનો પ્રતિસાદ નથી મળતો. હાલ કેટલાક શહેરોમાં ડ્રાઈવ ચાલે, ટ્રાફિક નિયમોને લઇ કેટલીક ઇવેન્ટનું આયોજન થાય છે. આ વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર લઈ ઇવેન્ટનું આયોજન કરી તેની જનતાને જાણ કરવી પડશે.
કોમલ નિરંજનભાઈ પટેલ, ફાઉન્ડર અને ડિરેક્ટર, ચરોતર ક્રોશેટ ક્વીન્સ ગ્રુપ
સામાન્ય રીતે કોઈ પણ હેલ્પલાઈન નંબર કે વેબસાઈટથી ટ્રાફિકની સમસ્યા દૂર થવાની નથી. કેમ કે લોકો બે કે પાંચ મિનિટનું કામ સમજી મન ફાવે તેમ પાર્કિંગ કરી દેતા હોય છે. અત્યારના સમયમાં વ્હિકલની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. ટ્રાફિકના મુદ્દા પર જનતાએ જ સમજી વિચારી નિયમોનું પાલન કરવું જોઈએ. આજ કાલ લોકો મેમો આપ્યા બાદ વિચાર કરતા થાય છે. આડેધડ પાર્કિંગ થી લોકો 20ની જગ્યામાં 10 જ વ્હીકલ પાર્ક કરી શકાશે. સરકાર સાથે જનતાએ પણ સહકાર આપવાની જરૂર છે. જ્યારે બીજી બાજુ સરકારે પણ આવા હેલ્પલાઈન નંબર લઈ જાગૃતિ કાર્યક્રમ અને જાહેરાતનું આયોજન કરવું જોઈએ.
(તેજસ રાજપરા- અમદાવાદ)